Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ડો. મોઢવાડીયાને ધમકાવનાર એસ્ટેટ બ્રોકર માંડણ મેરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીઃ કલમ ૩૦૭નો ઉમેરો

શિવધારા ફલેટના રહેવાસીઓને ફલેટ ખાલી કરી ભાગી જવા ત્રણ વર્ષથી હેરાનગતિ થતી હોવાની ફરિયાદ પણ થઇ'તી : એ-ડિવીઝનમાં નોંધાયેલા ગુના અંતર્ગત કાર્યવાહીઃ અગાઉ માલવીયાનગર પોલીસે પણ ધરપકડ કરી હતી

માંડણ અરજણભાઇ ગોરાણીયા

રાજકોટ  તા. ૨૧: કાલાવડ રોડ પર શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં અને વિદ્યાનગર મેઇન રોડ પર હોસ્પિટલ ધરાવતાં ડો. જયેશભાઇ દુદાભાઇ મોઢવાડીયા (ઉ.૫૪)ને આ એપાર્ટમેન્ટમાં જ ઉપરના માળે રહેતાં એસ્ટેટ બ્રોકર માંડણ અરજણભાઇ ગોરાણીયાએ તેમની હોસ્પિટલમાં ઘુસી રિવોલ્વર બતાવી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી. બાદમાં આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. આ ગુનામાં કલમ ૩૦૭નો ઉમેરો કરી ફરીથી તેની ધરપકડ કરવામાં આવી છે.

ડો. જયેશ મોઢવાડીયાને તેમની હોસ્પિટલમાં ઘુસી રિવોલ્વર બતાવી ધમકી આપવા સબબ એ-ડિવીઝન પોલીસે આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪, આર્મ્સ એકટની કલમ ૧૭ (ડી) મુજબ ગુનો નોંધ્યો હતો અને તેની અટકાયત કરી રિવોલ્વર કબ્જે કરવા કાર્યવાહી કરી હતી. જે તે વખતે અટકાયતની કાર્યવાહી કરી નોટીસ અપાઇ હતી. આ મામલે તપાસમાં બેદરકારી દાખવવા સબબ પી.આઇ.ની બદલીનો હુકમ પીએસઆઇને સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશ્નરશ્રીએ કર્યો હતો. એ પછી આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી.

ક્રાઇમ બ્રાંચે ઉપરોકત ગુનામાં કલમ ૩૦૭, ૩૮૭, ૪૫૨નો ઉમેરો કરી માંડણ ગોરાણીયાને હાજર થવા નોટીસ પાઠવતાં તે હાજર થતાં આ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પુછતાછમાં તેણે એવું જણાવ્યું હતું કે ફલેટ ધારકો અલગ-અલગ રકમ માંગતા હોઇ તે બાબતે મનદુઃખ થયું હતું. મારા મારફત ફલેટ વેંચાય તો મને પણ કમિશન મળે તેવો ઇરાદો હતો. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા સહિતની ટીમ વધુ તપાસ કરે છે. વિશેષ પુછતાછ માટે રિમાનડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે માંડણ મેર સામે બીજો ગુનો માલવીયાનગર પોલીસ મથકમાં દાખલ થયો હતો. જેમાં તેણે શિવધારાના રહેવાસીઓ પાસેથી બળજબરીથી ફલેટ પડાવી લેવા કોશિષ કર્યાનો અને ૮૦ વર્ષના વૃધ્ધને ઇંટ ફટકારી ઇજા કર્યાનો આરોપ મુકાયો હતો. તેમજ તે ફલેટ ધારકોને સતત ત્રણ વર્ષથી ફલેટ ખાલી કરી ભાગી જવા બાબતે ધમકી આપી રહ્યાનો આરોપ પણ મુકાયો હતો. એ ગુનામાં માલવીયાનગર પોલીસે તેની ધરપકડ જે તે વખતે કરી હતી. માલવીયાનગર પોલીસે આઇપીસી ૩૮૫, ૩૮૬, ૩૨૭, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. એ ફરિયાદ શાળા સંચાલક શ્યામભાઇ માથુરે નોંધાવી હતી.

(1:30 pm IST)