Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મ.ન.પા.ના પૂ. રણછોડદાસ બાપુ હોલમાં ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ

કોમ્યુનિટી હોલમાં બેકબોન સંચાલિત વૈદેહી ન્યુરોસાયાન્સીસ એસોસીયેટસ 'વૈદેહી' કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાશે : સંસ્થા દ્વારા બે ઓકિસજન પ્લાન્ટ સાથેની સૌપ્રથમ હોસ્પિટલ થશે

રાજકોટ તા. ૨૧ : મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, બેકબોન સંચાલિત ડોકટરોની ટીમ દ્વારા હાલની દ્યાતક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના દર્દીઓને અદ્યતન સારવાર મળે તે ભાવના સાથે કોવીડ હોસ્પિટલ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવેલ. જેનાં અનુસંધાને  મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ ખુબ જ અંગત રસ લઇ આ અંગે તુરંત નિર્ણય થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈ કાલ તા. ૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સાથે જરૂરી એગ્રીમેન્ટ કરવામાં આવેલ.

બેકબોન સંચાલિત 'વૈદેહી' કોવીડ-૧૯ હોસ્પિટલ માટે ડો.અંકુર પાંચાણી અને નયન રમેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ ડો.કુંજેશ રૂપાપરા(ચેસ્ટ સ્પે.), ડો. પ્રિયાંક ફૂલેત્રા(ક્રિટીકલ કેર સ્પે.), ડો. નીખીલા પાચાણી(કાર્ડીયોલોજીસ્ટ), ડો. જયદીપ ભીમાણી(સર્જન), ડો.વિવેક પટેલ(સર્જન), ડો. આકાશ પાચાણી (રેડીઓલોજીસ્ટ) ઉપરાંત શિક્ષિત અને અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.

સંસ્થા દ્વારા ઓકિસજનના ૨(બે) પ્લાન્ટની સુવિધા સાથે હશે જે રાજકોટ શહેરમાં પ્રથમ હોસ્પિટલ થશે એક પ્લાન્ટ અંદાજે ૧.૬૦ કરોડની કિંમતનો થશે, આ ઉપરાંત ઇન્ડોર ફાર્માસીસ્ટ લેબોરેટરી, એસી વિગેરે સુવિધા સભર બનાવવામાં આવનાર છે.

આ કોમ્યુનિટી હોલમાં તબક્કાવાર ૨૦૦થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોમ્યુનિટી હોલનુ દૈનિક ૨૦ હજાર ભાડુ લેવામાં આવશે તેમજ ઈલેકટ્રીસિટી, પી.એન.જી.ગેસ વપરાસનુ બિલ સંસ્થા દ્વારા ભરવામાં આવશે તેમજ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ પણ સંસ્થા કરશે.

મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સાથે ડોકટરોની ટીમના પરામર્શ સમયે રાજકોટ શહેરના કોવીડ-૧૯ના દર્દીઓને સારામાં સારી સારવાર મળેતેવી લાગણી વ્યકત કરેલ જે ગૌરવની બાબત છે. આ હોસ્પિટલ આગામી તા.૨૯/૦૪/૨૦૨૧થી શરૂ થઇ જશે.

(4:08 pm IST)