Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના સામે વેપારીઓ જાગૃતઃ આજથી ત્રણ દિ' બજારો બંધ

રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા, ગુંદાવાડી બજારના વેપારીઓનો સ્વયંભુ નિર્ણય

રાજકોટની મુખ્ય બજારો ત્રણ દિવસ બંધઃ કોરોનાના કહેર સામે લોકો પોતે જ જાગૃત બને અને નિયમોનું પાલન કરે તો આ મહામારી સામે લડત આપી શકાય તેમ છે. શહેરની મુખ્ય બજારોના વેપારીઓએ  આ વાતને સમજી આજથી સોમવાર સુધી ત્રણ દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સવારે ધર્મેન્દ્ર રોડ પર વેપારી એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં વેપારીઓ એકઠા થયા હતાં અને જે વેપારીઓને ગત મોડી રાતના નિર્ણયની જાણ ન હોઇ તેમને જાણ કરવા માટે નીકળ્યા હતાં. ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા અને ગુંદાવાડી સહિતની મુખ્ય બજારો શનિ, રવિ, સોમ એમ ત્રણ દિવસ બંધ રાખવામાં આવી છે. બંધ બજારો અને વેપારી આગેવાનો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૧:  વિશ્વભરમાં કોરોના વાયરસને પગલે મહામારી જાહેર થઇ ચુકી છે અને રાજકોટમાં પણ કોરોનાનો એક પોઝિટીવ કેસ જાહેર થયો હોઇ સતર્કતા દાખવવા સોૈ નગરજનો એક થઇ રહ્યા છે. આવતીકાલે રવિવારે જનતા કર્ફયુ પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શહેરની મુખ્ય બજારોના વેપારીઓએ પણ કોરોનાના કહેર સામે જાગૃત થઇ સ્વયંભુ આજ શનિવારથી જ બજારો બંધ રાખી વડાપ્રધાનશ્રીની એક દિવસની જનતા કર્ફયુમાં જોડાવાનો નિર્ધાર કર્યો છે. આજથી મુખ્ય બજારો ત્રણ દિવસ સુધી એટલે કે શનિ, રવિ અને સોમવારે પણ બંધ રાખવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા સહિતની મુખ્ય બજારો આજે સવારથી જ ખોલવામાં આવી નહોતી.

સમગ્ર વિશ્વમાં મહામારી બની ચુકેલો કોરોના વાયરસથી ફેલાતો રોગ ભારત દેશમાં પણ પગપેસારો કરી ચુકયો છે અને અલગ-અલગ રાજ્યોમાં મૃત્યુ પણ થઇ ચુકયા છે. આ ઉપરાંત રોજબરોજ નવા પોઝિટીવ કેસ પણ સામે આવી રહ્યા છે. કોરોનાનો કહેર વધુ ફેલાય નહિ એ સામે સમગ્ર દેશ અને રાજ્યોના આરોગ્ય તંત્રો  તકેદારીના પગલા લઇ રહ્યા છે. તંત્રો દ્વારા લોકોને સતત જાગૃત રહેવા અને તકેદારી રાખવા તેમજ આરોગ્ય વિભાગ અને બીજા તંત્રો દ્વારા જે નિયમો આપવામાં આવે તેનું ચુસ્ત પાલન કરવા સમજ આપવામાં આવી રહી છે. લોકોને જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળવા અને જાહેર સ્થળોએ પણ ન જવા સલાહ અપાઇ રહી છે.

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ-અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, ોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા, નાટ્યગૃહો કે જ્યાં લોકોની મોટી સંખ્યામાં આવ-જા રહેતી હોઇ તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય, ધાર્મિક સંસ્થાઓ, વ્યવસાય એકમો ખાતે મોટી સંખ્યામાં પ્રજાજનો એકત્ર ન થાય એ માટે તે બંધ  સહિતના અનેક સુચનો જાહેર કરવામાં આવ્યા છે. પ્રતિબંધોનો ભંગ કરનારા સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી પણ કરશે.

આ ઉપરાંત રવિવારે જનતા કર્ફયુ રાખવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશવાસીઓ જોગ સંદેશો આપ્યો હોઇ આ તમામ બાબતોને ધ્યાને લઇને શહેરની મુખ્ય બજારોના વેપારીઓએ શુક્રવારે મોડી રાતે બજારો ત્રણ દિવસ લોકહીતમાં બંધ રાખવા નિર્ણય કર્યો હતો. તે અંતર્ગત આજ શનિવાર સવારથી જ બજારો બંધ રાખવામાં આવી છે. જે વેપારીઓને ગત રાતે જાણ નહોતી થઇ અને આજે દૂકાને આવી ગયા હતાં તેઓ પણ બીજા વેપારીઓ-આગેવાનો સાથે સહમત થઇ બજારો સોમવાર સુધી બંધ રાખવા સહમત થયા હતાં. મંગળવારથી આ બજારો ખુલી જશે.

ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી તથા બીજા વેપારી આગેવાનો ભુપેન્દ્રભાઇ છાંટબાર, જયમીનભાઇ ઠાકર, મહેશભાઇ મહેતા, કિરપાલભાઇ કુંદનાણી, કલ્પેશભાઇ શાહ, પંકજભાઇ બાટવીયા, પરેશભાઇ પટેલ, કનુભાઇ ઠાકર સહિતના આજે સવારે સાડા દસે ધર્મેન્દ્ર રોડ પર એકઠા થયા હતાં અને ભુલથી કોઇ વેપારીઓએ દૂકાનો ખોલી નાંખી હોય તો તેમને ત્રણ દિવસ વેપાર ધંધા બંધ રાખવા અપિલ કરવા નીકળ્યા હતાં.

ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા સહિતની મુખ્ય બજારો આજ સવારથી જ બંધ હતી. લોકોને પણ સહકાર આપવા વેપારીઓએ અપિલ કરી હતી.

(1:11 pm IST)