Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રાજકોટની પૂર્વ મામલતદાર કચેરીએ ૭૦થી વધુ વિધવા મહિલાઓ ઉમટી પડી : ૮ મહિનાથી સહાય નથી મળી

ધોમધખતા તાપમાં હેરાન - પરેશાન : મામલતદારને રજૂઆત : કલેકટરને પણ ફરિયાદ

પૂર્વ મામલતદાર કચેરીએ ૬૦ થી ૭૦ વિધવા મહિલાઓ ઉમટી પડી... : રાજકોટ : શહેરના પૂર્વ વિસ્તારની વિધવા મહિનાઓને ૭ થી ૮ મહિલાથી વિધવા સહાય હજુ બેંકમાં જમા નહિ થતા આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે ૬૦ થી ૭૦ વિધવા મહિલાઓ મામલતદાર સમક્ષ રજુઆતો અર્થે ઉમટી પડી હતી, આ મહિલાઓએ જણાવેલ કે અમારી સહાય પોસ્ટ ખાતા દ્વારા જમા થઇ નથી, મામલતદાર તંત્ર જવાબ દેતુ નથી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : શહેરમાં ચાલી રહેલ લોકડાઉન તથા કોરોના જેવી ભયાનક બિમારીમાં સરકારી સહાય મેળવતી રાજકોટના પૂર્વ વિસ્તારની ૬૦ થી ૭૦થી વધુ વિધવા મહિલાઓ આજે ધોમધખતા તાપમાં પૂર્વ મામલતદાર કચેરીએ ઉમટી પડી હતી. આ લોકોને પૂછતા તમામ મહિલાઓએ એવો જવાબ આપ્યો કે ૭ થી ૮ મહિનાથી અમારા બેંક ખાતામાં રૂ. ૧૧૦૦ જેવી રકમ જમા થઇ નથી, અમુક મહિલાઓને ૩-૩ મહિનાથી સહાય મંજૂર થવા છતાં કોઇ પત્ર નથી આવ્યો કે નથી મામલતદાર કચેરીએ ફોન કરીને બોલાવ્યા.

તમામ મહિલાઓ હેરાન - પરેશાન થઇ ગઇ હતી, સવારે ૧૧.૧૫ કલાકે કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા, આ પછી મામલતદારને રજૂઆતો કરાઇ હતી, કલેકટર સુધી પણ ફરીયાદો પહોંચાડાઇ છે, કયાં કારણોસર વિધવા સહાય જમા નથી થઇ તેની કોઇ સ્પષ્ટતા તંત્ર કે પોસ્ટલ વિભાગ દ્વારા થતી ન હોય, આ લાચાર વિધવા મહિલાઓ દરરોજ હેરાન - પરેશાન થઇ રહી છે, આ બાબતે પોસ્ટલ વિભાગને પૂછતા અધિકારીઓ દ્વારા જેમનું મંજૂર થયું છે તેમના નાણા જમા થતા હોવાની વિગતો આપી હતી, પૂર્વ મામલતદાર કચેરીએ ૬૦ થી ૭૦ વિધવાઓને કોઇ માર્ગદર્શન આપવાવાળુ સવારે ૧૧.૧૫ સુધી ન હોય દેકારો મચી ગયો હતો.

(3:06 pm IST)