Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ધોમધખતા તાપમાં એક તરફ વિજળી પુરવઠો બંધ, બીજી તરફ જનરેટર પણ ઠપ્પઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ-સ્ટાફમાં દેકારો

રાજકોટઃ એક તરફ ધોમધખતો તાપ સોૈને અકળાવી રહ્યો છે ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વિજળીનો કાપ મુકવામાં આવતાં દર્દીઓ અને સ્ટાફ હેરાન ન થાય તે માટે જનરેટર ચાલુ કરવામાં આવ્યું હતું. પણ લોડ વધી જતાં જનરેટરનો પાઇપ ફાટી જતાં તે પણ ઠપ્પ થઇ જતાં સમગ્ર હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો વિજ પુરવઠો ખોરવાઇ જતાં દર્દીઓ અને સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. એક તરફ આકરા તાપને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું હતું ત્યારે જ વિજળી ઠપ્પ થતાં ભારે પરેશાની વેઠવી પડી હતી. વિજતંત્રએ ફોલ્ટ રિપેર કરવા માટે હોસ્પિટલનો વિજપુરવઠો એક કલાક બંધ રાખવાની મંજુરી માંગી હતી.  આ કારણે હોસ્પિટલનું જનરેટર ચાલુ કરાયું હતું. પણ થોડીવારમાં જ જનરેટર બંધ થઇ જતાં હોસ્પિટલના તમામ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફ પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં અને ભારે અકળામણ અનુભવવા માંડ્યા હતાં. એકસ રે વિભાગમાં લાઇટ વગર એકસ રેની કામગીરી પણ ઠપ્પ થઇ ગઇ હતી. ભારે બફારા અને ગરમીથી પરેશાન દર્દીઓ અને તેના સગા વોર્ડમાંથી તથા જે તે ઓપીડીમાંથી પરાણે બહાર આવી ગયા હતાં. તસ્વીરોમાં દર્દીઓ અને ઠપ્પ થયેલુ જનરેટર જોઇ શકાય છે. તબિબી અધિક્ષક શ્રી મનિષ મહેતાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિજ પુરવઠો બંધ કરવાનો હોય તો વિજતંત્ર ચોવીસ કલાક અગાઉ જાણ કરે છે. પણ આજે અચાનક ફોલ્ટ આવી જતાં વિજ પુરવઠો બંધ રાખવાની મંજુરી મેળવાઇ હતી. પણ ખરે ટાણે જ જનરેટર પણ ઠપ્પ થઇ જતાં થોડી મુશ્કેલી સર્જાઇ હતી.

(3:53 pm IST)