Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના સામે સાવચેત રહો : રાજકોટના ધાર્મિક વડાઓની અપીલ

ધાર્મિક સત્સંગ કે મેળાવડાઓ યોજવા નહિં : પૂ.નિખિલેશ્વરાનંદજી, પૂ.અપૂર્વસ્વામી, આમીલ સાહેબ મુસ્તફાભાઈ

રાજકોટ, તા.૨૧ : વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીનાં સંક્રમણ સામે સાવચેતી રાખવા રાજકોટની ધાર્મિક વડાઓએ પ્રજાજોગ અપીલ કરી છે. રામકૃષ્ણ મિશનના સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રી અપૂર્વમુનિ તથા વ્હોરા સમાજના મૌલવી જનાબ આમીલસાહેબ મુસ્તફાભાઇએ અપીલ કરતાં જણાવ્યું છે, કે હાલની પરિસ્થિતિમાં ધાર્મિક સત્સંગ કે મેળાવડાઓ યોજવા નહિ. કોઇ પણ એક સ્થળે વધુ વ્યકિતઓએ ભેગા થવુ નહિ. જરૂર પડયે જ દ્યર બહાર નીકળવું. શરદી,ઉધરસ કે તાવના લક્ષણો શરીરમાં જણાય તો તેની તાત્કાલિક સારવાર મેળવી લેવી. તેમજ દ્યરના દરેક સભ્યો અને દ્યરને સંપૂર્ણ સેનીટાઇઝ કરવા કાળજી રાખવી, છીંક ખાતી વખતે મ્હો આડે હાથ રૂમાલ રાખવો જોઇએ. હાથ મિલાવવાના બદલે બે હાથ જોડી નમસ્તે અથવા એક હાથ ઉંચો કરી સલામ કહેવુ જોઇએ. જાહેરમાં થુંકવું નહી. જરૂર વગરની મુસાફરી કે અવરજવર ટાળવી જોઇએ. કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ આપણા સામુહિક સંકલ્પ બળથી સકારાત્મક ઉર્જાનો સંચાર કરી સરકારના પ્રયત્નોમાં સહકાર આપવો જોઇએ. આવેલી આફતને સૌ સાથે મળી શિસ્તબધ્ધ રીતે સામનો કરવા અને વાયરસના ફેલાવાને અટકાવવાનાઙ્ગ પૂરતા પ્રયત્નો કરવા જોઇએ.

 રાજય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે પૂરતાં પગલાઓ લેવાઇ રહ્યાં હોવાનું જણાવાયુ છે.(૩૭.૧૬)

(4:25 pm IST)