Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બહુચર્ચિત રીંકલબા ઉર્ફે જનકબાના આપઘાત કેસમાં પતિ સહિતના સાસરીયાઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૨૧: રાજકોટમાં રીંકલબા ઉર્ફે જનકબા વા/ઓ. સહદેવસિંહ ઝાલાએ પોતાની મેળે કેરોસીન છાંટી તા. ૫/૪/૧૭ના રોજ આપઘાત કરેલ હતો અને તેઓનેસીવીલ હોસ્પિટલમાં સારવારમાં લઇ જતા તેઓએ પોલીસ સમક્ષની ફરીયાદમાં સહદેવસિંહ મનુભા રાણા પતિ, મનુભા લાખુભા રાણા સસરા, વૃજકુંવરબા મનુભા રાણા સાસુ, પ્રકાશબા દિગ્વીજયસિંહ રાણા નણંદ તથા દિગ્વીજયસિંહ ભીખુભા જાડેજા વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ અને લગ્ન જીવનમાં અસહ્ય ત્રાસ આપતા હોવાના કારણે તેઓએ આપઘાત કર્યા અંગેની ફરીયાદ આપેલ અનેમામલતદારશ્રી સમક્ષ ડી.ડી. પણ આપેલ હતું. અને જે અનુસંધાને પોલીસે ઉપરોકત વ્યકિતઓની ધરપકડ કરી કોર્ટમા ચાર્જશીટ કરેલ અને જે કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા એ.ડી. સેશન્સ જજ શ્રી એમ.એમ.બાબી એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

ઉપરોકત બનાવની હકીકત એવી છે કે રીંકલબા ઉર્ફે જનકબા ડો/ઓ. ગુલાબસિંહ ટપુભા જાડેજાના લગ્ન બનાવના નવ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી ગામમાં રહેતા સહદેવસિંહ મનુભા રાણા સાથે થયેલ હતા અને લગ્ન જીવન દરમ્યાન ગુજરનાર રીંકલબાને સહદેવસિંહ શારીરિક માનસીક ત્રાસ આપતા અને સાસુ, સસરા, નણંદ અને નણંદોયા મેળા ટોળા મારી ચડામણી કરતા હતા. જેથી તેઓને માવતરે રાજકોટ રીસામણે આવવાની ફરજ પડેલ અને ત્યાં તેઓથી આ દુઃખ સહન ન થતા જાતે કેરોસીન છાંટી સળગી ગયેલાની હકીકત પોલીસ રૂબરૂ તથા મામલતદાર રૂબરૂ ડી.ડી. માં જણાવેલ હતી.

ઉપરોકત હકીકતે સરકારપક્ષના તમામ સાહેદો તપાસવામાં આવેલ હતા અને દસ્તાવેજી પુરાવા લીસ્ટ પણ રજુ રાખવામાં આવેલ હતું. પુરાવાના અંતે બચાવપક્ષના એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયાએ રજુઆત કરેલ હતી કે ફરીયાદપક્ષનો પુરાવો માની શકાય તેમ નથી અને લગ્ન જીવનનો ગાળો નવ વર્ષનો હોય આઇ.પી.સી. કલમ ૩૦૬ ના તત્વો ફલીત થતા નથી વળી ગુજરનારની ફરીયાદમાં ડોકરટ રૂબરૂ લેવામાં આવેલ નથી. અને મામલતદાર સમક્ષના નીવેદનમાં જુદી જુદી પેનનો ઉપયોગ કરવામાં આવેલ છે અને જે રીતે ડી.ડી. લેવામાં આવેલ છે તે પણ શંકાસ્પદ છે તથા ગુજરનારએ પોતાના માવતરે આપઘાત કરેલ છે તેથી તેઓને આપઘાત કરવા માટે આરોપીઓએ પ્રેર્યા હોય તેવું પણ રેકર્ડ ઉપર ફલીત થતું નથી તથા ગુજરનારના માતાપિતા પણ ગુજરનારની ફરીયાદ અને ડીડી થી વિરોધાભાસી જુબાની કોર્ટ સમક્ષ આપેલ છે તથા બચાવપક્ષના વકીલશ્રીએ વડી અદાલતોના ચુકાદાઓ પણ આરોપીની તરફેણમાં રજુ રાખેલ હતા.

ઉપરોકત સંજોગોમાં કાયદાકીય પરિસ્થિતિ કેસની હકીકતો અને શંકાસ્પદ મરણોત્મુખ નિવેદનો ધ્યાને લઇ અને બચાવપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર એ.ડી. સેશન્સ જજશ્રીએ ઉપરોકત તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં બચાવપક્ષે રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, વિજયસિંહ જાડેજા, જયવીર બારૈયા, મીલન જોષી, હિરેન ન્યાલચંદાણી એડવોકેટ રોકાયેલ હતા.(૧.૨૨)

(3:55 pm IST)