Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

તંત્રની અતિશયોકિત : રામકૃષ્ણનગરમાં શાકભાજીના ધંધાર્થીને બંધ કરાવતા ગૃહિણીઓમાં 'હોબાળો' મચી ગયો

રાજકોટ કલેકટર - એડી. કલેકટરને ફરિયાદ : શાકભાજી બંધ કરાવવાનું કહ્યું નથી : પરિમલ પંડયાઃ સવારના પહોરમાં ઉતરી પડેલી ટીમ શાકભાજીથી છલોછલ આખુ મેટાડોર ઉપાડી ગઇ

રાજકોટ તા. ૨૧ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ આવતીકાલે જનતા કર્ફયુની અપીલ કરી છે, પણ રાજકોટનું તંત્ર તો આજ સવારથી ઉતરી પડયું હોય તેમ સવારે ૮ વાગ્યાથી વિદ્યાનગર મેઇન રોડ ઉપર ત્રાટકયું હતું અને ચા - પાનની દુકાનો બંધ કરાવી હતી, આ દુકાનો ભલે બંધ કરાવી કારણ કે ૫ થી ૧૦ લોકોનું મીની ટોળુ આ ધંધાર્થીઓને ત્યાં હોય છે, અને ચા - પાન - ફાકી ન ખાય તો કોઇ વ્યકિતને થવાનું નથી... તંત્રની આ કાર્યવાહી આવકારદાયક છે.

પરંતુ આ ટીમે રામકૃષ્ણનગર-૧માં આવેલા શાકભાજીના નિર્દોષ વેપારીને ખખડાવી નાંખી તેમની દુકાન બંધ કરાવતા - આસપાસની શાકભાજી લેવા આવેલ ગૃહિણીઓમાં હોબાળો મચી ગયો હતો.

આ ટીમ આ વેપારીનું શાકભાજીથી છલોછલ ભરેલું મેટાડોર ઉપાડી ગઇ હતી, માત્ર બટેટાની ગુણી રહેવા દિધી હતી, આ વેપારી ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યાથી યાર્ડમાં શાકભાજી લેવા ગયા હતા. આસપાસના લતાવાસીઓમાં પણ ટીમની આ અતિશયોકિતથી પ્રચંડ રોષ વ્યાપી ઉઠયો છે.

દરમિયાન શાકભાજીના વેપારીને બંધ કરાવવા સામે રાજકોટ કલેકટર - એડી. કલેકટરને પણ ફરિયાદો થઇ છે, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ શાકભાજી બંધ કરાવવાનું કહ્યું જ નથી. તેમ 'અકિલા'ને જણાવ્યું હતું, લોકોમાં ટીમની આ અતિશયોકિતની ભારે ટીકા થઇ રહી છે.

(4:20 pm IST)