Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

હોટલ સૂર્યકાન્ત : ૧૦૦ વર્ષની સ્વાદિલી સફર

પેઢીઓ બદલાઇ, પરંતુ ૧૦૦ વર્ષથી રાજકોટના સ્વાદનું સરનામું બદલાયું નથી : ચાની કિટલીથી પ્રારંભ થયેલી હોટલે સ્વાદ-સુવિધા અને લોકપ્રિયતા સતત વિસ્તાર્યા : ચા - થેપલાની મૂળ ઓળખ જાળવીને અભિષેક તલાટિયાએ નવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી

સૂર્યકાન્ત હોટલની ૧૦૦ વર્ષીય સફરમાં અનેક મહાનુભાવો આવી ચુકયા છે પૂ. મહંત સ્વામીજી પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા. આ ઉપરાંત પૂ. નારાયણચરણ સ્વામીજી, પૂ. મુનિપ્રિય સ્વામીજી પણ પધાર્યા હતા. સૂર્યકાન્ત હોટલ પરિવારના મોભી શ્રી રામભાઇ તલાટિયા, શ્રી ભૂપતભાઇ તલાટિયા, અભિષેક તલાટિયા સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની તસવીરોમાં શ્રી નિરંજનભાઇ શાહ, અભયભાઇ ભારદ્વાજ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગવર્નર વજુભાઇ વાળા, કલાકાર જેઠાલાલ-દિલીપભાઇ જોશી, તેજસ સિસાંગિયા, પરેશભાઇ પોપટ, આઇપીએલ એન્કર શ્રધ્ધાબેન, અગ્રણીઓ અભિલાષ ગૌડા, લાઇફ વીડિયોવાળા રાજુભાઇ રાઠોડ વગેરે નજરે પડે છે. યુવા ગ્રાહકો અહીં સેલ્ફી લઇને મોજ કરે છે.  : 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અભિષેક તલાટિયા નજરે પડે છે.

રાજકોટ તા.૧૫ : સો વર્ષમાં રાજકોટમાં સ્વાદ-શોખીનોની પેઢી બદલાઇ, પરંતુ સ્વાદનું સરનામું એનું એ જ રહ્યુ છે. લોધાવાડ ચોકમાં રાત દિવસ ધમધમતી સૂર્યકાંત હોટલ સ્વાદિલી સફરના ૧૦૦ વર્ષ પૂરા કરી રહી છે.

થેપલા - ચાની મૂળ ઓળખ ધરાવતી સૂર્યકાંત હોટલે ૧૦૦ વર્ષમાં સ્વાદ સુવિધા વિકસાવ્યા છે પરંતુ મૂળ ઓળખ જાળવી રાખી છે. હોટલના યુવા સંચાલક અભિષેક તલાટિયા 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. અભિષેકે હોટલની ગૌરવવંતી પરંપરા જાળવીને અત્યાધુનિક સુવિધા સાથે વિકાસ કર્યો છે.

અભિષેક તલાટિયાએ જણાવ્યું હતુ કે, ૧૦૦ વર્ષ પૂર્વે મારા પરદાદા શ્રી લક્ષ્મણસિંહજીએ ચાની કિટલી શરૂ કરી હતી. અમારી પરંપરા સૂર્યદેવની પૂજા કરવાની છે. આ પરંપરાને આધીન ચાની કિટલીનું નામ સૂર્યકાંત રખાયુ હતુ. એ ગાળામાં સૂર્યકાંતની ચા લોકપ્રિય બની હતી. બાદમાં રામસિંહજી તલાટિયાએ ચાની કિટલી સંભાળી. રામબાપાએ વ્યવસાયનો વિકાસ કર્યો. ૫૦ વાર જગ્યા લીધી. ચા ની દૂકાન શરૂ કરી, જેમાં ચા સાથે થેપલા અને સૂકીભાજી પણ શરૂ કર્યા.

ચા-થેપલા સૂકી ભાજી ખૂબ જ લોકપ્રિય બન્યા. બાદમાં રામસિંહજીના પુત્ર ભૂપતભાઇ તલાટિયાએ સૂર્યકાંત હોટલના વિકાસમાં ગતિ આપી. આ હોટલને ગોંડલ રોડનું નઝરાણુ બનાવ્યુ. ભૂપતભાઇએ ૩૦૦૦ વાર જમીન પર સૂર્યકાંત હોટલનો વિકાસ કર્યો. નવુ નિર્માણ કર્યુ. ચા ની કિટલીથી શરૂ થયેલી હોટલ આલીશાન બની ગઇ. ભૂપતભાઇના પુત્ર અભિષેક તલાટિયાએ આ થેપલા સૂકીભાજીની મૂળ ઓળખ અને સ્વાદ જાળવી રાખીને નવા સ્વાદ અને સુવિધા સજર્યા છે.

અભિષેક ઓસ્ટ્રેલિયામાં હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. નવી ટેકનોલોજી નવા પ્રવાહોથી માહિતગાર છે. અભિષેક કહે છે કે, મારા પરદાદાએ ચાની લારીથી શરૂ કરેલી હોટલ ૧૦૦ વર્ષમાં વિરાટ વટવૃક્ષ બની છે. સૂર્યકાંત હોટલમાં અત્યાધુનિક સુવિધાથી ભરપુર ૩૫ રૂમ્સ ઉપલબ્ધ છે. ભોજન નાસ્તા માટે સીટિંગની પણ પુરતી સુવિધા છે. ચા-થેપલા સૂકીભાજીતો ધમધોકાર ચાલે જ છે, સાથે પંજાબી, સાઉથ ઇન્ડિયન સ્વાદ પણ ઉમેરાયો છે.

અભિષેકભાઇ કહે છે કે, ૧૦૦ વર્ષ પૂરા કર્યાનું અમને ગૌરવ છે. સ્વાદના શોખીનો સૂર્યકાન્તમાં આવીને આનંદનો ઓડકાર લે તે દ્રશ્યો એમને પરમ આનંદ આપનારા છે. આજે પણ લાઇવ થેપલા ચાલુ જ  છે. દરરોજ ૪૦૦૦થી વધારે થેપલા બને છે. વિશેષ દિવસોમાં ૭૦૦૦ થી ૮૦૦૦ જેટલા થેપલાની ખપત થાય છે. આ ઉપરાંત ચા સૂકીભાજી તો ખરા જ. સાથે પંજાબી સાઉથ ઇન્ડિયન વિવિધ વાનગીઓ પણ સ્વાદ શોખીનોમાં પ્રિય બની છે. મુખ્ય કૂક પટેલભાઇ ૪૫ વર્ષથી એકધારી સેવા આપે છે. આ ઉપરાંત વિવિધ વાનગીના નિષ્ણાંતો સેવા આપે છે.

અભિષેકભાઇ કહે છે કે, કમાલ એ છે કે, સુર્યકાંતના થેપલા વિદેશ પણ જાય છે. આ માટે વિશિષ્ટ પ્રકારનું પેકીંગ કરવામાં આવે છે.

હોટલ સૂર્યકાંતની મુલાકાતે અસંખ્ય મહાનુભાવો આવ્યા છે, સ્વાદ માણ્યો છે, ઉપરાંત પૂજનીય વિભૂતિઓના આશિર્વાદ પ્રાપ્ત થયા છે. પૂજય પ્રમુખ સ્વામી મહારાજ પણ પધાર્યા હતા અને આશિર્વાદ આપ્યા હતા. પૂ. જ્ઞાનવત્સલજી તથા પૂ.નારાયણચરણ સ્વામી સેવક સંત પ્રમુખ સ્વામી  પણ પધારેલા.

કલાકારો ક્રિકેટરો વિવિધક્ષેત્રના આગેવાનો સ્વાદ માણી ચૂકયા છે. અભિષેક તલાટિઓએ જણાવ્યું હતું કે, વિવિધક્ષેત્રના મહાનુભાવોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, દિલીપ જોશી (જેઠાલાલ), ટીકુ તલસાણિયા, સિધ્ધાર્થ રાંદેરીયા, પરેશ રાવલ, સરમન જોશી, આશિષ ત્રિવેદી, પ્રાણલાલ વ્યાસ, ધીરૂભાઇ સરવૈયા, સાંઇરામ દવે, જીતુભાઇ દ્વારકાવાળા ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહ, હિતેશભાઇ પટેલ, નરહરીભાઇ અમીન, ક્રિકેટરો પાર્થિવ પટેલ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ઇરફાન યુસુફ પઠાણ, રોહિત શર્મા, શ્રીનાથ આ તમામે સૂર્યકાંતના થેપલા સુકીભાજી માણ્યા છે.

રાજકોટના ઉદ્યોગકારોથી માંડીને સામાન્ય માણસ સુધીનો વર્ગ સૂર્યકાંતની ચા અને ગુજરાતી ભોજન ઉપરાંત વિવિધ વાનગીનો સ્વાદ માણવા આવે છે.

લોધાવાડ ચોકમાં સૂર્યકાંત હોટલે અનેક નેતાઓ પણ મુલાકાત લઇ ચૂકયા છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયપાલ વજુભાઇ વાળા, કેન્દ્રિય મંત્રી સ્મૃતિબેન ઇરાની, પુરૂષોત્તમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘવી વગેરે મહાનુભાવો સ્વાદ માણી ચુકયા છે. અભિષેક કહે છે કે, આધુનિકતા સાથે તાલ મીલાવ્યા છે. સૂર્યકાંત હોટલે ઝોમેટો સાથે કરારો કર્યા છે. રૂમ્સ બુકિંગ માટે ઓપો સાથે પણ કરારો કર્યા છે.(૪૫.૯)

પરંપરાથી માંડીને અન્ય લોકપ્રિય સ્વાદનો મેળો

સેવાક્ષેત્રે પણ સૂર્યકાન્ત અગ્રેસર

રાજકોટ, તા. ર૧ : સો વર્ષ પૂર્ણ કરનાર હોટલ સૂર્યકાન્તમાં પરંપરાથી માંડીને અન્ય લોકપ્રિય સ્વાદનો મેળો જામ્યો છે. અભિષેકભાઇએ જણાવ્યું હતું કે, ચા-થેપલા-સૂકીભાજી તો ખરા જ, ઉપરાંત બપોરે ફિકસ ગુજરાતી થાળી ઉપરાંત ર૪ કલાક સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીસ, ફાસ્ટફૂડ, પિત્ઝા, પાઉંભાજી વગેરે મળે છે.

અીભષેકભાઇ કહે છે કે, અમે વ્યાજબી કિંમતમાં ઉચ્ચ ગુણવત્તાવાળી રસોઇ પીરસીએ છીએ. ઉપરાંત રામબાપાએ સાધુ-મહાત્માઓ, બાળકો અને દર્દીઓની સેવા કરી હતી એ ચાલુ જ છે. અભિષેકભાઇ ખુદનો જન્મદિન માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સેવા કરનારી સંસ્થા સાથે ઉજવે છે.

અભિષેકભાઇ કહે છે કે, રાજકોટમાં ઝોમેટોમાં સૂર્યકાન્ત બીજા ક્રમે છે. અભિષેકભાઇના કાકા પ્રતાપભાઇ તલાટિયા છેલ્લા ૩પ વર્ષથી દરરોજ રાત્રે ૯ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી સતત ખડાપગે સેવા આપે છે. પ્રતાપભાઇ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે.

સૂર્યકાન્ત ગેસ્ટ હાઉસનું સંચાલન અભિષેકભાઇ અને રવિભાઇ તલાટિયા કરે છે. સો વર્ષની સ્વાદિલી સફર અંગે અભિષેક તલાટિયા મો. ૬૩પર૦ ૩૬૭૦૭/ ભૂપતભાઇ તલાટિયા મો. ૯૮રપ૦ ૭પ૩પ૬ નંબર પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:20 pm IST)