Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

હીટ એલર્ટ

તાપમાનથી જીવ માત્ર ત્રાહીમામ : આજે ૪૨ ડીગ્રી

બપોરે ૧૨ થી ૩ રસ્તાઓ સુમસામ : 'ઝુ'માં પ્રાણીઓને બચાવવા પાણીના ફુવારા મુકાયાઃ રખડતા-ભટકતા લોકો માટે પાણી-છાંયડાની વ્યવસ્થા કરવા તંત્રને દોડાવાયુઃ હીટ એકશન પ્લાન અમલી બનાવતા મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા. ૨૧ : છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડીગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મ્યુ. કમિશ્નર દ્વારા હીટ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન આજે હવામાન વિભાગે બપોરે ૨.૩૦ વાગ્યે નોંધેલા તાપમાન મુજબ ૪૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની ઝડપ ૮ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૧૭ ટકા હતું.

શહેરમાં ગઈકાલે તાપમાનનો પારો ૪૫ ડીગ્રી ઉપર પહોંચતા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા રાજકોટને તાપમાનની દ્રષ્ટિએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જે આ ઉનાળાનું સૌ પ્રથમ રેડ એલર્ટ છે અને હજુ આ રેડ-એલર્ટ આજે પણ યથાવત રહેશે કેમ કે આજે સવારથી ફરી તાપમાનનો પારો ઉંચકાયો હતો અને સાંજ સુધીમાં ૪૨ થી ૪૩ ડીગ્રી સુધી શહેરમાં તાપમાન રહેશે તેવી શકયતા મ્યુ. કમિશ્નરે દર્શાવી હતી.

દરમિયાન મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે 'રેડ એલર્ટ' સંદર્ભે હીટ એકશન પ્લાન બનાવાયો છે. જેથી શહેરીજનોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે. આ હીટ એકશન પ્લાન અંતર્ગત મ્યુ. કોર્પોરેશનના સંચાલીત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ઠંડક થાય તે માટે 'બરફ' ઉપરાંત સતત પાણીના ફુવારા ચાલુ રાખીને પ્રાણીઓ - પંખીઓને ઠંડક અપાય છે અને ખોરાકમાં ફ્રુટ પણ બરફ સાથે ઠંડા કરીને અપાય છે.

આ ઉપરાંત શહેરીજનોના આરોગ્ય માટે ઓ.આર.એસ. ઠંડુ પાણી - છાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલુ જ નહી રખડતા - ભટકતા લોકોને પાણી અને છાંયડાની વ્યવસ્થા માટે પ્રોજેકટ વિભાગના અધિકારીઓને દોડાવાયા હતા.

આથી રાજકોટમાં તાપમાનનો પારો ૪૭.૫ ડીગ્રી સુધી ગઈકાલે પહોંચી જતા રેડ એલર્ટ જાહેર કરી અને જાહેર આરોગ્યની કાળજી લેવા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

બંછાનીધિ પાનીની અપીલ

હાલ ગુજરાત રાજયમાં હિટ વેવની પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે. ઊંચા તાપમાન દરમ્યાન લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે નીચે દર્શાવેલ પગલાંઓ તથા કાળજી લેવા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે.

- શું ન કરવું

બપોરના ૧૨ થી ૩ વાગ્યા દરમ્યાન તડકામાં જવું નહી. દિવસ દરમ્યાન ઘરની બહાર હોવ ત્યારે વધારે શ્રમ પડે તેવી કામગીરી ન કરવી. રસોડાની કામગીરીના સમયમાં ફેરફાર કરવો. રાંધતી વખતે રસોડાના બારી દરવાજા ખુલ્લા રાખવા. આ સમય દરમ્યાન દારૂ, ચા, કોફી કે અન્ય કેફી પીણાનો ઉપયોગ ન કરવો. વાસી, તળેલો અને ભારે પ્રોટીનવાળો ખોરાક ટાળવો. પાર્ક કરેલ વાહનમાં નાના બાળક અને પાલતું પ્રાણીને બંધ હાલતમાં ન રાખવા.     

- માલિક અને વર્કરો માટે

કામગીરીના સ્થળ નજીક ઠંડુ અને આરોગ્યપ્રદ એવા પીવાના પાણીની વ્યવસ્થા. વર્કરોને સીધા સૂર્ય પ્રકાશથી દૂર રાખવા. વધારે શ્રમવાળી કામગીરી તાપમાન ઓછું હોય તેવા સમયે કરાવવું. બહારની સોંપેલ કામગીરી કરનારાઓ માટે દિવસમાં સમયાંતરે આરામનો સમયગાળો વધારવો. ખાસ કરીને સગર્ભા માતા અને લાંબી બિમારીથી પીડિત શ્રમિકોની વિશેષ કાળજી લેવી

- દરેક લોકો માટે

રેડિયો, ટી.વી., વર્તમાન પત્રો દ્વારા જાહેર કરવામાં આવતા તાપમાન (હિટ એલર્ટ)ની નોંધ લેવી. તરસ ના લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહી જળવાય તે માટે  ઓ.આર.એસ.,  ઘરગથ્થું પીણા જેવા કે લસ્સી, લીંબુ પાણી, છાસ, વરીયાળી શરબત પુષ્કળ માત્રામાં પીવો. આછા રંગના હલકા તથા પહોળા સુતરાઉ વસ્ત્રો પહેરવા. ટોપી, છત્રી, સ્કાર્ફ તથા ગોગલ્સનો ઉપયોગ કરવો.

- શું તકેદારી રાખવી

શકય હોય તો દિવસે તડકામાં બહાર જવાનું ટાળવું. ઘરની અંદર શકય હોય તો નીચેના માળનાં રૂમમાં જ રહેવું. રૂમ ઠંડો રહે તે માટે બારી ઉપર પડદાની વ્યવસ્થા ગોઠવવી. પંખા, એ.સી., કૂલરનો ઉપયોગ કરવો તથા દિવસમાં ત્રણ થી ચાર વાર સ્નાન કરવું. પાલતું પ્રાણીઓ માટે યોગ્ય છાંયડાની વ્યવસ્થા કરવી તથા પીવાના પાણીની  વ્યવસ્થા કરવી.

(3:11 pm IST)
  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST