Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાજકોટ સહિત આખા રાજયમાં રેશનીંગની ખાંડનું વિતરણ ઠપ્પઃ લાખો કાર્ડ હોલ્ડરોમાં દેકારોઃ ટેન્ડર જ નથી અપાયું !!

DSO કહે છે અમે સરકારનું ધ્યાન દોર્યું છેઃ દુકાનદારોની હડતાલ પહેલા વહેલા તે પહેલાના ધોરણે અપાઇ ગઇ !!

રાજકોટ તા. ર૦ :રાજકોટ સહિત રાજયભરમાં લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને ચાલૂ માસ-માર્ચ મહીનાની ખાંડ મળી નહી હોવાની બાબતે ભારે દેકારો મચી ગયો છે. ખૂલ્લા બજારમાં ખાંડ ૩૮ થી ૪૦ ની કિલો લેખે મળે છે, અને બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને કિલોના રર લેખે ખાંડ અપાય છે, અને તે સંદર્ભે ચાલુ માસની ખંાડનું વિતરણ થવુ જોઇએ તે આજે ર૦ તારીખ વીતવા છતા થયું નથી, અને પરીણામે દેકારો મચી ગયો છે.

દરમિયાન ડીએસઓ શ્રી જોષીનો સંપર્ક કરતા તેમણે ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, હા ખાંડ આપી શકાઇ નથી, રાજકોટ નહી બીજે પણ આ પ્રશ્ન છે.દુકાનદારોની હડતાલ પહેલા બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને વહેલા તે પહેલાના ધોરણે ખાંડ આપી દેવાઇ હતી, હાલ પૂરવઠા નિગમ પાસે સ્ટોક નથી, અમે સરકારનું ધ્યાન દોર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને વ્યકિતદીઠ ૩પ૦ ગ્રામ રૂ. રરની કિલો લેખે ખાંડ અપાય છે. ટુંકમાં ૩ વ્યકિત દીઠ ૧ કિલો અને તેથી વધૂ હોય તો વ્યકિત દીઠ ૩પ૦ ગ્રામ અપાય છે.દરમિયાન ખાંડ ન હોવા પાછળ સરકારે હજુ ટેન્ડર ફાઇનલ નથી કર્યું તે ગણાવાઇ રહ્યું છે, કયા કારણોસર ટેન્ડર ફાઇનલ નથી કરાયું તેની કોઇ વિગતો જાહેર નથી કરાઇ, પરંતુ ખાંડ વગર રાજકોટ શહેર-જીલ્લાના જ રાા થી ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્ડરોને રહેવુ પડયું છે, અને ખુલ્લા બજારમાંથી મોંઘી ખાંડ ખરીદવી પડી છે.(૬.૨૩)

(3:59 pm IST)