Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજકોટમાં મૃતદેહોના થપ્પા ગાયબ થવા લાગ્યા

સિવિલમાં મૃત્યુ થયાના ૨ કલાકમાં ડેડ બોડી સુપ્રત થઈ જવાનો રાહુલ ગુપ્તાનો દાવો

રાજકોટ, તા. ૨૧ : કોરોનાએ રાજકોટ જ નહિં સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતને હચમચાવી મૂકયુ છે. રાજકોટ સિવિલમાં તાજેતરમાં લાશોના થપ્પા લાગ્યા હતા. હાહાકાર મચી ગયો હતો. લોકો સ્વજનોના મૃતદેહો મેળવવા કલાકો સુધી, કયારેક બબ્બે - ત્રણ - ત્રણ દિવસ રાહ જોતા હતા. તે સ્થિતિમાં હવે સંપૂર્ણ યુ - ટર્ન આવ્યાનું અને માત્ર ૨ કલાકમાં મૃતદેહ સોંપી દેવાતા હોવાનો દાવો કોરોના અંગે રાજકોટ પંથકના નોડલ ઓફીસર, રાજકોટ - જૂનાગઢના પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા (આઈએએસ)એ અકિલા સાથેની વાતચીતમાં આજે સવારે કર્યો હતો.

શ્રી ગુપ્તાએ કહેલ કે સિવિલ હોસ્પિટલમાં ડેથ થાય કે વધુમાં વધુ ૨ જ કલાકમાં તેમના સવા વ્હાલાઓને મૃતદેહ સોંપી આપવામાં આવે છે.

શ્રી રાહુલ ગુપ્તાની સાથે જ રાજકોટના કલેકટર શ્રી રેમ્યા મોહન સતત રાઉન્ડ ધ કલોક કોરોના સ્થિતિ કાબુમાં લેવા ભરચક્ક પ્રયાસો કરી રહેલ છે. સ્થિતિ ગંભીર હોવાનું ઓફીસરો કબૂલે છે પણ જો સહુનો સાથ - સહકાર રહેશે તો ૮ થી ૧૦ દિવસમાં સ્થિતિ નિયંત્રણમાં આવવા લાગશે તેવી પૂરી શ્રદ્ધા આ અધિકારીઓએ દર્શાવી હતી.

શ્રી રાહુલ ગુપ્તાએ વિશેષમાં જણાવેલ કે કોવિદને લીધે મૃત્યુ થાય એટલે તેના પ્રોટોકોલ મુજબ મૃતદેહને સ્ટરાઈલ કરવુ, ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટીક શીટ્સથી બોડી કવર કરવું (જેથી મૃતદેહના મોઢાના દર્શન તેના સગા - વ્હાલા કરી શકે), દસ્તાવેજો - કાગળો ઈસ્યુ કરવામાં જેટલો સમય થાય તે સિવાય કોઈ જ મોડુ થતુ નથી. લગભગ ૨ કલાકમાં વિવિધ આટોપાઈ જાય છે.

શ્રી રાહુલ ગુપ્તાએ કહેલ કે રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ અને કેન્સર કોવિડ હોસ્પિટલમાં જે કોરોના દર્દીના મોત થાય તેમને અગ્નિદાહ આપવા એકસકલુઝીવ રાજકોટના રામનાથપરા સ્મશાન, બાપુનગર સ્મશાન અને મોટા મવા સ્મશાન (આ ત્રણે સ્મશાન) રાખવામાં આવ્યા છે.  જયારે રાજકોટમાં કુદરતી મોતથી અવસાન પામે તેના માટે મવડી, નવાગામ સહિત રાજકોટ આસપાસના ચારેક સ્મશાન રાખવામાં આવ્યાનું શ્રી ગુપ્તાએ અકિલાને જણાવેલ.

આમ શ્રી ગુપ્તાએ ખાત્રીપૂર્વક કહેલ કે રાજકોટ સિવિલમાં હવે કોઈ મૃતદેહોના થપ્પા નથી, અને કોઈ મૃત્યુ પામે તો લગભગ ૨ થી ૩ કલાકમાં તેમના સગા - વ્હાલાઓને મૃતદેહ પૂરી વિધિ સાથે સુપ્રત કરી દેવામાં આવે છે.

શ્રી રાહુલ ગુપ્તા અને રેમ્યા મોહને સહુ નાગરીકોને આ કપરી વેળાએ ધૈર્ય રાખવા, કોરોના પ્રોટોકોલ સખ્ત રીતે પાળવા અને કોઈપણ અફવાઓથી દૂર રહી તંત્રને સહકાર આપી કોરોના ઉપર જીત મેળવવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

(12:47 pm IST)
  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • આસામમાં ઓએનજીસીના ૩ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું : આસામના ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. access_time 4:06 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST