Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વસતી અને વિસ્તાર વધ્યા, પણ સફાઇ કામદારોનું સેટઅપ ન વધ્યુ

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કલેકટરને વિસ્તૃત આવેદન : કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી ભરતી કરવા માંગ

રાજકોટ તા. ૨૧ : સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કલેકટર વિક્રાંત પાંડેને વિસતૃત આવેદનપત્ર પાઠવી સફાઇ કામદારોની ભરતી કરી સેટઅપ વધારવા રજુઆત કરાઇ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે શહેરી વિકાસ તેમજ શ્રમ રોજગાર કચેરીએ અનેક વખત પત્રવ્યવહાર અને રૂબરૂ રજુઆતો છતા આજ સુધી ધ્યાન અપાયુ નથી. છેલ્લે રાજકોટમાં ૧૯૯૭ માં ભરતી કરાઇ હતી. ત્યારે વસતી ૯ લાખની હતી. જયારે હાલ ૨૦૧૮ ના વર્ષમાં વસતી વધીને ૨૦ લાખ સુધી પહોંચી છે. એવુ વિસ્તારની બાબતમાં થયુ છે. મહાનગરપાલીકાનો સીમીત વિસ્તાર હતો. તેમાં રૈયા, મવડી, નાના મવા, કોઠારીયા જેવા ગામો ભળી જતા હાલ વિસ્તારનો વ્યાપ ખુબ વધી ગયો છે. તેની સામે સફાઇ કામદારોની સંખ્યા અને સેટઅપ નાના પડે છે. નવ લાખની વસ્તી હતી ત્યારે ૩૫૦૦ કર્મચારીઓનું સેટઅપ હતુ અને હાલ એના કરતાએ ઓછુ માત્ર ૨૦૦૦ સફાઇ કામદારનું સેટઅપ કોર્પોરેશનના ચોપડે બોલે છે.

મહાપાલીકામાં કોન્ટ્રાકટમાં રૂ.૩૦૦૦ મામુલી પગાર અપાય તો તેમાં ગરીબ માણસોનો ગુજરારો કઇ રીતે થાય. એક તરફ સફાઇ કામદારોને સફાઇ સૈનિકનું બિરૂદ અપાય છે તો આવા સફાઇ સૈનિકના પરિવારો આરામથી જીવન ગુજારો કરી શકે તેની પરવા કેમ કરાતી નથી તેવા સવાલો ઉઠાવાયા છે.

આ રજુઆત સમયે સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા, મંત્રી નટુભાઇ પરમાર, સહમંત્રી અતુલભાઇ ઝાલા, ખજાનચી મનસુખભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રી અશોકભાઇ બારૈયા તેમજ આગેવાનો ખીમજીભાઇ જેઠવા, રાજુભાઇ વાઘેલા, કૌશિકભાઇ સોઢા, સુરેશભાઇ નારોલા, વિજયભાઇ, પરસોતમભાઇ, દિપકભાઇ કિશન તેમજ સફાઇ કામદાર બહેનો, વાલ્મીકી સમાજના વિનુભાઇ પઢીયાર, પ્રકાશભાઇ વાઘેલા, સંજયભાઇ ગોહેલ વગેરે સાથે જોડાયા હતા.

તસ્વીરમાં રજુઆતકર્તા સફાઇ કામદાર જાગ્રુતિ મંડળના આગેવાનો અને કામદાર ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)