Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આકરો તાપ ૪પ ડીગ્રીને પણ પાર : બપોર થતા ભેંકાર ભાસે છે !

ધરતી ધગધગે છે, લોકો ત્રાહીમામ : પશુઓ પણ પરેશાન, સૌરાષ્ટ્રભરમાં ઉનાળો વસમો

રાજકોટ, તા. ર૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છ ેઅને મહત્તમ તાપમાનનો પારો ૪પ ડીગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪પ ડીગ્રી ઉપર જતો રહેતા રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને ઉનાળો વસમો સાબિત થઇ રહ્યો છે.

શનિવારે એક દિવસ ગરમીમાં રાહત રહી હતી અને એકથી બે ડીગ્રી મહત્તમ તાપમાનનો પારો નીચે રહ્યા બાદ કાલે રવિવારથી ફરી ગરમીમાં વધારો થયો હતો અને મહત્તમ તાપમાનનો પારો ૪પ ડીગ્રીએ પાર થઇ ગયો હતો.

ધોમધખતા તાપથી ધરતી ધગધગી રહી છે અને લોકો તથા પશુઓ આકરા તાપથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

હવામાન ખાતાની સૌરાષ્ટ્ર-કચ્છમાં કરાયેલી હિટવેવની આગાહી મુજબ જ કાલે ફરીથી અકળાવનારો 'સન' ડે રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં ૪૩.૮ ડીગ્રી જેવું મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજકોટ શહેરમાં પણ ૪૩.૪ ડીગ્રીનો આકરો તાપ અનુભવાયો હતો. જયારે કોર્પોરેશનની વેબસાઇટમાં ત્રિકોણબાગ વિસ્તારમાં ૪પ.૦૭ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે આ સિઝનનું વિક્રમી તાપમાન છે.  રવિવાર હોવાને કારણે રસ્તા પર ચહલપહલ ઓછી હતી, પરંતુ બપોરના સમયે સુનકાર જોવા મળ્યો હતો.

કાલે જુનાગઢમાં પણ ૪ર.ર ડીગ્રી જેવું મહત્તમ તાપમાન અને ર૭.૧ ડીગ્રીનું ન્યુનતમ તાપમાન લોકોને ત્રાહિમામ પોકારાવી ગયું હતું. (૮.પ)

(11:58 am IST)