Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

નકલી માર્કશીટને આધારે હોમિયોપેથી કોલેજમાં પ્રવેશના કોૈભાંડમાં પુરાવા કબ્જે કરવા ધમધમાટ

પૂર્વ ડીન, ડોકટર, ત્રણ કોલેજના કર્મચારીઓ અને ૪૧ છાત્રો સામે નોંધાયેલા ગુનામાં આગળ વધતી પોલીસઃ જેના આધારે છાત્રોને પ્રવેશ અપાયો હતો તે માર્કશીટો સહિતનું સાહિત્ય કબ્જે કરવા તજવીજ

રાજકોટ તા.૨૧: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોમીયોપેથી કોલેજોમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ આપવાના કોૈભાંડમાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.  સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ કિરીટ એમ. પાઠકની ફરિયાદ પરથી બી.એ. ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ અને યુનિવર્સિટીના હોમિયોપેથી વિદ્યા શાખાના ડીન ડો. અમિતાભ રમેશભાઇ જોષી અને ખંભાળીયાના ડો. કાદરી, રાજકોટની બે હોમિયોપેથી કોલેજ તથા અમરેલીની એક હોમિયોપેથી કોલેજના કર્મચારીઓ તેમજ ૪૧ છાત્રો સામે એફઆઇઆર દાખલ થતાં પોલીસે પુરાવા એકઠા કરવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

વર્ષ ૨૦૧૨થી કાવત્રુ રચી ગુજરાત બહારના રાજ્યોની અલગ-અલગ કોલેજની ખોટી માર્કશીટ અને માઇગ્રેશન સર્ટી તથા સીસીએસ (સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથી)ના સર્ટીઓ બનાવી તેના ઉપયોગથી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લઇ કોૈભાંડ આચર્યાનો ગુનો દાખલ થયો છે. આરોપીમાં બી. જી. ડાંગર હોમિયોપેથી કોલેજ, ગરૈયા હોમિયોપેથી કોલેજ, વસંતબેન વ્યાસ હોમિયોપેથી કોલેજ-અમરેલીના કર્મચારીઓ તથા ૪૧ વિદ્યાર્થીઓ સામે  આઇપીસી ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો દાખલ થયો છે. 

આ ફરિયાદમાં આરોપી તરીકે બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના પ્રિન્સીપાલ અને અગાઉ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપેથી વિદ્યા શાખામાં ડીન પદે રહી ચુકેલા ડો. અમિતાભ રમેશભાઇ જોષી, જામ ખંભાળીયાના ડો. કાદરી (રહે. ૩૧૮-વિનાયક સોસાયટી જામ ખંભાળીયા) તથા છાત્રો પણ સામેલ છે. શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારા આ કોૈભાંડમાં પ્રારંભે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ સમિતી રચી તપાસ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતાં એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. કડછા, રાઇટરો શૈલેષપરી ગોસાઇ, બલભદ્રસિંહ ચુડાસમા, ગિરીરાજસિંહ જાડેજા અને ટીમે તપાસ આરંભી છે. પોલીસે હાલ તુર્ત પુરાવા એકઠા કરવાનો પ્રારંભ કર્યો છે. જે નકલી સર્ટીઓને આધારે છાત્રોને પ્રવેશ અપાયો તે કબ્જે કરવા અને આ સર્ટી કયાંથી આવ્યા? તેની તપાસ શરૂ કરી દીધી છે. ત્યારબાદ ધરપકડનો દોર શરૂ થશે તેમ જાણવા મળે છે. (૧૪.૭)

(11:34 am IST)