Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દારૂબંધી વાળા ગુજરાતમાં મૃત વ્યકિત પણ દારૂ પીવે છે!

રાજકોટનો કિસ્સો : મૃતકના નામે લીકર પરમીટ : તપાસ

અમદાવાદ તા. ૨૧ : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ જાણીને નવાઈ લાગશે કે રાજયમાં ઘણા મૃત લોકો દારૂ પી રહ્યા છે! વાત એમ છે કે, રાજયના ગૃહ મંત્રાલયે નશાબંધી ખાતાના અધિકારીઓને મૃત લોકોના નામે ઇશ્યુ કરાયેલી હેલ્થ લિકર પરમિટની ચકાસણી કરવા કહ્યું છે.

એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, હેલ્થ પરમિટ માટેના પર્સનલ વેરિફિકેશનની લાંબી પ્રક્રિયાને રાજય સરકાર દ્વારા માર્ચ, ૨૦૧૭માં રદ કરી દેવાઈ હતી. જોકે હવે તે ફરીથી શરૂ કરવામાં આવી છે, જેનું કારણ રાજકોટનો એક કેસ છે. રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો, જે મુજબ સિકંદર મામરી નામની એક વ્યકિતને ૨૦૧૬માં લિકર પરમિટ આપવામાં આવી હતી, જેનું માર્ચ ૨૦૧૭માં મૃત્યુ થઈ ગયું હતું. આ કેસ નોંધાયા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્દેશ આપ્યો છે.

અધિકારીના જણાવ્યાનુસાર, આ ભૂતિયા લીકર પરમિટ કથિત રીતે પ્રોહિબિશન એન્ડ એકસર્સાઇઝના સુપરિન્ટેન્ડેન્ટ આર. બી. ભટ્ટની જાણ હેઠળ ઇશ્યૂ કરાઈ હતી, જેમની હજી સુધી ધરપકડ થઈ નથી. આ સિવાય રાજકોટની મામલતદાર કચેરીના અધિકારી એમ. જી. પટેલ (એમડી)એ કથિત રીતે અરજદારને આવક પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યાં હતાં, જયારે ગોંડલ હોસ્પિટલના ડોકટર ભાણજી બગડાએ લિકર પરમિટ માટેની ભલામણ કરી હતી. આ મામલે બગડાને આગોતરા જામીન મળી ગયા હતા, જયારે ધરપકડ કરાયેલો અન્ય આરોપી હાલ જામીન પર મુકત છે.

પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓ સામે IPCની કલમ ૪૫૬ (સરકારી ઓફિસના રેકોર્ડ સાથે છેડછાડ), ૪૬૮, ૪૭૧, ૧૧૪ હેઠળ બનાવટી દસ્તાવેજો બનાવવા અને મૃત વ્યકિતના નામે હેલ્થ લિકર પરમિટ પ્રાપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એક તપાસ અધિકારીએ કહ્યું છે કે, 'એક મૃત વ્યકિતના નામે હેલ્થ લિકર પરમિટ લેવામાં આવી હતી, પણ તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ૨૦૧૧માં આ પરમિટ આપવામાં આવ્યા બાદ ૨૦૧૫ સુધી તેને ચાર વાર રિન્યુ કરાવવામાં આવી હતી.'

નશાબંધી ખાતાનાં સૂત્રોના જણાવ્યાનુસાર, રાજયના ગૃહ મંત્રાલયે ૭૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની હેલ્થ લીકર પરમિટ વેરિફાય કરવાનો આદેશ આપ્યો છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, 'રાજકોટનો કેસ જોતા લાગે છે કે, આવી ઘણી બનાવટી પરમિટ્સ હોઈ શકે છે. અમે કેટલાક લીકર પરમિટ હોલ્ડર પાસેથી વિગતોની ચકાસણી કરી રહ્યા છીએ.' (૨૧.૫)

(10:49 am IST)