Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મોબાઇલના ધંધાર્થી વિરૂધ્ધ ચેક પાછો ફરવાની ફરિયાદમાં વોરંટ

રાજકોટ તા.૨૧: ચેક રીટર્નમાં કેસમાં સમન્સની બજવણી બાદ પણ મુદતે હાજર ન રહેતા મોબાઇલના ધંધાર્થી મે.હર્ષ મોબાઇલના માલીક જીજ્ઞેશ મોરી સામે  કોર્ટે વોરંટ ઇસ્યુ કરેલ છે.

આ કેસની હકીકત જોતા રાજકોટના પાટીદાર અગ્રણી અને ઓમ માર્કેટીંગના નામથી ચાલતી મોબાઇલ ડીસ્ટ્રબ્યુટરની પેઢીમાંથી ૧, લક્ષ્મીનગર ખાતે આવેલ મે.હર્ષ મોબાઇલના માલીક જીજ્ઞેશભાઇ મોરી દ્વારા જુદી જુદી કંપનીના જુદા જુદા મોડલ્સના ૧,૭૪,૩૬૭ ની કિંમતના મોબાઇલ ખરીદવામાં આવેલ હતા. ખરીદી બાદ વારંવારની વિનંતી આધીન જુદી જુદી તારીખે જુદી જુદી રકમનો ચેક દ્વારા રૂ.૧,૨૪,૮૧૭/-ની ચુકવણી કરવામાં આવેલ હતી અને કોઇપણ અગમ્ય કારણસર રૂ.૪૯,૫૫૦ ની ચુકવણી કરવામાં આવેલ ન હતી.

સદરહુ બાકી રહેતી કાયદેસરની લેણી નીકળતી રકમ ચુકવી આપવા માટે મે.ઓમ માર્કેટીંગ દ્વારા વારંવાર વિનંતી કરતા આ કેસના આરોપી મે.હર્ષ મોબાઇલ-જીજ્ઞેશ મોરી દ્વારા બાકી રહેતી રકમની ચુકવણી અર્થે રૂ.૧૦,૦૫૦/- તથા રૂ.૩૯,૦૦૦ના કોટક મહીન્દ્રા બેંકના બે ચેક મે.ઓમ માર્કેટીંગને આપવામાં આવેલ. મે. ઓમ માર્કેટીંગ દ્વારા સદરહુ ચેક વસુલાત અર્થે રજુ કરવામાં આવતા વગર વસુલાતે ચેક રીટર્ન થયેલ હતા.

કોર્ટ દ્વારા આ કેસના આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ અને સદરહુ સમન્સની બજવણી થયેલ હોવા છતા કોર્ટે ઠેરવેલ તારીખે આરોપી ઉપસ્થિત ન રહેતા ફરીયાદીના વકિલની અસરકારક રજુઆત ધ્યાને લઇ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવી ન્યાયીક પ્રક્રિયાના ભાગરૂપે આ કામના આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ કામમાં ફરિયાદી મે.ઓમ. માર્કેટીંગ વતી એડવોકેટ શ્રી ગજેન્દ્ર એમ.જાની રોકાયેલ છે.

(4:09 pm IST)