Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભંગાર ચોરીના ગુનામાં પકડાયેલ એસટી વર્કશોપના સીકયુરીટી ગાર્ડને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ, તા., ૨૧: અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ એસટી વર્કશોપમાંથી ભંગારની ચોરી કરવાના ગુનામાં પકડાયેલ સીકયોરીટી ગાર્ડ યુનુસ સુલતાન ભાયાણી સામેનો કેસ ચાલી જતા જયુ. મેજી. શ્રી બી.આર.રાજયુને આરોપીને ત્રણ વર્ષની સજા અને રૂ. ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કૈદની સજાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે એસટી વર્કશોપ ગોંડલ રોડ ઉપર સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આરોપી યુનુસ ભાયાણીએ રૂ. ૧૮૦૦ની કિંમતના ભંગારની ચોરી કરતા અહીની સૈનિક સોસાયટીમાં રહેતા ફરીયાદી ચંદ્રસિંહ ચુડાસમાએ માલવીયા નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલતા સરકારી વકીલ દર્શનાબેન પારેખે રજુઆત કરેલ કે આરોપી સામેનો કેસ પુરવાર કરવામાં પ્રોસીકયુશન પક્ષ સફળ રહેલ હોય આરોપીને તકસીરવાન ઠરાવીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની હકીકત તેમજ રજુ થયેલ પુરાવાના ધ્યાને લઇને જયુ. મેજી. શ્રી બી.આર.રાજપુત મેડમે આરોપીને ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કૈદની સજાનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી દર્શનાબેન પારેખ રોકાયા હતા. (૪.૧૩)

(3:52 pm IST)