Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભાગે ઇ ભાયડા....વાલ્વ કોૈભાંડમાં સામેલ શખ્સોના ઘરે ક્રાઇમ બ્રાંચની ટીમો ત્રાટકી પણ કોઇ ન મળ્યા!

રાજકોટ તા. ૨૧: મ્યુનિસિપલ કોર્પોરેશનના વાલ્વ કોૈભાંડમાં સિવિલ એન્જિનીયરની ફરિયાદ પરથી ડીસીબી પોલીસ મથકમાં કોન્ટ્રાકટરો, મજૂરો સહિતના ૧૧ સામે આઇપીસી ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૧૧૪ મુજબ ગુનો નોંધાતા અને ક્રાઇમ બ્રાંચે બે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ 'ભાગે ઇ ભાયડા...' એ મુજબ આરોપીમાં જેના નામ ખુલ્યા છે એ તમામ છનનન થઇ ગયા છે. અમુક તો પોતાના મોબાઇલ ફોન ટ્રેસ ન થાય એ માટે થઇ ફોન પણ ઘરે મુકતાં ગયા છે!

પોલીસે મ્યુ. કોર્પોરેશનના સિવિલ એન્જિનીયર હિતેષભાઇ હસમુખભાઇ ટોળીયા (ઉ.૫૦)ની ફરિયાદ પરથી નવા થોરાળા વણકરવાસ-૬માં રહેતાં મહાનગર પાલિકાના વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટર લાલજી નથુભાઇ પરમાર, પેટા કોન્ટ્રાકટર મોહન ભલાભાઇ, મહાવેદ ડેવલોપર્સના મજૂર રમેશ ધરમશીભાઇ ઉદેશા (રહે. વેજાગામ વાજડી), વિનુ નારણભાઇ મેણીયા, રૈયા ગામ હુશેની ચોકના કરસન તેજાભાઇ મેરીયા, વેજાગામ સો વારીયા પ્લોટના જેન્તી ભાણાભાઇ માલકીયા, નાના મવા રોડ શિવગંગા સોસાયટીમાં રહેતાં પ્રિયા કન્સ્ટ્રકશનવાળા દિનેશ રામજીભાઇ વાણીયા, આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-૭માં રહેતાં ચામુંડા કન્સ્ટ્રકશનવાળા લક્ષમણ કરસનભાઇ ચોૈહાણ,    રૈયા ગામ ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે રહેતાં દેવ કન્સ્ટ્રકશનવાળા દેવજી તેજાભાઇ મેરીયા, મવડી ધરમનગર-૧માં રહેતાં બજરંગ કન્સ્ટ્રકશનવાળા નરેશ વિનુભાઇ મેરીયા અને વાલ્વ ખરીદનાર ગરેડીયા કુવા રોડ પર આવેલા શિતલ સેનેટરી સ્ટોરવાળા બુરહાન સિદ્દીકઅલી દારૂગલી સામે ગુનો દાખલ કર્યો છે.

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી.એસ.આઇ. એચ.બી. ધાંધલ્યા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. સામતભાઇ ગઢવી સહિતના સ્ટાફની બે ટીમોએ આરોપીઓના ઘરે-ઓફિસો પર દરોડા પાડ્યા હતાં. પરંતુ કોઇ મળી આવ્યા નથી. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:05 pm IST)