Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગરમી ફરી વધશે, બફારાથી આંશિક રાહત મળશેઃ વાદળો બનશે પછી વિખેરાઈ જશે

તાપમાન ૪૨- ૪૩ અને અમુક સેન્ટરોમાં ૪૪ ડીગ્રીએ પહોંચી જશેઃ બપોર બાદ પવનનું જોર રહેશેઃ કયાંક- કયાંક ગાજવીજ સાથે વરસી પણ જાય

રાજકોટ,તા.૨૧:  હાલમાં ગરમી સાથે અસહય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવે ભેજ થોડો ઘટશે જેથી બફારામાં આંશિક રાહત મળશે પણ આકરો તાપ વધુ સહન કરવો પડશે. ગરમીમાં ફરી ક્રમશઃ વધારો થશે. ૪૨ ડીગ્રી આસપાસ પારો ધુમશે. અમુક સેન્ટરો ૪૪ ડીગ્રીએ પહોંચી જશે.

હાલ રાજયના અલગ અલગ વિસ્તારો માં તાપમાન ૩૯ ડીગ્રી થી ૪૨ ડીગ્રી આસપાસ રહે છે. તેમાં હવે ક્રમશઃ વધારો થશે. તા.૨૭ મે સુધીમાં  અલગ અલગ દિવસે વિસ્તાર પ્રમાણે એક થી દોઢ  ડીગ્રી વધારો જોવા મળે તેવી શકયતા છે.અમુક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જાય તેવી સંભાવના છે.

મુખ્યત્વે પવનો પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી અને કયારેક ઉત્તર પશ્ચિમીના રહેશે. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ઉંચુ જોવા મળેલ,બફારાનું પ્રમાણ ઉચું રહ્યું હવે ભેજ માં ક્રમશઃ થોડો ઘટાડો આવતો જશે. અમુક દિવસે વાદળો થાય અને વિખાય પણ જાય અને અમૂક વિસ્તારમાં સામાન્ય છાંટા છુટી જોવા મળી શકે છે. કયાક પવન અને ગાજવીજ સાથે વરસી પણ જાય અને હાલ પવન વધુ જોવા મળે છે.હજુ પવન નું જોર યથાવત રહેશે. વિસ્તાર પ્રમાણે વધઘટ રહેશે. બપોર બાદ પવન વધુ રહેશે. સૌરાષ્ટ્ર કરતા કચ્છમાં પવન નું પ્રમાણ વધુ જોવા મળે તેવી શકયતા છે.

(11:57 am IST)