Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અડધો રમઝાન માસ પસારઃ સતત આકરા તાપમાં રોઝાદારોની તપસ્યા

કાળઝાળ ગરમી યથાવતઃ કોઇ રાહત ન મળીઃ હજુ પણ તાપ સહન કરવાનો વારો રહે તેવી સંભાવના : જાહેર ચોકમાં મૂકાયેલા જનતા તાવડા ઉપર રાહત ભાવે ફરસાણનો હિન્દુ-મુસ્લિમોને લાભ : મોડી રાત સુધી મસ્જીદો ખૂલ્લીઃ તરાવીહની નમાઝ પઢવા માટે પણ ઉમટી રહેલા મુસ્લિમ બિરાદરો : સાંજ પડતા જ 'ઇફતાર'ની સામગ્રી ખરીદીના લીધે મુસ્લિમ વિસ્તારોમાં ફરસાણ, સરબત, બરફ વિતરણનો ધમધમાટ : રોઝાદારોને ગરમીમાં કોઇ રાહત નહીઃ ના અકિલાના પૂર્વ અહેવાલ સત્ય ઠર્યા...હજુ તાપ...ઉકળાટ યથાવત

રાજકોટ તા. ર૧ : ગત તા. ૭-પ-૧૯ મંગળવારથી પવિત્ર રમઝાન માસ શરૂ થયા બાદ આજે ૧પમો રોઝા સંપન્ન થતા અડધો રમઝાન માસ પસાર થઇ ગયો છે. જો કે એટલું જ નહીં. વર્તારા મુજબ ગરમી યથાવત રહેતા પવનની રાહત વિના રોઝા રાખનારા અસહ્ય તાપ સહન કરીને પણ આ કરી તપસ્યા કરી રહ્યા છે.

હાલમાં સૌરાષ્ટ્રભરમાં ૩પ ડીગ્રી આસપાસ કે તેથી વધુ ડીગ્રી તાપમાન ચાલી રહયું છે જેમાં પણ સુરેન્દ્રનગર, રાજકોટ જીલ્લા અને રણ વિસ્તારમાં ૪૦ ડીગ્રી જેવું તાપમાન રહેતું હોય, આકાશમાંથી અગ્નિવર્ષા સતત વરસતી રહેતા અને પશુ-પંખીઓ પણ ભારે ગરમીમાં ટળવળી રહ્યા હોઇ આ સંજોગોમાં પણ ૧પ કલાક રોઝા રાખનારા લોકો પણ ભારે તાપ સહન કરી રહ્યા છે.

આ વખતે ૧૧ દી' વહેલો રમઝાન માસ શરૂ થયો છે ગયા વર્ષે ૧૮-પ-૧૮ ના પહેલો રોઝો હતો આમ ગયા વખતની જેમ આ વખતે પણ કાળઝાળ ગરમી યથાવત રહેવા પામશે એટલું જ નહીં.

શરૂઆતથી જ તાપમાન ઉંચુ રહેનાર હોઇ ર૦ રોઝા સુધી આકરી તપસ્યા પસાર કરવાની રહેશે અને તે પછી રમઝાન માસના અંતિમ ૧૦ દિવસમાં થોડી રાહત ગરમીમાં મળી રહે તેવા નિર્દેશો છે.

ટુંકમાં રમઝાન માસનો પ્રારંભ થતા જ મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકો બંદગીમય બની ગયા છે અને આધ્યાત્મિકતામાં ગરકાવ થઇ ગયા છે. રમઝાન માસમાં દરરોજ સાંજે વેપાર રહેતો હોઇ મુસ્લિમ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ - દુકાનો ધમધમી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી - પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા 'ફરજીયાત' છે. આ રોઝા એક 'ઉપવાસ' જ છે જેમાં પરોઢીયે થી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો  ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી.

પૂર્વ નિર્દેશ મુજબ રમઝાન માસના ર૯ રોઝા થશે અને તા.૪-૬-૧૯ને મંગળવારના સાંજે ચંદ્રદર્શન થયા બાદ તા.પ-૬-૧૯ને બુધવારે 'ઇદુલફિત્ર' મનાવવામાં આવશે.

આ રમઝાન માસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત 'સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે 'ઇફતારી'ના પણ અનેક સદગૃહસ્થો અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો દરરોજ માટે યોજાઇ રહ્યા છે.

ખાસ કરીને રમઝાન માસમાં સાંજ પડતા જ રોઝેદારો તમામ મસ્જીદોમાં એકત્ર થઇ સમુહમાં ઇફતાર કરતા હોઇ એટલે રોઝા છોડશે. જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા ઉપલબ્ધ કરાઇ રહ્યા છે.

આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહીનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચેપણ મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

જો કે આ વખતે રોઝાના સમયગાળાની માત્રા ઘટી છે. રોઝાનું સમયપત્રક જોતા ગત વર્ષે શરૂઆતમાં રોઝાનો સમય લાંબો હતો પરંતુ આ વખતે તેનાથી ઓછુ સમયપત્રક ચાલશે જેથી પ્રારંભમાં ૧૪ કલાક ર૩ મીનીટનો રોઝો રહેશે. જે વધીને ૧૪ કલાક પ૧ મીનીટનો રોઝો થઇ જશે.

જો કે ર૮ મીનીટની વધઘટ આખા માસમાં રહેશે એકંદરે સાડા ૧૪ થી પોણા પંદર કલાક સુધીનો રોઝો રહેશે. બીજી તરફ  આ વખતે પોણા પંદર કલાકની તપસ્યા છે જે ગયા વખતે સાડા પંદર કલાકની હતી.

આ વખતે રોઝા રાખનારાઓ માટે ઉત્સાહજનક સમાચાર એ છે કે હિન્દુ સમાજના અનેક ભાઇ-બહેનો પણ જે રોઝો રાખે છે અને તેને 'હરણી રોઝો' તરીકે ઓળખવામાં આવે છે તે ર૭ મો રોઝો તા.ર-૬-૧૯ના રહેશે એ દિને રવિવાર હોઇ રજાના દિવસનો સૌને લાભ અને આરામ મળી રહેશે.

બીજી તરફ રોઝા રાખનારાઓ માટે આ વખતે એક ઉત્સવ સમો સંયોગ સર્જાવા પામેલ છે. જેમાં તા.૩૧-પ-૧૯ના અંતિમ શુક્રવાર છે એ દિને રપ મો રોઝો છે. જયારે બીજા દિવસે તા.૧-૬-૧૯ના ર૬માં રોઝાના દિને શનિવારે રાત્રે 'શબેકદ્ર'ની રાત્રી મનાવવાશે અને રવિવારે ત્રીજા દિ'એ ર૭ મો રોઝો રહેશે. આમ અંતિમ શુક્રવાર, પવિત્ર રાત્રી અને હરણી રોઝો ક્રમવાર એક સાથે થયા છે.

આ સંયોગના બે દી'  પછી 'ઇદ' ઉજવાઇ જશે એટલે છેલ્લા પાંચ રોઝાના દિવસો ઉત્સાહભર્યા બની રહેશે.

ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં ફરસાણના જનતા તાવડા ખુલ્લા મુકાયા છે. એ ઉપરાંત ફુલછાબ ચોક સહિતના જાહેર સ્થળોએ પણ ફરસાણના તાવડા મુકાયા છે. જયા સાંજ પડે ઘરાકીનો ધમધમાટ પ્રવર્ત છે એટલું જ નહી હિન્દુ-મુસ્લીમો સંયુકત આ કામગીરી કરી રહ્યા છ.ે અને સૌ વિના ભેદભાવ તેનો લાભ લઇ રહ્યા છે. આ ફરસાણ રૃા. ૮૦ થી ૧ર૦ના પ્રતિ કિલોએ વેચાઇ રહ્યું છે  એ ઉપરાંત મોડી રાત સુધી પણ ખાણીપીણીની લારીઓ ઉપર પણ ગ્રાહકો જોવા મળી રહ્યા છે.

જો કે હવે ૧પ દિ' જ બાકી રહ્યા છે. અડધો રમઝાન માસ પસાર થયો છે ત્યારે હજુ પાંચ દિ' પસાર થયા બાદ ર૦મા રોઝાથી અંતિમ ચરણમાં રમઝાન માસ પ્રવેશશે  જેથી ઉત્સાહમાં વધુ વધારો થશે અને ત્યારે ગરમીનો પ્રભાવ ઘટશે એથી તેના ઉજાસ - ઉત્સવ પણ વધી જવાનો સંપૂર્ણ સંભવ છે. (૨૧.૧૫)

સદર ખાટકીવાસમાં દરરોજ પરોઢિયે 'સહેરી'નો કાર્યક્રમ યોજતા હુસેનભાઇઃ પાંચ વર્ષથી માંડરીયા પરિવાર આ પ્રવૃતિ ચલાવે છેઃ સેંકડો લોકોને લાભ

રાજકોટ : હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસમાં અનેક સ્થળોએ રોઝા ખોલાવવા માટેના દરરોજ સાંજે 'ઇફતાર' ના કાર્યક્રમો ભરપુર યોજાઇ રહ્યા છે પરંતુ સદર ખાટકીવાસમાં રહેતા સખી સદગૃહસ્થ હાજી હુસૈનભાઇ માંડરીયા દરરોજ પરોઢીયે 'સહેરી' નો કાર્યક્રમ યોજે છે.

હાજી હુસેનભાઇના જણાવ્યા પ્રમાણે તેઓ આ કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષથી કરે છે અને દરરોજ વિવિધ પકવાન બનાવીને પીરસે છે પોતાનો પુરો પરિવાર આ માટે દરરોજ મહેનત કરે છે. તમામ ખર્ચ પણ પોતે એકલા જ ભોગવી રહ્યા છે અને પૂરો રમઝાન માસનો આ સહેરીનો કાર્યક્રમ છે.

તેઓ ખૂદ કહે છે, કે રાજકોટમાં આ એક માત્ર સહેરીનો કાર્યક્રમ ચાલતો હોઇ દરરોજ કર્મચારીઓ, વ્યાપારીઓ અને જરૂરીયાતમંદો આ સહેરીનો લાભ લ્યે છે અને દરરોજ ૪૦૦ જેટલા લોકો લાભ લ્યે છે જેમાં બુધ અને રવિવારે આ સંખ્યા વધી જાય છે.

રોઝાદારોને ગરમીમાં કોઇ રાહત નહીઃ ના અકિલાના પૂર્વ અહેવાલ સત્ય ઠર્યા...હજુ તાપ...ઉકળાટ યથાવત

'અકિલા' દૈનિકના તા. રપ-૪-૧૯ ના અંકમાં રમઝાન માસ શરૂ થવાના ૧૧ દિ' પૂર્વ અને ફરી તા. ૭-પ-૧૯ ના અંકમાં રમઝાન માસ શરૂ થયાના પ્રથમ રોઝાના દિવસે પણ ગરમીમાં કોઇ રાહત નહી. તેવા રોઝાદારો માટે પ્રસિધ્ધ થયેલા અહેવાલ અક્ષરસઃ સાચા ઠર્યા છે અને હજુ સુધી તાપમાં કોઇ રાહત મળી નથી.

(1:47 pm IST)
  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • આણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST