Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બજાજ ફાયનાન્સના નામે ફોન કરી કૃષ્ણપરાના વ્હોરા વેપારી હાતીમભાઇ વડવાલા સાથે છેતરપીંડી

'તમે લોન લીધી છે તે તાત્કાલીક ભરવી પડશે, તમને મેસેજ આવ્યો તેના ઓટીપી જણાવો' તેમ કહી હિન્દીભાષીએ છેતરીથી ૧૯૯૯૦ની ઓનલાઇન ખરીદી કરી લીધી!: ગઠીયાને શોધતી એ-ડિવીઝન પોલીસ

રાજકોટ તા. ૨૧: પરાબજાર કાપડ માર્કેટ પાછળ કૃષ્ણપરા-૩માં વ્હોરા મસ્જીદ પાસે રહેતાં અને ઘર પાસે જ લાકડી-પરોણાની દૂકાનમાં બેસી વેપાર કરતાં હાતીમભાઇ જયનુદ્દીનભાઇ વડવાલા (ઉ.૪૨) નામના દાઉદી વ્હોરા યુવાનને ગઠીયાએ ફોન કરી 'હું બજાજ ફાયનાન્સમાંથી બોલુ છું, તમે લોનથી એ.સી. લીધુ છે તેની લોન તાત્કાલીક એક સાથે ભરવી પડશે' તેમ કહી બજાજ ફાયનાન્સના લોન એકાઉન્ટનો ઓટીપી નંબર મેળવી લઇ તેના ઉપયોગથી ફલીપકાર્ટમાંથી રૂ. ૧૯૯૯૦ની વસ્તુઓ ખરીદ કરી લઇ છેતરપીંડી કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.

બનાવ અંગે એ-ડિવીઝનના પી.એસ.આઇ. બી. બી. કોડીયાતરે હાતીમભાઇની ફરિયાદ પરથી મોબાઇલ નં. ૭૦૫૦૯ ૪૪૪૬૫ નંબર પરથી ફોન કરનાર શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૧૯, ૪૨૦, ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાતીમભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૬મીએ સાંજે સાડા ચારેક વાગ્યે મને ફોન આવતાં રિસીવ કરતાં સામેથી વાત કરનાર શખ્સે હિન્દી ભાષામાં વાત કરી જણાવેલ કે હું બજાજ ફાયનાન્સમાંથી બોલુ છું, તમે જે એ.સી. લીધુ છે તેની લોન બજાજ ફાયનાન્સમાં ચાલુ છે અને એ તમારે તાત્કાલીક ભરવાની છે. તેમજ તેનું વેરીફિકેશન કરવાનું છે. તમારા મોબાઇલમાં બજાજ ફાયનાન્સ તરફથી મેસેજ આવ્યો છે તેમાં છ આંકડાનો ઓટીપી નંબર છે તે અમને જણાવો...તેમ કહેતાં મેં મારા મોબાઇલમાં આવેલા મેસેજમાંથી તેને ઓટીપી જણાવ્યો હતો.

એ પછી તેણે ફોન કાપી નાંખ્યો હતો. થોડીવાર પછી મને મેસેજ મળ્યો હતો કે મારા બજાજ ફાયનાન્સના લોન એકાઉન્ટમાંથી રૂ. ૧૯૯૯૦ની ફલીપકાર્ટમાંથી કોઇએ ખરીદી કરી લીધી છે. થોડીવાર બાદ બજાજ ફાયનાન્સમાંથી પણ મને ફોન આવ્યો હતો કે મારા એકાઉન્ટનો ઉપયોગ કરી કોઇએ ખરીદી કરી લીધી છે. આથી હું બીજા દિવસે ૧૫૦ રીંગ રોડ પર બજાજની ઓફિસ કે જે ઇમ્પિરીયલ હાઇટ્સ ખાતે છે ત્યાં ગયો હતો અને ચીટીંગ થયાની વાત કરી હતી. ત્યાંથી મને પોલીસ ફરિયાદ નોંધાવવા કહેવાયું હતું. જેથી મેં ફરિયાદ કરી હતી. પી.એસ.આઇ. વી. એમ. ડોડીયાએ એફઆઇઆર દાખલ કર્યા બાદ પીએસઆઇ કોડીયાતરે તપાસ શરૂ કરી છે.

(12:20 pm IST)