Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટને રેલવે કન્ટેનર ડેપો ફાઇનલ : હવે ૩૭ કરોડ ભરવા પડશે

પરાપીપળીયામાં સર્વે નં. ૫૬માં લાખો ચો.મી. જમીન ૨૯૭૧ રૂ.ના ચો.મી.ના ભાવે નવા GR મુજબ કલેકટર તંત્ર આપશે : પહેલા ૩૫૦ કરોડથી વધુ ભરવાના થતા'તા : કલેકટર સરકારમાં ૧ થી ૨ દિ'માં નવી દરખાસ્ત મોકલશે બાદમાં સરકારની કમિટિમાં નિર્ણય

રાજકોટ તા. ૨૧ : આખરે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર છે કે, રાજકોટને અદ્યતન રેલવે કન્ટેનર ડેપો મળશે, આ બાબતે ફાઇનલ નિર્ણય રાજ્ય સરકારની કમિટિ જમીન આપવા નિર્ણય લેશે અને ત્યારબાદ રાજકોટ કલેકટર તંત્ર જમીન ફાળવી દેશે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે પરાપીપળીયા સર્વે નં. ૫૬ની ૧ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન ઉપર અદ્યતન રેલવે કન્ટેનર ડેપો બનશે, આ માટે હવે રેલવેને એક ચો.મી.ના ૨૯૭૧ લેખે જમીન અપાશે અને તે જોતા રેલવેને ૩૭ થી ૩૮ કરોડ જેવી રકમ ભરવાની થશે.

પહેલા આ જમીન ૧ મીટરના ૨૮ હજાર લેખે આપવાનું ફાઇનલ થયું હતું, આ માટે આસપાસની જમીનના ભાવો ધ્યાને લેવાયા હતા અને રેલવેને ૩૫૦ કરોડથી વધુની રકમ ભરવાની થતી હતી.

પરંતુ તાજેતરમાં ૨૨-૫-૨૦૧૮ના રોજ મહેસૂલ વિભાગે પ્રિમીયમ વસૂલાત માટે નવો જી.આર.બહાર પાડયો અને તેનો લાભ રાજકોટ રેલવેને પણ મળનાર હોય રેલવેને હવે રૂ. ૨૯૭૧ લેખે જમીન અપાશે, અને રેલવેના ૩૦૦ કરોડથી વધુની રકમ બચી જશે.  હાલ જે ૨૯૭૧નો ભાવ ગણાયો તેમાં ૬ મહિનાની એવરેજ - બે વર્ષના ઉંચા - નીચા ભાવો વિગેરેની સરેરાશ ગણી ફાઇનલ કરાયું છે. રેલવે પણ ૩૭ કરોડથી વધુની રકમ ભરવા તૈયાર થઇ ગયું છે, આગામી દિવસોમાં મીટીંગ મળ્યે અન્ય બાબતો ફાઇનલ કરી લેવાશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:32 pm IST)