Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટમાં રવિ-સોમવારે વાદળો ઘેરાશે,આવતા મંગળ-બુધવારે વરસાદ ખાબકશે

આ હવામાન ખાતાની આગાહી છે, સાચુ ભગવાન જાણે !

રાજકોટ, તા. ર૧ :.  સમગ્ર ગુજરાતવાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે મેઘસવારી હવે ઢુકડી આવવાની આશા જાગી છે. હવામાન ખાતાએ આવતા અઠવાડીએ વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યા મુજબ તા. રર અને ર૩ જુન ૪૦ ડીગ્રી આસપાસ તાપમાન રહેશે. તા. ર૪ અને રપમીએ એટલા જ તાપમાન સાથે હળવો વરસાદ થઇ શકે છે. તા. ર૬ અને ર૭ મીએ ૪૦ ડીગ્રીની અંદર તાપમાન સાથે સારો વરસાદ પડવાના સંજોગો છે.

હવામાનના અભ્યાસુઓનું કથન એવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રના સમયમાં ફેરફાર થયો હોવાથી ઉનાળો જુન મહિના સુધી રહે છે અને વાવણી લાયક વરસાદ જુન અંતમાં થાય છે તે દૃષ્ટિએ જોતા આ વર્ષે ચોમાસુ મોડુ નથી પણ સમય હવે પાકતો આવે છે જુલાઇ પ્રારંભ સુધીમાં સર્વત્ર વાવણી લાયક મુશળધાર વરસાદ થઇ જવાની આશા છે. (૨-૧૮)

(3:42 pm IST)