Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લોધિકા તાલુકાના પાયાના પ્રશ્નોને પ્રાધાન્ય, દર મહિને સંકલન મીટીંગ : અનિરૂધ્ધસિંહ - ભાવનાબેન

તાલુકા પંચાયતના નવા પ્રમુખ - ઉપપ્રમુખનું વચન : જિલ્લા ભાજપ આગેવાનોએ હરાવવા પ્રયાસ કર્યાનો વસવસો

રાજકોટ તા. ૨૧ : લોધીકા તાલુકા પંચાયતની ચુંટણીમાં ટાઇ થયા બાદ ચીઠ્ઠી નાખીને વિજેતા જાહેર કરતા ભાજપના અનિરૂધ્ધસિંહ ડાભી પ્રમુખ તરીકે અને ભાવનાબેન મુકેશભાઇ કમાણી ઉપપ્રમુખ તરીકે નિયુકત થયા છે.

અકિલા સાથેની મુલાકાત દરમિયાન આ ઉમેદવારોએ જણાવેલ કે આગામી દિવસોમાં લોકોના પાયાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા અમારો પ્રથમ પ્રયાસ રહેશે. ખાસ કરીને રાશન કાર્ડ, મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ જેવા કામોમાં લોકોને ધકકા ન થાય તે માટે સ્થાનિક લેવલે સધ્ધર વ્યવસ્થા ગોઠવવાનું અમારૂ આયોજન છે.

આ માટે સરપંચ, તલાટી અને અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીશુ. દર માસે તેમની સાથે મીટીંગ કરી લોકોના કામો ઝડપથી ઉકેલાય તે માટે કટીબધ્ધ રહીશુ તેવી તત્પરતા અનિરૂધ્ધસિંહ ડાભી અને ભાવનાબેન કમાણીએ દર્શાવી છે.

આ તકે રા.લો.સંઘના ડીરેકટર મુકેશભાઇ તોગડીયાએ આખી ચુંટણીના સંઘર્ષમય દાસ્તા વર્ણવતા જણાવેલ કે લોધીકા તા.પં. માં ૬ ભાજપના અને ૧૦ કોંગ્રેસના ઉમદવાર હતા. તેમાંથી કોંગ્રેસના ૬ ઉમેદવાર ભાજપમાં આવતા ભાજપના ૧૦ થયેલ. પરંતુ અનિરૂધ્ધસિંહ ડાભી અને ભાવનાબેનને આ વાત માન્ય ન રહેતા તેઓ અલગ પડી જતા ભાજપની એ પેનલમાં ૮ ઉમેદવારો રહ્યા હતા.

સામે ભાજપના જ અનિરૂધ્ધસિંહ અને ભાવનાબેને કોંગ્રેસના ૬ નવા સભ્યોનો ટેકો મેળવતા તેમની પેનલમાં પણ ૮ સભ્યો થઇ જતા ટાઇ થઇ હતી. ચીઠ્ઠી નાખીને ઉમેદવાર જાહર કરાતા કુદરતનો પણ સાથ મળ્યો હોય તેમ અનિરૂધ્ધસિંહ ડાભી પ્રમુખ તરીકે અને ભાવનાબેન કમાણી ઉપપ્રમુખ તરીકે નિયુકિત પામ્યા હતા.

 આ સંઘર્ષમાં જિલ્લા ભાજપ અગ્રણી પરસોતમ સાવલીયગા અને ડી. કે. સખીયા જેવા ધુરંધર આગેવાનોએ સામેની પેનલને ટેકો આપી તેમને જીતાડવા ખુબ મહેનત કરી હતી. પરંતુ અમારી ફકત સામાન્ય કાર્યકરો સાથેની પેનલે છેલ્લે સુધી ટકકર લઇ જીત હાંસલ કરતા તેમના હથીયારો હેઠા પડી ગયા હતા. તેમ મુકેશભાઇ તોગડીયાએ જણાવેલ.

જો કે ખટરાગ ભુલીને છેલ્લે વિજેતા ઉમેદવારોએ જિલ્લા ભાજપ અગ્રણીઓને મળવા જતા જિલ્લાના આગેવાનોએ પણ ખુશી વ્યકત કરી શુભેચ્છા પાઠવી સંૅકલનમાં રહી સૌ સાથે મળી વિકાસ કામો આગળ વધાવીશુ તેવી લાગણી વ્યકત કરી હતી.

તસ્વીરમાં લોધિકા તાલુકા પંચાયતના નવનિયુકત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી (મો.૯૭૨૫૦ ૫૨૫૭૫) અને બાજુમાં મુકેશભાઇ કમાણી તથા રા.લો.સંઘના ડીરેકટર મુકેશભાઇ તોગડીયા (મો.૯૯૭૮૪ ૯૯૯૯૯) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:02 pm IST)