Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુલેમાનભાઇ સંઘારની વિદાય

યુવાન વયેથી જ ક્રાંતિકારી રહેલા સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ સમાજમાં આગવું સ્થાન પામેલા અગ્રેસર : આજીવન કોંગ્રેસમાં રહ્યાઃ છેવટ સુધી લેખન કરતા રહ્યાઃ ૮ વર્ષ સુધી આકાશવાણીમાં નાટકો લખીઃ પ્રજાના પ્રશ્નો માટે સરકાર સુધી લડતો આપીઃ કાલે સવારે રાજકોટ ખાતે ઝીયારત

રાજકોટ તા. ર૧ :.. સૌરાષ્ટ્રના મુસ્લિમ સમાજના ક્રાંતિકારી સામાજીક અગ્રેસર સુલેમાનભાઇ સંઘાર બિમારી દરમિયાન ગઇકાલે ગુરૂવારે તા. ર૦-૬-૧૯ ના સાંજે પ.૩૦ વાગ્યે અચાનક વિદાય લઇ લેતા અનેક લોકોએ આઘાત અનુભવ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ સમાજના હિત ખાતર હમેંશા લડતો આપી સતત સમાજ માટે કાર્યરત રહેનાર મર્હુમ સુલેમાનભાઇ સંઘાર યુવાન વયેથી સરળ મિજાજ ધરાવતા હતા અને જેના લીધે હિન્દુ-મુસ્લિમ કોઇપણ હોય તેના હિત માટે થઇ કયારેય પાછી પાની નહી કરી સરકાર સુધી પણ પોતાનો અવાજ લંબાવી ન્યાય અપાવતા રહ્યા હતાં.

પોતાના પિતા નિવૃત આર્મીબેન મર્હુમ જુમાભાઇ સંધી ધારીના વતની હતા અને પોતાનો જન્મ ધારીમાં થયેલ. ધારીમાં સંપૂર્ણ તાલીમ લઇ સીધા રાજકોટ સ્થાયી થયા અને રાજકોટ આકાશવાણીમાં સતત આઠ વર્ષ સુધી સેવાઓ આપી હતી.

યુવાન વયેથી જ પોતાના મિજાજના લીધે  સતત પ્રજાના પ્રશ્નો હલ કરવામાં આજીવન સેવા બજાવનાર સુલેમાનભાઇ સંઘાર છેલ્લા એક વર્ષથી વૃધ્ધાવસ્થાના લીધે નબળાઇ આવી જતા પથારીવશ થયા હતા અને ગોઠણમાં દુઃખાવો થતો રહેતો હતો માત્ર સામાન્ય બિમારીમાં ગઇકાલ સુધી પણ સૌથી વાતો કરતા રહ્યા હતા અને એકાએક સાંજે પોતાનો દેહ ૮૪ વર્ષની વયે છોડી દીધો હતો.

પ્રથમ થી જ કોંગ્રેસમાં જોડાયા હતા અને છેવટ સુધી કોંગ્રેસમાં રહ્યા. રાજકારણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે આજે પ્રજાકીય, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ ઉભી કરી તેમાં સેવાઓ બજાવતા રહ્યા જે થકી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુલેમાનભાઇ સંઘાર પોતાનું એક આગવું સ્થાન ધરાવતા હતાં.

આકાશવાણીમાં જોડાઇને તેઓ 'રોશન કાશ્મીરી'ના નામે નાટકો લખતા રહ્યા હતાં અને લેખનનો યુવાન વર્ષોથી શોખ હોઇ દરરોજ અખબારોમાં પણ પોતાની તસ્વીર સાથે સતત સ્થાન પામતા રહ્યા હતાં.

ખૂદ અખબારી યાદીઓ તૈયાર કરી જે તે કાર્યાલયમાં હંમેશા નિયમિત આપવા જતા હતાં. ગઇકાલે પણ રાજકોટના કોમી એકતારૂપ હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય બનાવવાના આયોજન અંગેની અખબારી યાદી ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ યુસુફભાઇ દલને પોતાના ઘરે બોલાવી બપોરે લખાવી હતી. તેના થોડા જ કલાકોમાં આંખો મીચી લીધી હતી જે તેઓના જીવનકાળનું છેલ્લુ લેખન કાર્ય બની રહ્યું હતું.

વૃદ્ધા વસ્થાના લીધે નબળાઇ છતાં પણ મોટર સાયકલ ઉપર જઇ અખબારી કાર્યાલયોની મુલાકાત છેવટ સુધી લેતા રહ્યા હતાં. ટૂંકમાં અંતિમ શ્વાસ સુધી ઉત્સાહી જીવન વિતાવ્યું હતું.

હાલમાં પોતે બજરંગવાડી શેરી નં.૬માં રહેતા હતા. જયારે તેઓની દફનવિધી ગઇરાતે ૧ વાગ્યે સદર કબ્રસ્તાનમાં થયા પામી હતી એ વેળા રાજકીય, સામાજીક અગ્રણીઓ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ ભાઇઓ મોટી માત્રામાં જોડાયા હતાં.

તેઓ પોતાના ધર્મપત્ની ગુલશનબેન ઉપરાંત પુત્રો મર્હુમ હુમાયું સંઘાર, પુત્રી મર્હુમા હસીનાબેન તથા પુત્ર સિકંદર સંઘાર (મો.નં. ૯૮ર૪૮ ૦૩૦૩ર) તથા પુત્રી શહેનાઝબેન સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયેલ છે.

મર્હુમ સુલેમાનભાઇ સંઘારની ઝીયારત તા. રર ને શનિવારે સવારે ૧૦ વાગ્યે જુમ્આ મસ્જીદ (સદર) તથા મહિલાઓ માટે સવારે હઝરત જમાલશાહ કમાલશાહ પીરની દરગાહ (સદર) ખાતે રાખેલ છે.

અકિલાએ અંજલિ પાઠવી

રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ સમાજના રાહબર તરીકે જાણીતા સુલેમાનભાઇ જુમાભાઇ સંઘાર (ઉ.વ.૮૪) ગઇકાલે દુઃખદ નિધન પામતા 'અકિલા' કાર્યાલયે મૌન પાળી તેઓને યાદ કર્યા હતાં. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ સ્વ. સંઘારને અંજલી  પાઠવી  ર મિનીટ મૌન પાળ્યું હતું.

સ્વ. સુલેમાનભાઇનો 'અકિલા' સાથે હમેંશા અનેરો સબંધ રહ્યો હતો. દરરોજ તેઓ કાર્યાલયની મુલાકાતે સવારે આવી જતા અને કંઇકને કંઇ, નાની કે મોટી અખબારી યાદી આપી જતા હતાં. હમેંશા તેઓએ પ્રજાકિય પ્રશ્નો તરફ જાગૃતિ દાખવી હતી.

(1:24 pm IST)