Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

શિતલ પાર્ક પાસે સરકારી જમીનમાં ઘુસણખોરીનો પ્રયાસઃ લોકો પ્લોટીંગ પાડે એ પહેલા પોલીસે સમજાવીને અટકાવ્યા

બાજુની સોસાયટીના રહેવાસીઓએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે દરમિયાનગીરી કરી

રાજકોટઃ શહેરમાં અનેક સરકારી જમીનોમાં અગાઉ ઘુસણખોરી થઇ ગયાના કિસ્સા સામે આવી ગયા છે. ત્યાં હવે ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક નજીક આવેલી સરકારી જમીનમાં કેટલાક લોકોએ ઘુસણખોરી કરી પ્લોટીંગ પાડવાની તૈયારી કરતાં મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે આ લોકોને સમજાવીને સરકારી જમીનમાંથી દૂર કર્યા હતાં. અગાઉ ડિમોલીશનમાં કે અન્ય કોઇ રીતે ઘરવિહોણા થયેલા અને ઘરનું ઘર ધરાવતાં રૈયાધાર સહિતના આસપાસના વિસ્તારના ગરીબ લોકોને કોઇએ એવી વાત કરી હતી કે શિતલ પાર્ક નજીક શિવસાગર સોસાયટી પાસેના સરકારી પ્લોટમાં મફતીયુ પરૂ ઉભુ થાય છે અને બધા પોત-પોતાની રીતે જમીન વાળી રહ્યા છે. આવી વહેતી થયેલી વાતને પગલે ગત રાતથી જ લોકોએ આ જમીનમાં પહોંચી જઇ પોતપોતાની રીતે પ્લોટીંગ પાડી જગ્યા વાળવાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ બાજુની શિવસાગર સોસાયટીના રહેવાસીઓને થતાં તેઓ સરકારી જમીનમાં દબાણ કરનારા લોકોને સમજાવવા જતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ કારણે પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરી હેઠળ પીએસઆઇ બી. જે. કડછા મેડમ તથા ડી. સ્ટાફની ટીમ અને બીજા મહિલા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને દબાણ કરનારા લોકોને સમજાવ્યા હતાં. રહેવા માટેની જગ્યા ન હોય તો કલેકટર તંત્ર કે બીજા સંબંધીત તંત્રને રજૂઆત કરી કાયદેસર રીતે માંગણી કરવા માટે પોલીસે લોકોને સમજાવ્યા હતાં. આમ છતાં જે લોકો સરકારી જમીન ખાલી નહિ કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે તેવી સમજ આપતાં પ્લોટીંગ પાડવા આવેલા લોકો જગ્યા ખાલી કરીને જતાં રહ્યાં હતાં. તસ્વીરમાં શિવસાગર સોસાયટીના રહેવાસીઓ અને પ્લોટીંગની તૈયારી કરી રહેલા લોકોને સમજાવતાં પીએસઆઇ કડછા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)