Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજકોટ ચેમ્બર – ઈડીઆઈઆઈ - યશ બેંકના ઉપક્રમે ફેમીલી બીઝનેસ લીડરશીપ અંગે સેમીનાર યોજાયો

પારિવારિક વ્યવસાયમાં લીડરશીપ સ્કીલનો વિકાસ કેવી રીતે કરવો તેની નવી પેઢીને માહિતી અપાઈ

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈડીઆઈઆઈ તથા યશ બેન્કના સંયુકત ઉપક્રમે વેપાર-ઉદ્યોગ સાહસિકોને પારિવારિક વ્યવસાયમાં લીડરશીપ સ્કીલનો વિકાસ કેવી રીતે કરવો ? તે બાબત આગામી પેઢીને ઉપયોગી એવી જાણકારી માટે સેમિનાર યોજવામાં આવેલ. સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યાર બાદ ઈડીઆઈઆઈના વિજયભાઈ પટેલે તેમના ઈન્સ્ટીટયુટની જાણકારી આપેલ તથા યશ બેન્કના એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ મેહુલભાઈ મહેતાએ યશ બેન્કની બેન્કીંગ સેવાઓનો ખ્યાલ આપેલ.

બાદ સેમિનારના વકતા ડો. હિતેશ શુકલાએ આજે મોટા ભાગની પેઢીઓ ફેમીલી બીઝનેશ રીલેશનશીપ સાથે જોડાયેલ છે. તેમા પ્રશ્નો કેવી રીતે ઉભા થાય છે તેનો ખ્યાલ આપી પારિવારિક વ્યવસાયમાં નેતૃત્વનું પાલન કરતી દેશની વિવિધ કંપનીઓએ કરેલ નોંધપાત્ર વિકાસ અને કેટલીક કંપનીઓમાં નેતૃત્વના અભાવના કારણે આવી કંપનીઓને થયેલ નુકશાનના દ્રષ્ટાંત સાથે ખ્યાલ આપેલ. ઉપરાંત વ્યવસાય પેઢીઓના આગેવાનોને વિકસાવવા માટે શું કરી શકાય, આગામી પેઢીના આગેવાનો કેવી રીતે આદર મેળવી શકે, આગામી પેઢીના આગેવાનો પરિવારથી પોતાને અલગ પાડવાના અંગત વિકાસના કાર્યને કેવી રીતે કરી શકે, મલ્ટીનેશનલ ફેમીલી બિઝનેશમાં ઉદ્ભવતા પ્રશ્નો, વિકાસ અને વિસ્તરણ માટે હાલની અડચણો અને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો, પારિવારીક ધંધા-વ્યવસાયમાં ઉતરાધિકાર અને પરિવર્તન બાબત તથા પારિવારીક ધંધા-વ્યવસાયમાં સંભવિત આગામી પેઢીના સૂત્રધારોના વિકાસ અને સંકલન કેવી રીતે કરવું વગેરે, પારિવારીક વ્યવસાયના નેતૃત્વને સ્પર્શતી બાબતો અંગે સૌને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરેલ અને ઉપસ્થિત વેપારી પ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના વિગતવાર જવાબો આપેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તથા આભારવિધિ રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્ય મયુરભાઈ આડેસરાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:26 pm IST)