Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

૨૦ વર્ષની યુવતિને પરિણીત શખ્સે લગ્નની લાલચ દઇ શોષણ કર્યુઃ હવે તરછોડી દેતાં એસિડ ગટગટાવ્યું

મોરબી પંથકનો બનાવઃ યુવતિ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૧: મોરબી પંથકના એક ગામમાં રહેતી ૨૦ વર્ષની યુવતિને નજીકના જ ગામના પરિણીત શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી એક વર્ષ સુધી શોષણ કર્યા બાદ હવે લગ્ન કરવાની ના પાડી દઇ તરછોડી દેતાં તેણીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી. રવિવારે સાંજે આ યુવતિએ એસિડ પી લેતાં પ્રથમ મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણી સાંજે બેભાન હોઇ તે અંગેની યાદી મોરબી પોલીસને મોકલવામાં આવી હતી. આજે સવારે ભાનમાં આવેલી આ યુવતિએ ચોંકાવનારા આક્ષેપો સાથે વિગતો જણાવી હતી. તેણીએ કહ્યું હતું કે પોતે નર્સ તરીકે નોકરી કરતી હતી. માતા અગાઉ જ્યાં કામે જતાં એ ડેલાના માલિક કે જે પરિણીત છે અને બે સંતાનનો પિતા છે તેની સાથે આજથી એકાદ વર્ષ પહેલા પોતાને પરિચય થયો હતો. એ શખ્સે પ્રેમજાળમાં ફસાવી પોતાની સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી હતી. એ પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો અને પોતાને ત્રણ વખત ગર્ભ પણ રહી ગયો હતો. જો કે તેણીએ ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. સતત લગ્નની લાલચ આપી એ શોષણ કરતો રહ્યો હતો. પરંતુ હવે લગ્ન કરવાની ના પાડી દઇ તરછોડી દેતાં પોતાને આઘાત લાગતાં એસિડ પી લીધું હતું. તેમ હોસ્પિટલના બિછાનેથી યુવતિએ જણાવ્યું હતું. મોરબી પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી છે. (૧૪.૬)

 

(10:50 am IST)