Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતી સગીરા ઉપરના બળાત્કાર કેસમાં કૌટુંબિક કાકાને દશ વર્ષની સજા

અન્ય એક આરોપીનો નિર્દોષ છૂટકારો : પડધરી પંથકના બનાવમાં કોર્ટનો ચૂકાદો

રાજકોટ, તા. ર૧: પડધરીના ખંભાળા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ મૂળ દાહોદના વતની એવા કૌટુંબિક કાકા આરોપી લખમણ ગોબર ડામોરને રાજકોટના અધિક સેસન્સ જજશ્રી એમ.એમ. બાબીએ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જયારે અન્ય એક આરોપી અનિલ સતાર ભુરીયાને કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ અને ભોગ બનનાર બંને દાહોદ જીલ્લાના વતની છે. બનાવ સમયે પડધરીના ખંભાળા ગામે આવેલ એક ખેતરમાં કપાસ વીણવાનું મજૂરી કામ કરતો હતો. આરોપીઓ પૈકીનો સજા પામેલ આરોપી ભોગ બનનાર સગીરાનો કૌટુંબિક કાકો થતો હતો. બાદમાં ગર્ભવતી થતા સગીરાએ એક સંતાનને જન્મ પણ આપેલ હતો.

ફરીયાદપક્ષે આ કેસમાં ૧૮ સાહેદોને તપાસેલ હતાં અને ૧૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતાં. કોર્ટ સમક્ષ સગીરાએ આરોપીઓ દ્વારા બળાત્કાર કર્યાની હકીકતને સમર્થન આપ્યું હતું.

આ કામમાં સરકાર પક્ષે એવી રજૂઆત કરેલ કે, ભોગ બનનાર સગીરા તેમજ અન્ય સાહેદોએ આપેલ જુબાની તેમજ રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લેતા હાલના આરોપી લખમણ ડામોર વિરૂદ્ધ પ્રથમ દર્શનીય રીતે કેસ પુરવાર થાય છે. આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. સમાજમાં સગીરા ઉપરના દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આરોપી સામે કેસ પુરવાર થતો હોય આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ.

જયારે અન્ય આરોપી અનિલ સતાર ભુરીયા વિરૂદ્ધનો કેસ પુરવાર થતો ન હોય બચાવપક્ષના વકીલે આરોપીને છોડી મૂકવાની રજૂઆત કરી હતી.

ઉપરોકત રજુઆત અને કેસની હકીકતો અને પુરાવાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજશ્રી એમ.એસ. બાલીએ આરોપી લખમણ ડામોરને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. જયારે આરોપી અનિલ ભુરીયાને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે મુખ્ય જાણીતા સરકારી વકીલે એસ.કે. વોરા તથા એ.પી.પી. અતુલભાઇ જોષી રોકાયા હતાં. જયારે નિર્દોષ છૂટેલ આરોપી વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, ધીરજ પીપળીયા, કૈલાષ સાવંત, કલ્પેશ નસીત તથા અમૃતા ભારદ્વાજ રોકાયા હતાં.

(4:10 pm IST)