Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

‘તારા બાપને કહેજે જીયાણામાં સોનાની વસ્‍તુ કરાવી આપે' કહી સોનલબેનને સાસરીયાનો ત્રાસ

ખોડીયારનગરના પતિ રાજેશ આગરીયા તથા સાસુ માસુબેન આગરીયા સામે ગુનો

રાજકોટ,તા. ૨૧ : ભગવતીપરા મેઇન રોડ પર માવતરના ઘરે રહેતી પરિણીતાને આજીવસાહતમાં ખોડીયારનગરમાં રહેતા પતિ અને સાસુ કરીયાવર બાબતે તેમજ માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર માવતરના ઘરે રહેતા સોનલબેન રાજેશભાઇ આગરીયા (ઉવ.૨૭) એ મહિલા પોલીસ મથકમાં આજીવસાહતમાં ખોડીયારનગર શેરી નં. ૧૨માં રહેતો પતિ રાજેશ પ્રભાતભાઇ આગરીયા તથા સાસુ માસુબેન પ્રભાતભાઇ આગરીયા સામે ફરિયાદ નોંધાવી છે. સોનલબેને ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે માવતરના ઘરે છેલ્લા દસેક મહિનાથી રહે છે. અને ઘરકામ કરી પોતાનું તથા સાત વર્ષના પુત્ર આયુષનું પાલન પોષણ કરે છે. પોતાના દસ વર્ષ પહેલા રાજેશ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખ્‍યા બાદ પતિ કંઇ કામ ધંધો કરતો ન હોય, અને તેને કામ કરવાનું કહેતા તે ઝઘડો કરતો હતો.  પતિને દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ પડી જતા તે દારૂ પીવા અને જુગાર રમવા માટે પોતાના માવતરેથી પૈસા લાવવા માટે દબાણ કરતો હતો. અને પોતે ના પાડે તો તેની સાથે ઝઘડો કરી માર મારતો હતો. આ બાબતે પોતે સાસુને વાત કરતા તેણે પુત્રને સમજાવવાને બદલે તેનો સાથ આપ્‍યો હતો. બાદ પોતે પુત્રને જન્‍મ આપ્‍યા બાદ સાસુએ કહ્યુ હતું કે‘ તારા બાપને કહેજે જીયાણામાં સોનાની વસ્‍તુ કરાવી આપે તેમજ સાસુ ઘરકામ જેવી નાની-નાની વાતોમાં મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. પોતે ટયુશન ચલાવી પૈસા કમાતી હોય, તે પૈસા પણ પતિ ચોરી જઇ આખી રાત જુગાર રમતો અને અન્‍યસ્ત્રી સાથે સંબંધ રાખી તેની સાથે ફોનમાં વાતો કરતો તેણે કોઇ દિવસ પોતાની કે પુત્રની સારસંભાળ લીધી નથી પુત્ર બીમાર હોય તો પણ દવા લેવા સાથે આવતો ન હતો આથી કંટાળી પોતે માવતરે જતા રહ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હેડ કોન્‍સ. પી.એન.પરમારે તપાસ હાથ ધરી હતી.

 

(3:28 pm IST)