Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કરૂર વૈશ્ય બેંકનું ૧૪ કરોડનું ફુલેકુ ફેરવનાર ગ્રીન ફાર્મ એગ્રો ના માલીકની આગોતરા જામીન અરજી રદ

બેંક સાથે નિર્ભયતાથી છેતરપીંડી કરતા ગુનાને ગંભીરતાથી લેવો જોઇએઃ કોર્ટ

રાજકોટ તા.૨૧: રાજકોટ ના જજ શ્રી આર.એલ. ઠકકરે ગ્રીન ફાર્મ એગ્રી એકસપોર્ટના ભાગીદાર દિપ મહેશભાઇ તન્નાની આગોતરા અરજી રદ કરતા ઠરાવેલ છે કે, બેન્ક સાથે આ પ્રકારની નિર્ભયતાથી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનાને ગંભીરતાથી લેવો ઘટે અને ભાગતા ફરતા આરોપી દિપ મહેશભાઇ તન્નાને આગોતરા જામીન ઉપર છોડવા માટે કોઇપણ કારણો જણાય આવતા નથી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગ્રીન ફાર્મ એગ્રી એકસપોર્ટના ભાગીદારો દિપ મહેશભાઇ તન્ના અને દિનેશ જયંતિલાલ તન્નાએ કરૂર વૈશ્ય બેન્કમાંથી કરોડો રૂપિયાની સવલત મેળવી હાઇપોથીકેટ કરેલી જંગલ મિલ્કતો બારોબાર બેન્કની જાણ બહાર વહેંચી નાખેલ હતી. આ ઉપરાંત તેઓએ બેન્કમાં દર ત્રણ માસે જે સ્ટેટમેન્ટો રજુ કરવાના થાય તેમાં દર્શાવેલ હતું કે, આ હાઇપોથીકેટ કરેલી જંગમ મિલ્કત હજુ તેઓના યુનિટ ઉપર મોજુદ છે. આ અંગે બેન્ક તરફથી ઈન્સપેકશન થતા આવી જંગમ મિલ્કત સ્થળ ઉપર ન હોવાનું માલુમ પડેલ હતું.

આ ઉપરાંત આ પેઢીના બન્ને ભાગીદારોએ ઓસ્ટ્રેલીયાથી કરોડો રૂપિયાનો માલ ઇમ્પોર્ટ કરેલ હતો. પધ્ધતિ મુજબ આ માલ ઓસ્ટ્રેલીયાથી નિકળ્યા બાદ તેના ઇમ્પોર્ટ બીલો કરૂર વૈશ્ય બેન્કને મકલાવામાં આવેલ હતા. આ રીતે આવેલ બીલોની રકમની પુરેપુરી ચુકવણી થઇ જાય ત્યારે જ આ બીલો ખરીદનાર એટલે કે આરોપીઓને સોંપવાના હોય. આ બીલો પોર્ટ ઓથોરીટી સમક્ષ રજુ થયેથી ઇમ્પોર્ટ કરવામાં આવેલ  માલ ખરીદનારને સોંપી દેવામા આવતો હોય છે. આ કિસ્સામાં આ પ્રકારે ઓસ્ટ્રેલીયાથી ઇમ્પોર્ટ કરવામાં આવેલ ંકરોડો રૂપિયાના માલના ઇમ્પોર્ટ બીલો કરૂર વૈશ્ય બેન્કમાં જમાં થયેલ હતાં. પરંતુ બેન્ક મેનેજર પ્રતિક વૈશ્યએ ગ્રીન ફાર્મ એગ્રી એકસપોર્ટના બન્ને માલીકો દિપ તન્ન્ના અને દિનેશ તન્નાને નાણા વસુલ્યા વીના બદ ઇરાદાથી સોંપી આપેલ હતા. આ બન્ને ભાગીદારોએ આ રીતે મેળવેલ અસલ બીલો પોર્ટ ઓથોરીટી સમક્ષ રજુ કરી આ કરોડો રૂપિયાના ઇમ્પોર્ટ થયેલ માલને વહેંચી નાખેલ હતો અને બેન્ક સાથે આ બન્ને ભાગીદારો અને મેનેજરે કાવતરૂ કરી કરોડો રૂપિયાની છેતરપીંડી, વિશ્વાસઘાત અને ઉચાપત કરેલ હતી.

સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરાએ જણાવેલ હતુ કે કાયદાની જોગવાય મુજબ જયારે કોઇ દસ્તાવેજ બનાવવામાં આવે અને તેમા઼ લખેલ વિગતો ખોટી હોવાનું લખનાર જાણતો હોય ત્યારે પણ બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાનો ગુનો બને છે. આ રીતે આ પેઢીના બન્ને માલીકોએ બેન્ક સમક્ષ ખોટા સ્ટેટમેન્ટ રજુ કરી હાઇપોથીકેટ કરેલો માલ યુનિટ ઉપર પડેલો છે તેવી ખોટી રજુઆત કરી બેન્ક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત ઉપરાંત બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાનો ગુનો કરેલ છે.

બેન્ક મેનેજર શ્રી પ્રતિક વૈશ્યની અરજીના વિરોધમાં મદદનીશ સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલાએ પણ રજુઆત કરેલ હતી કે, બેન્ક મેનેજરની જવાબદારી જાહેર નાણાનાં સંરક્ષણ માટે વધારે હોય છે અને કોઇપણ ગુનાહીત માનસવાળો બેન્કનો ગ્રાહક બેન્ક સાથે છેતરપીંડી ન કરી જાય તેની તકેદારી રાખવી તે પણ તેની સોૈથી મોટી જવાબદારી છે. પરંતુ આ કિસ્સામાં બેન્ક મેનેજર તરીકે પ્રતિક વૈશ્ય ખુદે જયારે ભાગીદાર આરોપીઓની છેતરપીંડી અનેવિશ્વાસઘાત કરવામાં મદદગારી કરેલ હોય ત્યારે આ મેનેજરે કરેલ ગુનાની ગંભીરતા ખુબ જ વધી જાય છે.

શ્રી સરકાર તરફેની રજુઆત સાથે સહમત થઇ જોઇન્ટ સેશન્સ જજ શ્રી આર.એલ. ઠકકરે ભાગીદાર દિપ મહેશભાઇ તન્નાની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ છે.

આ બન્ને જામીન અરજીઓમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા તેમજ બેન્ક તરફે વકીલ શ્રી ટી.એસ. કોઠારી રોકાયેલ હતા.

(4:10 pm IST)