Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

તંત્રની ઘોર બેદરકારી કે ભ્રષ્ટાચારઃબાજપાઇ ઓડીટોરિયમ ચિથરે હાલ

માત્ર ચાર વર્ષમાંજ ખુરશીઓ-દરવાજા, લાદી, ટોઇલેટ તુટી ગયાઃ રીપેરીંગ માટે કોર્પોરેટરની લેખીત ફરિયાદો- ફડાકાકાંડ પછી આજે પણ ઓડીટોરિયમ તુટેલી-ફુટેલી સ્થીતીમાં

રાજકોટ, તા., ર૧: શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલ અતિઆધુનીક અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમની હાલત માત્ર ૪ વર્ષમાં જ ચિંથરેહાલ થઇ ગઇ છે કેમ કે ઓડીટોરીયમમાં બેસવાની સીટ, બારણા, લાદી સહિતની વસ્તુઓ તુટેલી-ફુટેલી હાલતમાં છે. જેના રીપેરીંગ માટે ખુદ ભાજપના મહિલા કોર્પોરેટરે લેખીત ફરીયાદ અવાર નવાર કરી હોવા છતા આજની તારીખે આ ઓડીટોરીયમ તુટેલી-ફુટેલી હાલતમાં જોવા મળી રહયું છે. જેના કારણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.

આ અંગે સામાકાંઠા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાના પતિ અરવિંદભાઇ ભેસાણીયાએ જણાવ્યા મુજબ અટલ બિહારી વાજપેઇ ઓડીટોરીયમની ખુરશીઓ તુટેલી છે. રેકઝીન ફાટી ગયા છે. દિવાલોમાં ખાડા પડી ગયા છે. લાદીઓ તુટી ગઇ છે. સંડાસ-બાથરૂમમાં નળ ફુવારા અને પોખરા તુટેલા છે. એટલું જ નહિ ઓડીટોરીયમનો દરવાજો તુટી ગયો છે અને પથ્થરના ટેકે ઉભો છે.

આમ ઓડીટોરીયમની આવી ચીંથરે હાલ હાલત અંગે છેલ્લા ઘણા વખતથી ઇજનેરોને લેખીતમાં ફરીયાદો કરી છે.  આમ છતાં આજે પણ આ ઓડીટછરીયમનું રીપેરીંગ થતું નથી. માત્ર ૪ વર્ષમાં જ કરોડોના ખર્ચે બનાવાયેલ આ ઓડીટોરીયમની સારસંભાળ લેવામાં તેમજ રીપેરીંગમાં બેદરકારી છત્તી થઇ છે તેવો આક્ષેપ અરવિંદભાઇએ આ તકે કર્યો છે.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ અરવિંદભાઇ ભેસાણીયા અને ડે. ઇજનેર વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ ફડાકાકાંડ પણ સર્જાયું હતું અને આ મુદ્દે અરવિંદભાઇ સામે પોલીસ ફરીયાદ પણ થયેલ. આમ છતા હજુ આ ઓડીટોરીયમનું રીપેરીંગ હજુ શરૂ નહિ થતા તંત્ર સામે લોકરોષ છે.

 

(3:07 pm IST)