Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રોજગારીની વિપુલ તક આપતુ આઇટીઆઇ કૌશલ્ય નિર્માણ સાથે કારકીર્દીનું ઘડતર

રાજકોટ જિલ્લાની ૧૪ સરકારી આઇ.ટી.આઇ.માં રર જુન સુધી પ્રવેશ કાર્ય અનેક કોર્ષમાં નામાંકીત કંપનીઓ દ્વારા અપાતુ સ્ટાઇપેન્ડ

રાજકોટ : આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલ શ્રી રાજેશભાઇ ત્રિવેદી, શ્રી બોચીયા સાહેબ, આર.સી. વીઠલાણી, અને કે.બી. વ્યાસ અને આર.ડી. જાડેજા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૧ : રાજકોટ જીલ્લામાં દરેક તાલુકા કક્ષાએ સંસ્થાઓમાં કુલ ૧૪ સરકારી આઇ.ટી.આઇ. આવેલી છે. જેમાં મહિલા, એસ.સી., એસ.ટી., અને વિકલાંગોને વિનામૂલ્યે અને અન્ય ને માત્ર માસિક રૂ. ૧૦૦ની મામુલી ફી સાથે અભ્યાસ કરવાની તક આપવામાં આવેલ છે.

આઇ.ટી.આઇ. ખાતે પ્રેકિટકલ તાલીમનું રો-મટીરીયલ સંસ્થા દ્વારા આપવામાં આવ છે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાય છે. જેમાં ૧૦૦% પ્લેમેન્ટ થાય છે. જેમાં માસિક રૂ. ૮૦૦૦/-થી ૧પ૦૦૦/- સુધી વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. સંસ્થા ખાતે સીએનસી, વીએમસી પ્રોગામીંગ, મિકેનીકલ, ઓટો, કેમીકલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનિકસ વગેરેની અદ્યતન લેબ આવેલી છે.

વિવિધ ઔદ્યોગિક એકમોમાં આઇ.ટી.આઇ. બાદ એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવે છે. જેમાં બેન્કીંગ ક્ષેત્રે, એસ.ટી., રેલ્વે, જી.ઇ.બી., ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, જયોતિ સી.એન.સી., કોલગેટ પામોલીવ, હીરો મોટો કોર્પ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી વગેરે એકમોમાં નોકરીની તકો રહેલી છે. જેમાં મીનીમમ વેજના (સરકારના નિયમો અનુસાર) ૭૦% થી ૯૦%ની રકમ સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે. દરેક આઇ.ટી.આઇ.માં હાલ પ્રવેશ પ્રક્રિયા તા. રર/૦૬/ર૦૧૮ સુધી ચાલુ છે. સરકારશ્રી દ્વારા કોમ્પ્યુટર ગ્રુપના ટ્રેડમાં ટેબ્લેટ સહાય આપવામાં આવે છે. મહિલા તાલીમાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવે છે. રાજકોટ આઇ.ટી.આઇ. ખાતે હોસ્ટેલ સુવિધા પણ આપવામાં આવેલ છે.

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ઓછી આવક ધરાવતા કુટુંબના તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા તેમજ સમાજ કલ્યાણ દ્વારા સ્ટાઈપેન્ડની સહાય આપવામાં આવે છે. આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને બસ, રેલ્વે, સિટી બસ પાસ સુવિધા આપવામાં આવે છે. ડયુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનીંગમાં મેરીટ ધરાવતા તાલીમાર્થીઓને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમોમાં સ્ટાઈપેન્ડ સાથે ઓન જોબ તાલીમનો લાભ આપવામાં આવે છે. ટૂંક સમયમાં લોધિકા, કોટડાસાંગાણી, જેતપુર (વીરપુર) અને જામકંડોરણા સંસ્થાઓ અદ્યતન સુવિધાવાળા બિલ્ડીંગમાં શીફટ થશે. રાજકોટ આઈ.ટી.આઈ. સાથે એમ.ઓ.યુ. દ્વારા મારૂતિ સુઝુકી અને સેમસંગ ઈલેટ્રેનિકસ દ્વારા અદ્યતન ઓટોમોબાઈલ અને ઈલેકટ્રોનિકસ લેબ ઉભી થનાર છે. મહિલા આઈ.ટી.આઈ.માં સેનેટરી પેડ વેન્ડીંગ અને ડીસ્ટ્રોયર મશીન પણ ઉપલબ્ધ છે.

રાજકોટ જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ.માં રાજકોટ આઈ.ટી.આઈ., મોરબી રોડ રાજકોટ, મહિલા આઈ.ટી.આઈ. રાજકોટ, ડિસેબલ આઈ.ટી.આઈ. રાજકોટ, પડધરી, લોધિકા (મેટોડા), કોટડા-સાંગાણી, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, વિંછીયા, જામકંડોરણા, આઈ.ટી.આઈ.માં થતી અન્ય પ્રવૃતિઓમાં બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમીયા ટેસ્ટ અને કાઉન્સેલીંગ, વૃક્ષારોપણ, વકતૃત્વ સ્પર્ધા, સ્કીલ ડે વિકની ઉજવણી, મહિલા આઈ.ટી.આઈ.માં ગ્લાસ પેઈન્ટીંગ, મહિલા આઈ.ટી.આઈ.માં વોલ પેઈન્ટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.(૮.૧૮)

 

(4:16 pm IST)