Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કોઠારીયા રોડ પરની સોસાયટીઓમાં આવારા તત્વોના ત્રાસ દુર કરોઃ વેપારીઓ અને લતાવાસીઓની પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટઃ કોઠારીયા રોડ ઉપર આવેલ શ્રી રામપાર્ક, ગોવિંદનગર, ન્યુ સુભાષ સોસાયટી, મેઘાણીનગર તથા આજુબાજુના સોસાયટીના વેપારીઓ અને લતાવાસીઓએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી લુખ્ખા તત્વોનો ત્રાસ દુર કરવા રજુઆત કરી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે ગત તા. ૧૯ના શ્રી રામ પાર્ક શેરી નં. ૩ માં રહેતા મનસુખભાઇ નાગજીભાઇ વોરાના મકાનમાં ધોળા દિવસે અમુક અજાણ્યા શખ્સોએ હથીયારો સાથે ઘુસી જઇ પરીવારના સભ્યોને ઢોર માર મારી દહેશતનો માહોલ ઉભો કરેલ હતો. કોઠારીયા રોડ ઉપરની ઉકત સોસાયટીઓમાં લુખ્ખા તત્વોનો ત્રાસ રોજ-બરોજ વધતો જાય છે. પાનની દુકાને તથા ગલ્લાએ બેસતા લુખ્ખા તત્વો યુવતીઓ અને મહિલાઓની છેડતી કરે છે શ્રી રામ પાર્ક મેઇન રોડ ઉપર આવેલ સત્યમ શિવમ કોમ્પલેક્ષ પાસે પણ આવારા તત્વો અડીંગો જમાવી બેઠા હોય છે. તેમજ સોસાયટીમાં આવેલ બગીચાાઓમાં આવા શખ્સો દિહદહાડે નશીલા પદાર્થોનું સેવન કરે છે. જેના કારણે સોસાયટીના રહીશો બગીચામાં પણ જઇ શકતા નથી. ઉકત વિસ્તારની સોસાયટીઓમાં પેટ્રોલીંગ વધારી લુખ્ખા તત્વોને પદાર્થ પાઠ ભણાવવા વેપારીઓ અને લતાવાસીઓએ માંગણી કરી છે. તસ્વીરમાં કોઠારીયા રોડ વિસ્તારમાં સોસાયટીના વેપારીઓ- લતાવાસીઓ રજુઆત કરતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૬)

(3:58 pm IST)