Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

હરિ ભજે તે હારે નહિં

તન, ધન જોબન જાય સમુળુ,

તોય સેવાધર્મને સંભાળે રે.

ભોજો ભગત કહે ગુરૂ પ્રતાપે,

હરિ ભજતા કદી નહિં હારે રે.

તન, ધન અને જોબન સમૂળગું ચાલ્યું જાય તોપણ પ્રભુભકતો સેવાધર્મને સંભાળી રાખે છે. ભોજા ભગત કહે છે કે ગુરુ પ્રતાપે જેઓ જીવનમાં નિત્ય ભજન કરે છે તે હારતાં નથી. સેવાધર્મ બન્ને પ્રકારનો છે : માનવસેવા અને દેવસેવા. માનવ સેવા કરનાર વ્યકિત દેવસેવા આપોઆપ કરતી હોય છે. દેવસેવા પણ બે પ્રકારની છે. ધૂપ, દીપ, પૂજા-આરતી વગેરે દ્વારા ઠાકોરજીની સાકાર સેવા અને બીજી વધુ સુક્ષ્મ અને વધુ પ્રભાવક છે, તે નિરાકાર સેવા છે. જયારે સાકાર પૂજા કરતાં કરતાં પરમ સમાધિની દશા પ્રાપ્ત થાય ત્યારે આવો મહાજ્ઞાની ભકત જે કાંઈ કર્મ કરે છે, તે બધું જ ઈશ્વરની ઉપાસના બની જાય છે. સંસ્કૃત સ્તોત્રકારે કહ્યું છે  : 'યત્ યત્ કર્મ કરોમિ તદ્દ તદખિલં શમ્ભો તવારાધનમ્ ! (હે મહાદેવ! હું જે જે કર્મ કરું છું તે બધું જ આપની આરાધના બની જાય છે.)

જગતમાં રહેનાર આવો ભકત માનવસેવા પણ એવા જ પ્રેમથી કરે છે. માત્ર માનવ જ શા માટે , વિશ્વના તમામ પદાર્થોમાં તેને પ્યારા પ્રભુનાં દર્શન થાય છે તેથી બધાની સેવા કરે છે. પ્રાણીમાત્રની સેવા નિભાવવાનો આ ધર્મ પણ અત્યંત મુશ્કેલ છે. ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે : 'સેવા ધર્મો પરમ ગહનઃ।।' સેવા કરતાં કરતાં તન ઘસાઈ જાય કે ધન વેડફાઈ જાય એની તેને ચિંતા નથી. એનું શરીર અને દ્રવ્ય લોકસેવા માટે જ હોય છે. દુનિયાદારીનું ડહાપણ એમ કહે છે કે 'યથાશકિત' (શકિતની મર્યાદા પ્રમાણે જ) સેવા કરવી પરંતુ અલગારી ભકતોને આ ગણિત માન્ય નથી. તેઓ તો એના ધનને તથા યૌવનધનને કુરબાન કરી દેવા તત્પર હોય છે.

ભોજા ભગતે સમન અને સજન નામના બે સંતભકતોની વાત કરી છે. પરમાર્થ કરવા તેઓ ચોરી કરવા ગયા અને એ અપરાધ બદલ એને મોતની સજા થઈ તોપણ 'શીશ અર્પણ કરી ધર્મ પાળ્યો'. પોતાનાં માથાં વઢાવીને પણ સેવાધર્મ નિભાવ્યો હતો. સંતકવિની આ સંદર્ભમાં નીચેની પંકિતઓ સ્મરણમાં રાખવા જેવી છે :

દિયા દાન જેણે તુલસીપત્ર સે,

મન ન જાણે, મેરી માયા રે;

સોંપ્યા હોય શીશ, સદ્દગુરૂજીને શરણે,

કયું સાચવશે કૂડી કાયા રે.

મનસુખલાલ સાવલીયા રાજકોટ - મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

(11:52 am IST)
  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST