Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હોસ્પિટલમાં દાખલ ભાઇ માટે ઓકિસજન લેવા જઇ રહેલા યુવાનની કાર રોકાવી નંબર પ્લેટમાં છેડછાડનો દંડ વસુલાયો

ધરમ રાચ્છ નામના યુવાને કહ્યું-નંબર પ્લેટ પર માતાજીની ચુંદડી બાંધેલી હતી તેનાથી હું પણ અજાણ હતોઃ કાર ભાઇની હોઇ તેની ખબર નહોતીઃ કેકેવી ચોકમાં બનાવ

રાજકોટઃ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ સતત એલર્ટ રહે છે. અમુક કિસ્સાઓમાં વાહન ચાલકે મજબુરીમાં કાયદો તોડ્યો હોય તો પોલીસ માફ પણ કરી દે છે અને દંડ લીધા વગર માનવતા ખાતર જવા પણ દે છે. પરંતુ આજે કેકેવી ચોકમાં ટ્રાફિક પોલીસે એક કારને રોકી તેની નંબર પ્લેટ પર ચુંદડી બાંધેલી હોઇ નંબર પ્લેટમાં છેડછાડ કરવા બદલ કાર ચાલકને મેમો આપી દંડ વસુલ કર્યો હતો. કારચાલક ધરમ નટવરલાલ રાચ્છે જણાવ્યું હતું કે મારા ભાઇ રવિભાઇની આ કાર છે અને તેમાં નંબર પ્લેટ પર ચુંદડી બાંધેલી છે તેનાથી હું અજાણ હતો. મારા ભાઇને સારવાર માટે નિલકંઠ કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ તેની કાર લઇને હું ઓકિસજનનો બાટલો ભરાવવા જવા નીકળ્યો હતો. આવા સમયે પોલીસે અટકાવી દંડ વસુલવા ભારે લમણાઝીંક કરી હતી. મેં આજીજી કરી હતી કે ઉતાવળે ઓકિસજનનો બાટલો પહોંચાડવાનો છે. પણ તેઓ માન્યા નહોતાં અને દંડ લીધો હતો. પોલીસે અહિ કદાચ નિયમોને આગળ ધરી કાર્યવાહી કરી હશે એ સમજી શકાય. પરંતુ આવા સમયે માનવતા  દાખવી પોલીસ ખરા અર્થમાં 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સુત્ર સાર્થક કરી શકી હોત. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)