Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

૮૫ વર્ષના શીખ યુવાને લશ્કરી જવાનોની ગુજરાત પ્રત્યેની ધારણા બદલી નાખી

બ્રિગેડીયર અજિતસિંઘ સાથે રાજકોટ રેલ્વેમાં યશસ્વી ફરજ બજાવી ગયેલ શ્રી ઉજાગરસિંઘ (મો.૯૪૨૬૪ ૪૩૬૧૨) નજરે પડે છે. રિટાયર થયા પછી શ્રી ઉજાગરસિંઘ અત્યારે ઓખા નજીક આવેલ બેટ દ્વારકા ખાતેના ઐતિહાસિક - પવિત્ર ગુરૂદ્વારા સાહિબનું સુંદર સંચાલન સંભાળી રહ્યા છે. 'અકિલા' પરિવારના આ પરમ મિત્ર સાથે દાયકાઓથી અતૂટ નાતો રહ્યો છે.

એ ટટ્ટાર,જોશીલા પંચ્યાશી વર્ષના ''યુવાન''  શિખને હું પ્રથવાર ૨૦મી જુન ૨૦૧૮ના દિવસે ગુજરાતમાં ઓખાબંદરની બાજુમાં આવેલા બેટ શંખોધ્ધાર ટાપુ પરના પવિત્ર ગુરૂદ્વારામાં મળ્યો. હું ત્યારે કચ્છનાં અખાતમાં આવેલા પરવાળાના સુંદર ટાપુ પર, જુદા જુદા દશ ટાપુ પર, ૩૬ ફૂટ ઉંચા ધ્વજદંડ પર તીરંગો લહેરાય તેવા સ્થાન પસંદ કરવા અને તે સ્થાન પર ચણતર કરવાના કાર્ય માટે પ્રવૃત હતો. આ બધા જ ટાપુઓ નિર્જન છે. દુર્ગમ સ્થાન પર આવેલ છે.

તે સમયે દેવદુત સમાન આ શિખ સરદાર ઉજાગરસિંઘે આશરે ૧૦૦ જેટલા એન.સી.સી. કેડે અને સ્ટાફને સુંદર રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી આપી. તે સમયે મને થોડી ક્ષણો સત્સંગ માટે મળેલ. જેમાંથી મને આ સ્થાનની ઐતિહાસિક, મહત્વ, સારગ્રાહીનાં જંગ અને બાબા હરભજન સિંઘ વગેરે વિશે ખૂબ જાણવા મળ્યું.

અચાનક સરદારજીની આંખોની સામે વીતેલ ભવ્ય ભૂતકાળનું એક સુવર્ણપુષ્ઠ ખુલ્યું ! અને એ જ વાત, હું આજે, તમને કહેવા માગું છું.

'૬૫ની ભારત- પાકિસ્તાનની લડાઈમાં જામનગર શહેર પાક યુદ્ધ વિમાનોના બોમ્બમારાનો શિકાર બન્યું હતું. આ સંજોગોમાં કાંઠાના વિસ્તારથી, અસરગ્રસ્ત વિસ્તાર સુધી સૈન્યની તહેનાતીના સંદર્ભે ખુબ જ અદલાબદલી થતી હતી. આ બધા જ પ્રવાસો રેલમાર્ગે જ થતા હતા. તેવા એક રેલ પ્રવાસમાં ઉજાગરસિંઘ સ્વૈચ્છિક સ્વયંસેવક હતા તે સમયે ઈન્ડિયન એરફોર્સના એક સ્કવોડ્રન લીડરે, રેલવેના પેન્ટ્રીકારનાં વેઈટર પાસે નોન વેજ થાળીની માગં કરી વેઈટરે ખુબ જ વિનમ્રતાથી કહ્યું કે ગુજરાત શાકાહારી ખોરાક ખાનાર પ્રદેશ હોઈ અહીં માંસાહારી થાળી મળવી શકય નથી. આ સાંભળી અફસર ગુસ્સે થઈ ગયા અને ઈંડાની વાનગીની માંગ કરે છે. વેઈટર ફરીથી સમજાવે છે કે ઈંડાની વાનગી મળવી પણ મુશ્કેલ છે. પત્યું! ભૂખથી વ્યાકુળ અફસરનો ગુસ્સો સાતમાં આસમાને ચઢી જાય છે ! વેઈટર પાસે ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી ! તે સમયે ઉજગરસિંઘ મામલાને શાંત પાડવા અફરસને આખી વાત શાંતિથી સમજાવે છે. પણ ભૂખથી વ્યાકુળ અફસરને કશુંય સમજાતું નથી ! ઉજાગર સિંઘને આર્મીમેન ઉપર ખુબ સન્માન અને અનહદ પ્રેમ હતો એટલે તેમણે અધિકારીને રાજકોટ સુધી રાહ જોવા માટે વિનંતી કરી અને વચન પ્રમાણે રાજકોટ જં.માં ગરમા ગરમ માંસાહારી થાળી શેરે પંજાબમાંથી મંગાવી અધિકારીને આપી!'

યુવાન સરદારજીને અફસરની ભુખ મિટાવ્યાનો અતિશય આનંદ થયો. પણ તે રાત્રે સરદાર સુઈ ન શકયા. વારે ઘડી એ તેના કાન પર એ અફસરના ફરિયાદના કટુ શબ્દો ખીલ્લાની જેમ ઠોકાતા હતા તેમને આત્મ મંથનમાં પૂછયું ''શું દેશ માટે લડતા જવાનોને ભોજન પુરૃં પાડવું એ નાગરિકોનો ધર્મ નથી ? દુશ્મનો સામે લડનારા વીર જવાનોને બે ટંકની રોટી પણ ના આપી શકીયે એટલા આપણે કૃતધ્ની છીએ ? આ આત્મ મંથનના અંતે તેમણે જે નિર્ણય લીધો તે એક સાચા શિખ સપૂત, ગુરૂના બંદાને છાજે તેવો જ હતો. જે યુદ્ધનાં મેદાનમાં ''તેગ'' લઈ તૂટી પડે અને લંગરમાં ''દેગ''લઈને ભરપેટ ખવડાવે તે શીખનો આ નિર્ણય હતો.''

તે સમયે રાજકોટ મ્યુનીસીપાલીટીનાં કાઉન્સીલર શ્રી બાબુભાઈ વૈદ્યના ઘેર બપોરે બે વાગે પહોંચી ધસી જાય છે!  અફરસરવાળા ટ્રેનના પ્રસંગમાં નજરે જોનાર તેઓશ્રી વૈદ્ય સાહેબ સાક્ષી હતા અને જે રીતે યુવાન સરદારે મામલાને નીપટાવ્યો તે પણ તેમણે બારીકાઈથી નિહાળ્યું હતું !

તેમણે વૈદ્ય સાહેબ પાસે રાજકોટ જંકશન પર જ જવાનોનાં રસાલા માટે ચોવીસે કલાકે તમની મરજી મુજબનું શુદ્ધ સાત્વિક ભોજન મળે તે માટે નિઃશુલ્ક લંગર ચાલુ કરવાની માંગ કરી આવું એક સચાતા સરદારને જ સુઝે ને ? વૈદ્ય સાહેબે આર્થિક અને વહીવટી પૂર્ણ ટેકો આપવાની ખાત્રી આપી અને યુવાન સરદારને દરખાસ્ત સાથે જ જીલ્લા સમાહર્તા શ્રી ડી.એસ.દીધે પાસે લઈ ગયા. સમાહર્તાએ તુરત જ આ વિચારને આવકારી એક સમિતિ બનાવી તેના વડા તરીકે તેમના પત્ની શ્રીમતી દીધેને આ પૂર્ણ પ્રકલ્પના વહીવટદાર તરીકે નીમી દીધા.

૧૯૬૫ના યુદ્ધ સમયે ઉજાગર સીંઘજીના પ્રયાસોથી શરૂ થયેલ 'ફ્રી કેન્ટીન સર્વીસ' સેવાએ દેશભરના જવાનોમાં આદર મેળવેલ

જામનગર એરફોર્સના એક સમયે નારાજ થયેલા સ્કવોડ્રન લીડરે પોતાની નોંધમાં લખ્યું છે કે રાજકોમાં લશ્કરના જવાનો માટેની ' ફ્રી કેન્ટીન સર્વીસ' તેમના દ્વારા પીરસતા ભોજનની ગુણવતા તથા વિનમ્રતા અને હસતા મુખની પ્રસન્ન સેવા બાબતે સર્વોચ્ચ સ્થાને બીરાજે છે.

 તેવુ કહેવામાં મને બિલકુલ આશ્ચર્ય નહિ થાય લશ્કરમાં ફરજ બજાવી રહેલા અમો જવાનોનો મનમાં એવી લાગણી હતી કે ગુજરાતનાન લોકોના મનમાં અમારા માટે કોઇ જ કુણી લાગણી-સોફટ કોર્નર નથી. ત્યારે અહિં તેમના વલણમાં મોટો ફેરફાર દર્શાવતો આ દાખલો જોવા મળ્યો છે.

સામાજીક સેવાનો અર્થ શું ? તે શીખવા માટે શ્રી ઉજાગર સીંઁઘજીના માર્ગદર્શન હેઠળ  હું અહિં સેવા આપવાનું પસંદ કરીશ. તમામ રેલ્વે સ્ટાફ માટે શ્રી ઉજાગર સીંઘ એક દૃષ્ટાંત રૂપ છે. અમારા સહુના અભિનંદનના તેઓ એકમાત્ર અધિકારી છે. અહિં  ભોજન લેવા માટે અમને સહુને ગર્વ છે. તેમ જામનગર એરફોર્સના  આ સ્કવોડ્રન લીડરે તેમની નોંધમાં લખ્યું છે.(૪૦.૭)

૨૨ ઓકટોબર ૧૯૬૫ના રોજ રાજકોટ જંકશન ઉપર લંગર ધમધમવા લાગ્યું અને તે પણ નારીશકિતના સંચાલનથી જ. પુરૂષોએ નગરજનોને મળી ફંડ એકઠું કરવાની કામગીરી કરી ! સાદું મેનુ એવું પસંદ કર્યું કે ૨૪ કલાક ગરમાગરમ જવવાનું મળે. રાજકોટના અઢારેય વરણે તન, મન, ધનથી સહયોગ આપ્યો રેલ્વે વહીવટે વિરમગામ અને ઓખા તરફથી આવતી- જતી ટ્રેનમાં મુસાફરી કરતા સૈન્ય રસાલાને આ કેન્ટીનનો લાભ લેવા માટે ખાસ વિજ્ઞપ્તિ કરી અને લંગરને તાજો સમાન સમયસર મળે તે માટે પૂર્ણ સહાયતા કરી.

આ લંગરને સંભાળતા હતા આપણા યુવાન ઉજાગર સિંઘ સહયોગમાં હતા રેલ્વેના કર્મચારીઓ. જરૂરત પડે અને વધારે ભીડ થાય તો બધા જ રોટી -પૂરી વણવા લાગી જતા. આવા સંઘબળથી ૬૬૮૪ જવાનોને આ કેન્ટીને ભોજન પુરૃં પાડયું. દેશભરના લશ્કરી દળોમાં રાજકોટની કેન્ટીન પ્રસિધ્ધ થઈ ગઈ.

ઈતિહાસના પન્ના પલટે છે ફરીથી પેલા સ્કોડ્રન લીડર રાજકોટ નીકળે છે. ઉજાગર સિંઘ ખુદ તેમને કેન્ટીનમાં ભોજન લેવા નોતરે છે અને અફસર અભિભૂત થઈ જાય છે. આ વ્યવસ્થાથી યુદ્ધ અંત પછીના એક મહિને ૨૬ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ કેન્ટીનનું સમાપન કરવામાં આવે છે.

કેન્ટીન માટે રૂ.૪૭૪૧.૦૧નું ફંડ મળેલું તે પૈકી ખર્ચ કાઢતા બાકી વધેલ રૂ.૨૦૨૪.૭૦ આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવાય છે. આટલા તે પારદર્શક વહીવટદાર હતા.

એ યુવાન સરદારજી આજે ૮૫ વર્ષે પણ યુવાન છે. ગુરૂદ્વારા કમીટીના જનરલ સેક્રેટરી તરીકે ૧૮ કલાક કામ કરે છે! બાબા લખાસિંહ સાહેબના માર્ગદર્શનમાં અનેક કાર્યો કરે છે. જેમાનું એક છે આદિ પંજ પ્યારે ભાઈ મોકીમ સિંઘે સાહેબનું જન્મ સ્થળ ગુરૂદ્વારા બેટ. તાજેતરમાં સરકારે રૂ.પાંચ કરોડ આ સ્થાનના વિકાસ માટે બિનશરત ફાળવેલા છે. બ્રિગેડીયર અજિત સિંઘના એક સુખદ સંભારણારૂપ ''ધ હીલીંગ ટચ'' આર્ટીકલનો અનુવાદ લેફટનન્ટ ડો-સતીષ ચંદ્ર વ્યાસ ''શબ્દ'' દ્વારા ''ધ ગ્રાઈન્ડર''ના ૨૬ જાન્યુ ૨૦૧૯ના વાર્ષિક અંકમાં પેઈઝ નં.૧૦ ઉપર પ્રસિધ્ધ થયેલ છે. આ લેખાયેલ છે.

શ્રી ઉજાગરસિંગના પિતાશ્રી ૧૯૪૨માં અમદાવાદ આવેલ અને તેમણે અનેક મેડલ મેળવેલ ત્યારબાદ આખો પરીવાર ગુજરાતમય બની ગયેલ છે. શ્રી ઉજાગરસિંગનો ત્રણ ભાઈઓનો પરીવાર ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. શ્રી ઉજાગરસિંગ, શ્રી પ્રેમસીંગ અને શ્રી લખવીરસિંગ આ ત્રણે ભાઈઓના પરિવાર વચ્ચે અનેરી કુટુંબ ભાવના નજરે પડે છે. શ્રી ઉજાગરસીંગના ૩ પુત્રો છે. જેમાંના શ્રી મહેન્દ્રસિંગ મુંબઈના ખૂબ મોટા ગજાના બિલ્ડરો માહેના એક છે. સંખ્યાબંધ ૪૦-૫૦ના માળના બિલ્ડીંગો બનાવ્યા છે. તેમના અન્ય બે પુત્રો શ્રી ચરણપ્રીતસિંગ (છોટુભાઈ) અને શ્રી તેજીન્દરસિંગ (પોકુભાઈ, અને શ્રી ઉજાગરસિંગના પૌત્ર તથા શ્રી ચરણપ્રીતસિંગના પુત્ર સની (અમનવીરસિંગ) અત્યારે રાજકોટ - જામનગર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ 'સની-પાજી દા ધાબા'નું સંચાલન સંભાળી રહેલ છે. શ્રી ઉજાગરસિંગ અને તેમના સમગ્ર પરીવારને અકિલા પરીવાર હૃદયની શુભેચ્છા પાઠવે છે.

(1:20 pm IST)