Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

જંગલેશ્વર વિસ્તારમાં લોકોને આરોગ્ય બાબતે સચેત રહેવા તબીબોની અપીલ

રાજકોટ તા. ર૧: કલેકટર શ્રીની હાજરીમાં જંગલેશ્વર વિસ્તારની ૩ મસ્જીદના ઇમામો તથા ડોકટરોએ મુલાકાત લીધી હતી જેમાં વિદેશથી પરત આવેલ લોકોની માહિતી સરકારશ્રીને આપવી, તાવ શરદી જેવા રોગોથી પીડાતા લોકો ઘરે નમાઝ અદા કરે, સરકાર દ્વારા ઘરે ઘરે તપાસ કરવા માટે આરોગ્ય વિભાગના લોકોને સહકાર આપી મદદરૂપ થાય, સફાઇનું પુરૃં ધ્યાન રાખવું વગેરેની તંત્ર દ્વારા અપીલ કરવાાં આવી હતી.

આ દરમિયાન રાજકોટ મુસ્લિમ ડોકટર્સ એસોસીએશન દ્વારા ડો. એમ. કે. કાદરી અને મુકતુદ્દીન કડીવારએ એક યાદીમાં કોરોના વાઇરસ બાબત જરૂરી સુચનાઓ આપતા જણાવેલ છે કે, (૧) મસ્જિદમાં જયાં સુધી કોરોના ચાલુ છે ત્યાં સુધી, દરેક મસ્જિદમાં ચટાઇ વગેરે કાઢીને જમીન પર જ નમાઝ પઢવાનું રાખવું (ર) દરેક નમાજ પછી મસ્જિદમાં યોગ્ય રીતે સફાઇ થવી જોઇએ. (૩) વુઝુ ઘરેથી જ કરીને આવવું (૩) શરદી વાળા લોકો, ખાંસી આવતી હોય તેઓ અને જેમને છાતીમાં દુખતું હોય તેઓ નમાજ ઘરે જ પઢે. આલિમો એમને સમજાવે કે આ રીતે ઘેર નમાઝ પઢવાનું પણ સવાબનું જ કામ છે. (૪) જુમ્માનો ખુત્બો તદન નાનકડો આપે. (પ) સુન્નત અને નકલ ઘરે પઢવામાં આવે. આપણે આટલું કરીશું તો પણ મોટી વાત થશે.

આ ઉપરાંત નોવેલ કોરોના વાઇરસ ફેલાતો અટકાવવાની સાવચેતીના પગલા રૂપે જરૂરી તકેદારી રાખવા પો. કમી. શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ પો. કમી. ખુરસીદ અહેમદ ડી.સી.પી. જોન-૧ રવિ મોહન સૈની એ.સી.પી. એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગની સુચના અન્વયે ભકિતનગર ઇન્સ્પેકટર વી. કે. ગઢવીએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં જંગલેશ્વર વિસતારના આગેવાનો તથા જ્ઞાતીના પ્રમુખો તથા મસ્જીદના ઇમામ તથા કોર્પોરેટરોને કોરોના વાઇરસ સબંધી જરૂરી માર્ગદર્શન આપી સાવચેતી જાળવવા અને વાઇરસનેઢ ફેલાતો અટકાવવા માણસોને ભેગા નહિ થવા દેવા તેમજ એકબીજા માણસોને હાથ નહિ મીલાવવા તેમજ ગળે નહિં મળવા તેમજ કામ વગર ઘરની બહાર ન નિકળવા અંગેનું માર્ગદર્શન પુરૃં પાડેલ હતું. આ વિસ્તારની નુરાની મસ્જીદ તથા ગોસીયા મસ્જીદ તથા નસીમ મસ્જીદના લાઉડ સ્પીકર દ્વારા માણસોને કોરોના વાઇરસ સબંધે જરૂરી માર્ગદર્શન પુરૃં પાડી કોરોના વાઇરસથી બચવાના અને તેને ફેલાતો રોકવાના માટે માણસોને ભેગા નહિ થવા તેમજ કામ વગર ઘરની બહાર ન નિકળવા તેમજ એકબીજા માણસોને હાથ નહિં મીલાવવા તેમજ ગળે નહિં મળવા તથા જરૂરી સફાઇ રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૃં પાડવામાં આવેલ હતું. તેમજ આગામી રવિવારના રોજ મોટી રાત આવતી હોય જેથી મુસ્લિમ જ્ઞાતિના માણસોને આ મોટી રાતની નમાજ પોત-પોતાના ઘરે પઢવા અને મસ્જીદમાં ભેગા નહિં થવા તંત્રએ અપીલ કરેલ છે.

બીજી તરફ જંગલેશ્વર વિસ્તારમાંથી લોકો અન્યત્ર પોત પોતાના સગા-સબંધીઓને ત્યાં જતા રહેતા હોવાની વાત ફેલાઇ હતી પરંતુ એમાં કંઇ તથ્ય ન હોવાનું બહાર આવેલ છે.

(4:12 pm IST)