Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ધંધામાં મંદી, વ્યાજની ઉઘરાણી અને એકાદ કરોડના દેણાથી ત્રાસી મુંગાવાવડીના મેહુલ પટેલે ફિનાઇલ પીધું

ઘેરથી નીકળી લોધીકાના થોરડી ગામે પગલુ ભર્યુઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: ગોંડલના મુંગાવાવડી ગામના પટેલ યુવાને ધંધો વિકસાવવા વ્યાજે નાણા લીધા બાદ એકાદ કરોડના દેણામાં આવી જતાં કંટાળી જઇ ઘરેથી નીકળી લોધીકાના થોરડી ગામે જઇ ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મુંગાવાવડીના મેહુલ તળશીભાઇ વોરા (ઉ.૨૮) નામના પટેલ યુવાને ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ થોરડી ગામની સીમમાં રાત્રીના સાડા દસેક વાગ્યે ફિનાઇલ પી લેતાં કોઇ પરિચીતે તેના મોટા ભાઇ સતિષભાઇને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં અને મેહુલને સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો.

મેહુલ ત્રણ ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્ર છે. પત્નિનું નામ પૂજાબેન છે અને તે રાજકોટ માવતર ધરાવે છે. હાલમાં તે દોઢ બે માસથી રાજકોટ રિસામણે છે. મેહુલના ભાઇ સતિષભાઇના કહેવા મુજબ મેહુલને માયાણી ચોકમાં ઇલેકટ્રીક ચીજવસ્તુનો શો રૂમ હતો. આ ધંધાના વિકાસ માટે તેણે જુદા-જુદા અનેક લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેમાં સસરા મગનભાઇ રોકડ પાસેથી પણ અમુક રકમ લીધી હતી. ધંધામાં ખોટ જતાં હાલમાં એકાદ કરોડનું દેણું થઇ જતાં  તેણે લેણદારોથી ત્રાસી ત્રણેક મહિનાથી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી લેણદારોએ તેને (સતિષભાઇને) ફોન કરવાનું ચાલુ કર્યુ હતું. દેણા અને વ્યાજની ઉઘરાણીથી ત્રાસીને મેહુલે આ પગલુ ભર્યુ છે. વ્યાજખોરી બાબતે અગાઉ તેણે અરજી પણ કરી હતી.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)