Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પડધરીના તરઘડીમાં ખેડુતોના ઉભા પાકમાં માલધારીઓ ઢોર છુટા મુકી દે છે : ખેડુતોની રૂરલ એસપીને રજુઆત

તસ્વીરમાં તરઘડીના ખેડુતો એસપી કચેરીએ રજુઆત કરતા નજરે પડેે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૧: પડધરીના તરઘડી ગામના ૧પ૦ થી વધુ ખેડુતોએ રૂરલ એસપીને આવેદન પત્ર પાઠવી તરઘડી ગામમાં માથાભારે માલધારીઓ ખેડુતોના ઉભા પાકમાં ઢોર છુટા મુકી ચરાવી દેતા હોવાની રજુઆત કરેલ છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ તરઘડી ગામમાં નેસડાવાળી તરીકે ઓળખાતી ખેડુતોની જમીનમાં છેલ્લા એક અઠવાડીયાથી ગામના માથાભારે માલધારીઓ લાખા હીરા બાંભવા, મસરૂ હીરા બાંભવા તથા નાગજી હીરા બાંભવા પોતાના ઢોર છુટા મુકી દે છે. અમો ખેડુતોએ ચોમાસા પુર્વે ઓરવીને મગફળી વાવી હોય અને આ મગફળીના ઉભા પાકમાં ઉકત માલધારીઓ ઢોર છુટા મુકી ચરાવી દે છે. આ અંગે અમે રજુઆત કરીએ છીએ તો  મારી નાખવાની ધમકીઓ આપે છે.

અમો ખેડુતો ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ અને માલધારીઓના ભેલાણને કારણે ચોમાસુ પણ નિષ્ફળ જાય તો ખેડુતોની કફોડી સ્થિતિ થાય તેવી સ્થિતિ છે.  ભેલાણ પ્રશ્ને વારંવાર રજુઆત કરવા છતાં માલધારીઓ જાણી જોઇને ઉભા પાકમાં ઢોર છુટા મુકી દયે છે. આ રીતે યેન-કેન પ્રકારે જમીન પડાવવાનું પણ કાવત્રુ હોય તેવી શંકા છે. આ અંગે તપાસ કરીને માથાભારે માલધારીઓ સામે કડક પગલા ભરવા ખેડુતએ અંતમાં માંગણી કરી છે.

(3:45 pm IST)