Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વિદ્યાર્થી તેના કૌશલ્યને પ્રમાણીત કરશેઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ર્સ્ટાટઅપ હેઠળ અરજી મંગાવી

પ કરોડની ગ્રાંટમાંથી પ૦ લાખનો પહેલો હપ્તો આવ્યોઃ કમીટીની રચનાઃ કાર્યવાહી શરૂ

રાજકોટ તા. ર૧ :.. છેલ્લા  એક દાયકામાં ગુજરાતમાં વિશાળ ઔદ્યોગિક વૃધ્ધિ જોવા મળી છે. વિદ્યાર્થીઓના નવાવિચારને ટેકો આપી વૃધ્ધિને સતત વેગ મળે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી જાહેર કરી છે. પોલીસીનો મુખ્ય હેતુ વિદ્યાથીના વિચારને  નાણાંકીય અને અન્ય સુવિધાઓ દ્વારા ટેકો આપી આ ઇનોવેટીવ વિચારને પેટન્ટ સુધી પહોંચાડી અને ઉદ્યોગ સાહસિકતાના નવા શિખર પર લઇ જવાનું છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં રહેલ વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાનો ઉપયોગ થઇ શકે તથા વિદ્યાર્થીને નાણાંકીય તથા સવલતોની સહાય આપી તેમના વિચારને એક પ્રોડકટમાં ફેરવી તેમજ  તેની પેટન્ટ લઇ શકાય તે આ પોલીસીનો મુખ્ય હેતુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજય સરકાર તરફથી આ પોલીસી અંતર્ગત રૂ. પ કરોડનું અનુદાન ફાળવેલ છે. જેમાંના રૂ. પ,૦૦,૦૦૦ નો પ્રથમ હપ્તો હાલ યુનિવર્સિટીને મળેલ છે તથા બાકીનું અનુદાન ક્રમશઃ મળશે. આ પોલીસી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના ક્ષેત્રમાં આવતી તમામ સંસ્થાઓ પાસેથી વિદ્યાર્થીઓની અરજી મંગાવેલ છે. પોલીસી અંતર્ગત કોઇપણ ફિલ્ડનો વિદ્યાર્થી પોતાના જ ફિલ્ડના નવા વિચારને રજૂ કરી શકે છે. યુનિવર્સિટી દ્વારા એક સ્કુટીની કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાના ફિલ્ડમાં કાંઇક ઇનોવેટીવ કરી શકવા માટેની માહિતી એક પ્રોજેકટના રૂપમાં રજૂ કરવાની રહેશે જેમાં તેઓ વિભાના, પ્રોટોટાઇપ, પ્રુફ ઓફ કોન્સેપ્ટ, પરીક્ષણ અને ટ્રાયલ, રીડીઝાઇન વગેરે રજૂ કરી શકશે. સ્ક્રુટીની કમીટીના સભ્યો વિદ્યાર્થીઓએ રજૂ કરેલ બાબતની ચકાસણી કરી યોગ્ય વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય, અનેક નિષ્ણાંતોનું માર્ગદર્શન, સવલતો વગેરે પુરું પાડશે.

પોલીસીમાં અરજી કરવા માટે યુનિવર્સિટીએ એક ગુગલ ફોર્મ બનાવેલ છે. જે યુનિવર્સિટીની વેબ સાઇટ www.saurashtrauniversity.edu    પર "NEWS"  નામના  ટેબ પરથી મળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ ફિલ્ડની બધી જ કોલેજના વિદ્યાર્થીઓ આ પોલીસીમાં ભાગ લઇ શકશે. આ પોલીસી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજમાં પણ એક કોલેજ કક્ષાએ કમીટીની રચના કરવામાં આવશે, જેમાં કમીટીના ચેરપર્સન તરીકે કોલેજના પ્રિન્સીપાલ અને તેજ કોલેજના ત્રણ અધ્યાપકો એમ કુલ ચાર સભ્યોની કમીટી બનશે. જે વિદ્યાર્થીઓને આ પોલીસી અંતર્ગત લાભ મળશે તે વિદ્યાર્થીઓને પ્રાથમિક તબકકે રૂ. ર,લાખ સુધીની નાણાંકીય સહાય કરવામાં આવશે ત્યારબાદ ક્રમશઃ વિદ્યાર્થીએ આ નાણાંની સહાયથી પોતાના પ્રોજેકટમાં કરેલ કાર્યની ચકાસણી કરી ક્રમશઃ વધારાની સહાય આપવામાં આવશે. યુનિવર્સિટીની એસએસઆઇપી કમીટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આ નવા ઇનોવેશન બદલ પેટન્ટ કરવા માટે તથા સ્ટાર્ટઅપ ચાલુ કરવા માટે પણ યોગ્ય માર્ગદર્શન અને નાણાંકીય સહાય ઉપલબ્ધ કરવામાં આવશે. એસએસઆઇપી અંતર્ગતની તમામ કામગીરી હાલ યુનિવર્સિટીના  સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં ચાલુ છે.

યુનિવર્સિટીની કમીટીમાં ડો. કમલભાઇ ડોડીયા (કુલપતિ), ડો. ધીરેનભાઇ પંડયા, ડો. મેહુલભાઇ રૂપાણી, શ્રી ખેર, લીનાબેન ગાંધી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. વિજયભાઇ ભટાસણા, ડો. મિહીરભાઇ રાવલ, દિપકભાઇ પટેલ, કેતનભાઇ વસા, ડો. વિશ્વાસ, ડો. પ્રિયાંક પટેલ  (મોરબી), ડો. સુનીલ બાબરીયા (મોરબી), ડો. સ્નેહલ કોટક (જામનગર), ડો. અનિરૂધ્ધ પઢીયાર (સુરેન્દ્રનગર), રાજુભાઇ પંડયા (અમરેલી), ડો. ભુમિકા નિમાવત (રાજકોટ), ડો. જયેશ બાબરીયા (રાજકોટ), ડો. સ્તવન પટેલ (રાજકોટ), ડો. રાજેશ કાલરીયા (રાજકોટ), ડો. અભય બાવીસી (રાજકોટ), ડો. મનોજભાઇ વ્યાસ (જેતપુર), નિકેશભાઇ શાહ, એસ. પી. સીંઘ, ડો. નિલાંમ્બરીબેન દવે, ડો. એચ. એન. પંડયા, ડો. વૃંદાબેન, શ્રી સચીનભાઇ પરમાર સહિતના નજરે પડે છે.

(4:44 pm IST)