Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ગંગોત્રી પાર્કના ટ્યુશન સંચાલક સુનિલ નાયરના ઘરે ગજેન્દ્રસિંહ ગોહિલ, મોહન કુકડીયા, તેના પુત્રો સહિત છની ધબધબાટી

માનવ ગોહિલે કલાસમાં આવવાનું બંધ કરતાં તેના પિતા પાસે બાકી ફી માંગતા તેણે 'હાલ તારો હિસાબ પતાવી દઉ' કહી ઘરે આવી હુમલો કર્યો : મોહનના મુક્કાથી શિક્ષકના માતાના દાંત હલબલી ગયાઃ ઓકટોબર માસના બનાવમાં ઘરમેળે સમાધાન બાદ હવે ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા.૨૦: ગંગોત્રી પાર્કના ટ્યુશન સંચાલક યુવાને એક છાત્રએ કલાસમાં આવાવનું બંધ કરતાં તેના પિતાને ફોન કરી બાકીની ફી ભરી જવા કહેતાં તેણે બીજા પાંચ જણા સાથે ઘરે આવી ધમાલ મચાવી કલાસીસ સંચાલક યુવાન, તેના પિતા અને માતાને માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક ત્રિમુર્તિ ટેનામેન્ટ ૧-૫/એ ખાતે રહેતાં નલીનીબેન ચંદ્રશેખર નાયર (શેટ્ટી) (ઉ.૪૬)ની ફરિયાદ પરથી ગજેન્દ્રસિંહ ગોહિલ, મોહનભાઇ કુકડીયા, તેના દિકરા જયદીપ, કોૈશલ અને અન્ય બે વ્યકિત સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૪૩, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

નલીનીબેનએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેના પતિ એમરલેન્ડ કલબ ખિરસરા પેલેસ પાછળ કૂક તરીકે નોકરી કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં મોટો દિકરો સુનિલ, તેનાથી નાનો સની અને સોૈથી નાનો ૧૬ વર્ષનો અનુજ છે. સની બેંગ્લોર નોકરી કરે છે. સુનિલ રાજકોટ રહેણાંકમાં ટ્યુશન કલાસ ચલાવે છે. જ્યાં ૨૫ જેટલા છાત્રો ભણવા આવે છે. જેમાં માનવ ગજેન્દ્રસિંહ ગોહિલ નામનો છોકરો પણ આવતો હતો.

૧૫/૧૦ના રોજ પોતે રસોઇ કામ કરવા માટે ગયા હતાં ત્યારે સવારે નવ સાડાનવે પુત્ર સુનિલે ફોન કરી જણાવ્યું હતું કે માનવના પિતાએ ઘરે આવી પોતાને માર મારેલ છે. આથી પોતે તુરત જ ઘરે પહોંચ્યા ત્યારે ગજેન્દ્રસિંહ ગોહિલ તથા તેની સાથેના મોહનભાઇ કુકડીયા, તેના દિકરા જયદિપ, કોૈશલ અને બીજા અજાણ્યા હાજર હતાં આ લોકો તેણીના પતિ અને પુત્રને મારકુટ કરતાં હતાં. પોતે છોડાવવા વચ્ચે પડતાં મોહનભાઇએ તેણીને પણ મુક્કો મારી બાદમાં ઝાપટો મારતાં તે પણ પડી ગયા હતાં. મોહનભાઇના મુક્કાને કારણે તેણીના દાંત હલબલી ગયા હતાં.

નલીનીબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે એ પછી તેના દિકરાની વહુ માધુરીએ ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો. પોલીસની ગાડી જોઇ ગજેન્દ્રસિંહ, મોહનભાઇ સહિતના ભાગી ગયા હતાં. પોતે, પતિ અને પુત્ર પોલીસ મથકે પહોંચ્યા હતાં. હુમલાનું કારણ એવું હતું કે ગજેન્દ્રસિંહનો પુત્ર માનવ ગોહિલ ત્રણ-ચાર દિવસથી ટ્યુશને આવ્યો ન હોઇ સુનિલએ તેના પિતાને ફોન કરી જાણ કરી તે શા માટે આવતો નથી? તે બાબતે પુછતાં તેણે 'હવે મારો દિકરાને ટ્યુશનમાં નથી મોકલવો' તેમ કહેતાં સુનિલે બાકી નીકળતી ફીના પૈસા આપી જવાનું કહેતાં ગજેન્દ્રસિંહે 'પાંચ જ મિનીટમાં આવીને તારો હિસાબ કરી જાવ છું' તેમ કહ્યા બાદ પોતાની સાથે મોહનભાઇ, તેના દિકરાઓ સહિતને લઇ ઘરે આવી 'તું નીચે આવ એટલે તારો હિસાબ કરી નાંખું' તેમ કહી રાડારાડી કરી હતી અને બાદમાં ધોકાથી હુમલો કર્યો હતો.

જે તે વખતે આ માથાકુટનું પોલીસ મથકમાં જ સમાધાન કરી લેવાયું હતું. પરંતુ નલીનીબેનને મુક્કાને કારણે હજુ પણ મોઢામાં દુઃખાવો થતો હોઇ અને તેમના પતિને પણ પગમાં ધોકા ફટકારાયા હોઇ દુઃખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નલીનીબેનને દાંતમાં દુઃખાવો ખુબ વધી જતાં ડોકટરને બતાવ્યું હતું. હજુ પણ  હુમલાનો ભય હોઇ હવે ફરિયાદ નોંધાવી છે. તેમ અંતમાં નલીનીબેને જણાવતાં યુનિવર્સિટીના પીએસઆઇ જે. એન. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)