Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દોઢ વર્ષ પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી લાભ ન મળતા રાજકોટમાં શિક્ષકોઅે કાળી પટ્ટી ધારણ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

રાજકોટઃ દોઢ વર્ષ પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી હતી પરંતુ શિક્ષણ સહાયકોને પગાર વધારાનો હજુ સુધી લાભ ન મળતા શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને તેમનો રોષ પણ સામે આવે તે રીતે ગાંધીગીરી કરીને શિક્ષણ સહાયકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

રાજકોટ શહેરની 40 જેટલી શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો પગાર વધારા પ્રશ્ને વિરોધ નોંધવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012થી ફિક્સ પગારનાં કર્મચારીઓનો કેસ ચાલી રહ્યો હતો. સરકારે ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધારવા માટેનો ઠરાવ પણ કર્યો હતો.

જે મુજબ માધ્યમિક શિક્ષકોનો પગાર રૂ.16000થી વધીને રૂ.31000 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો રૂ.17000થી વધારીને રૂ. 38090 કર્યો હતો. પરંતુ શિક્ષકોને પગાર વધારો ન મળતાં 18થી 23 જૂન સુધી તમામ શિક્ષક સહાયકો કાળી પટ્ટી બાંધીને વિદ્યાર્થીઓને ભણાવશે. મહત્વનું છે કે 24 જૂને બપોરે 12થી 2 વાગ્યા સુધી રાજ્યના તમામ શિક્ષણ સહાયકો ગાંધીનગરસત્યાગ્રહ છાવણીખાતે રામધૂન બોલાવશે.

(5:21 pm IST)