Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

એકવા યોગા : પાણીની અંદર કરાતા યોગા

એકવા યોગા એટલે 'પાણીની અંદર કરાતા યોગ', કે જે સામાન્ય રીતે બહાર જમીન પર થતા યોગ - આસનોની જ એક દત્તક લેવાયેલી પધ્ધતી છે.

 

એકવા યોગા - સ્વીમીંગ પુલ, તળાવ, નદી કે સમુદ્રમાં પાણીની અંદર કરવામાં આવે છે.

જે લોકોની શારીરીક ક્ષમતા બહુ સારી નથી અથવા નાજુક તબિયતવાળા છે તે લોકો એકવા યોગા દ્વારા યોગ કરીને યોગના ફાયદા લઇ શકે છે. તથા જે લોકો શારીરીક નબળાઇ વાળા જેમ કે બહુ વધારે વજન હોય, ઘુંટણના કે સાંધાનો દુઃખાવો હોય, વા હોય તેમજ જે લોકો જમીન પર યોગ કે કોઇ શારીરીક એકસરસાઇઝ કરી શકતા નથી તેના માટે એકવાયોગા વરદાન સ્વરૂપ છે.

એકવાયોગા એ પાણીની બહાર જે યોગા કરીએ છીએ એ જ પ્રિન્સીપલ (સિધ્ધાંત)ને અનુસરે છે. એકવાયોગામાં પણ શ્વાસોશ્વાસની ક્રિયા અને મનની એકાગ્રતા પર પુરૂ ધ્યાન રાખવાનું હોય છે. ફર્ક માત્ર એટલો જ છે કે જે આસન જમીનની ઉપર કરીએ છીએ તે પાણીની અંદર કરવાના હોય છે.

એકવાયોગા સાયન્સના બાયોન્સી પ્રિન્સીપલને કારણે આસાન છે. બોયન્સીને બોયન્ટ ફોર્સ પણ કહેવાય છે. કોઇપણ પદાર્થ ઉપર જયારે તે સંપુર્ણપણે કે ભાગમાં કોઇ પ્રવાહ પડે છે અને તે પ્રવાહનો બળ, તે પદાર્થ પર પડે તેને બોયન્સી ફોર્સ કહે છે.

આ બોયન્સી પ્રીન્સીપલને કારણે પાણીમાં વ્યકિતને તેનું શરીર હળવું લાગે છે અને પોતાના શરીરના વજનનો અનુભવ થતો નથી.

પાણીની બોયન્સીને કારણે શરીરના સાંધા ઉપર જોર ઓછું પડે છે તેના કારણે સ્ટેન્ડીંગ અને બેલેન્સીંગના આસનો આસાનીથી થાય છે અને તેના જ કારણે બહાર જે આસનમાં જમીન પર સ્ટ્રેચીંગ ન આવતું હોય તે પાણીમાં આસાનીથી થાય છે અને મહત્તમ સ્ટ્રેચીંગ દ્વારા આસન કરી શકાય છે.

એકવાયોગના ફાયદા

- એકવા યોગ દ્વારા વ્યકિત પોતાના શરીરનું બેલેન્સ સારી રીતે કરી શકે છે.

- પાણીમાં દર્દનો અહેસાસ ઓછો થવાથી અઘરા આસનો પણ આસાનીથી થાય છે અને જેના કારણે વ્યકિતને પોતાના જૂના અને હઠીલા દર્દમાં રાહત થાય છે.

- પાણીમાં આસન કરવાથી થાકનો અનુભવ ઓછો થાય છે.

- વ્યકિતની કામ કરવાની કાર્યક્ષમતા અને ગતિમાં વધારો થાય છે.

- આખા શરીરને મજબુત બનાવે છે.

- શ્વાસ લાંબા અને લયમય બને છે.

એકવાયોગા માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે પણ લાભદાયી છે. લાંબો સમય પાણીમાં નહાવું કે પાણીમાં પડયા રહેવું એ એક પ્રકારની હીલીંગ પ્રેકટીસ તરીકે પણ જાણીતી છે.

રેગ્યુલર એકવાયોગા કરનાર વ્યકિતનો એવો અભિપ્રાય હોય છે કે તેને જૂના દર્દમાં રાહત મળી છે. તેની શારીરીક કાર્યક્ષમતામાં વધારો થયો છે અને તે જીવનના ગમે તે ઉતાર - ચઢાવમાં મનની એકાગ્રતાને ગુમાવતા નથી.

આજકાલ લોકોની લાઇફ ખૂબ જ ભાગદોડવાળી અને તનાવગ્રસ્ત થઇ ગઇ છે. કલાકો સુધી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલમાં કામ કરવાથી અને પુરતી નીંદર ન થવાથી, રાત ઉજાગરાને કારણે આંખોની આજુબાજુ કાળા ધબ્બા - ડાર્ક સર્કલસ થઇ જાય છે. ચહેરો નિસ્તેજ અને મુરજાયેલો લાગે છે.

ચહેરો આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. જે કોઇ વ્યકિત આપણને મળે એની દ્રષ્ટિ સૌપ્રથમ આપણા ચહેરા પર જ પડે છે. અને First Impression is Last Impression  માટે દરેક વ્યકિત હંમેશા તેના ચહેરાની ખુબસુરતી ટકાવી રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે. તેના માટે સલુનમાં બ્યુટી પ્રોડકટસમાં કે કોઇપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટમાં પૈસા વાપરે છે અને પોતાના ચહેરાની ખુબસુરતી જાળવવાનો પુરતો પ્રયાસ કરે છે.

આપણા ચહેરા પર બાવન જાતના અલગ અલગ મસલ્સ હોય છે. ઉંમરની સાથે સાથે અને સામાજીક જવાબદારીઓએ આપણને આ મસલ્સનો ઉપયોગ કરવાનું બંધ કરાવી દીધુ છે. નાના બાળકની માફક નથી તો મોં બગાડી શકતા, નથી પુરતું રડી શકતા કે નથી ખળખળાટ હસી શકતા, ચહેરો પુરા દિવસ કામના ટેન્શનને લઇને કે આપણા સ્વભાવને કારણે સ્ટ્રેસમાં રહે છે. ખેંચાયેલ રહે છે. આપણા ચહેરાના દરેક મસલ્સનો રેગ્યુલર ઉપયોગ ન થવાને કારણે ત્યાં ચરબી જમા થાય છે. ચહેરા પર કરચલીઓ પડવા માંડે છે.

વધતી ઉંમરએ એક સામાન્ય પ્રક્રિયા છે તેને રોકી શકાતી નથી. પરંતુ જો તેના વિશે થોડી કાળજી લઇએ. થોડા યોગ, પ્રાણાયામ, આસનનો અભ્યાસ કરીએ અને થોડી ખાનપાનમાં જાળવણી રાખીએ તો ચોકકસ તેને થોડી પાછી તો ઠેલવી જ શકાય છે.

અહી યોગનો જ એક ભાગ ફેઇસ યોગા વિશે થોડું જાણીએ.

ફેઇલ યોગા શું છે ?

ફેઇલ યોગાએ ચહેરાની એવી કસરત છે કે જેમાં શ્વાસોશ્વાસની ક્રિયાની સાથે એકયુપ્રેસરનો તેમજ યોગની પુરક ક્રિયાઓનો અભ્યાસ થાય છે.

શુ ફેઇસ યોગા ખરેખર કામ કરે છે ?

નોર્થ વેસ્ટન યુનિ. સ્કુલ ઓફ મેડીસીન અમેરિકા દ્વારા ૨૦૧૮માં કરવામાં આવેલ સર્વે સ્ટડી મુજબ દરરોજ મધ્યમવયની સ્ત્રી જો ૩૦ મીનીટ સુધી ફેઇલ યોગા કરે તો અંદાજે ૨૦ અઠવાડીયા બાદ તેના દેખાવમાં ઘણું જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને તેના અપર - લોવર ચીકનો સારો આકાર આવે છે.

આનો સિધ્ધાંત એ છે કે ચામડીની અંદરના સ્નાયુનુ ઘડતર કરવામાં આવે તો, ચહેરો ભરાવદાર લાગે છે. ચહેરાની ચરબી ઓગળે છે.

ફેઇલ યોગા વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે. ચહેરા પરના અને મન પરના તનાવને દૂર કરે છે. ફેઇસ યોગા, ગાલ, આંખ, કપાળ, દાઢી, ગળા પરની ઉંમરની સાથે આવતી કરચલીઓ દૂર કરે છે. વધતી જતી ઉંમરને કારણે ચહેરા પર થતા નિશાનને ઓછા કરે છે. ચહેરા પર બ્લડ સરકયુલેશનને તેજ કરે છે.

ફેઇસ યોગાના અલગ અલગ પોઝ હોય છે. જેમ કે બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, હનુમાન પોઝ, બુધ્ધા પોઝ, આ સિવાય આંખની, કપાળની, ગળાની અને ચહેરાની જૂદી જૂદી ૩૨ પ્રકારની કસરતો ફેઇસ યોગામાં આવે છે. આ બધા જ પોઝ બ્રિધીંગની સાથે સાથે થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કરવામાં આવે તો જ આ યોગનો તેનો પુરતો ફાયદો આપે છે.

એક સુંદર, આકર્ષક અને પ્રસન્ન ચહેરો દરેકને ગમે છે. કેમ કે ચહેરો વ્યકિતની ઓળખ છે.

ફેઇસ યોગના નિયમીત અભ્યાસથી ચહેરા પર બ્લડ સરકયુલેશન સારૂ થાય છે. આ કારણે ખીલ, કાળા ધબ્બા, ડાર્ક સર્કલ, ચહેરા પર ચરબી જમા થવી, ઉંમર પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવી, ડબલ ચીન જેવી સમસ્યા દૂર થાય છે. જડબાના હાડકા મજબુત બને છે. ચહેરાની માંસપેશીમાં કસાવ આવે છે.

આ યૌગીક એકસરસાઇઝ એકદમ સરળ અને સામાન્ય છે. કોઇપણ વ્યકિત દિવસમાં કયારેય પણ કરી શકે છે. પોતાનું કામ કરતા કરતા પણ આ ક્રિયાઓ થઇ શકે છે.

આ સાથે થોડુ મેડીટેશન, પ્રાણાયામમાં કપાલભાતી, અનુલોમ - વિલોમ તથા ભ્રામરી પ્રાણાયામ પણ એજીંગ પ્રોસેસને ધીમી કરે છે. પ્રાણાયામ અને મેડીટેશનથી મન પ્રસન્ન રહે છે અને જો મન પ્રસન્ન હશે અને ચહેરા પર થોડુ સ્માઇલ હશે તો એ ચહેરો મોહક બનશે.

અલ્પા વિકાસ શેઠ (યોગ નિષ્ણાંત) મો. ૯૪૨૮૪ ૬૩૫૦૫

 

(12:03 pm IST)