Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઈન્વેસ્ટમેન્ટની યોજનાને તમારા સંતાનનુ નામ આપી જુઓ !

લોકો મોટાભાગે ફાઈનાન્સીયલ પ્લાનીંગનો ખરો અર્થ સમજતા નથી. ઘણા લોકો અમને પુછતા હોય છે કે મારા હાથમાં કેટલા રૂપિયા હોય તો હું રીટાયર થઈ શકું? અથવા નિવૃતી વખતે મારી પાસે કેટલા રૂપિયા હોવા જરૂરી છે?

મારો જવાબ છેઃ- આ રૂપિયાનાં આંકડાને નિવૃતી સાથે કોઈ સંબંધ નથી. કારણ કે રૂપિયાનો આંકડોએ સલામતીની ખાતરી નથી. આવુ વિચારશો તો કયારેય રિટાયર નહી થઈ શકો.

કોઈપણ વ્યકિતના પૈસા એ તેમની પરસેવાની કમાણી છે અને તેને આપણી મનની લાગણીઓ સાથે સીધો સંબંધ છે. આપણને બધાને એક ભય સતાવતો હોઈ છે કે કાલે પૈસા નહી હોઈ તો શું થશે ? આને લીધે આપણી ભીતર અસલામતી જાગૃત થાય છે અને તેની માત્રા વધે છે. જેને લીધે ચિંતા વધે છે. જે માણસમાં લાલસાને જન્મ આપે છે.

માણસને માત્ર પૈસાદાર જ બનવું નથી હોતુ, એને બીજા કરતા વધુ પૈસાદાર બનવું હોય છે. જેને કારણે આવા માણસો પૈસા હોવા છતાં પણ સુખી થઈ શકતા નથી કે શાંતિને પામી શકતા નથી. આ બાબત એમને સામાજિક અપરાધો તરફ લઈ જાય છે.

રોકાણકારો પોતાનો ધ્યેય નકકી કરતાં નથી અને માત્ર બહારનાં કારણો જોઈને રોકાણ કરે છે. એના બદલે ધ્યેય મુજબ રોકાણ કરવું જોઈએ. સાથે સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ (મેડીકલેઈમ) અને લાઈફ ઈન્સ્યોરન્સ હોવા જરૂરી છે. એટલે કે ટર્મ ઈન્સ્યોરન્સ પણ હોવો જરૂરી છે. દરેક રોકાણ લક્ષ્ય આધારીત હોવું જોઈએ. અર્થાત તમારા ધ્યેય સાથે એ રોકાણનું મેચીંગ થતું હોવું જોઈએ. જો તમે દશ વર્ષ કે લાંબા ગાળા માટે રોકાણ કર્યુ હશે અને માર્કેટ (બજાર) સતત દશ દિવસ સુધી તુટતું રહે તો તમને તેની ખાસ ચિંતા નહિ થાય. દરેક વ્યકિતએ પોતાના પરિવારનાં ફોટા સાથે પોતાના રોકાણનાં ધ્યેય લખી રાખવા જોઈએ. અને એ ફોટાને નિયમિત જોતા રહેવું જોઈએ.  તમે તમારા દિકરા/ દિકરીનાં અમુક વર્ષોમાં તેજી આવે અને તમારા રોકાણની વેલ્યું સારી એવી વધી જાય ને તમને યુરોપ ફરવા જવાનું મન થાય તો શું તમે એ દિકરા / દિકરીના નામે કરેલાં રોકાણના ફંડને ઉપાડી યુરોપ ફરવા જવાનું પસંદ કરશો? ના ..... તો એ જ રીતે દિકરીના લગ્ન માટે કરેલું રોકાણમાંથી નાણાં ઉપાડી અન્ય જગ્યાએ કોઈપણ ખર્ચ માટે વાપરી નાખવાનું પસંદ કરશો? ના... બસ આટલી શિસ્ત રાખશો તો એ તમને ખોટો નિર્ણય લેવા નહિ દે...

ઈન્વેસ્ટમેન્ટ તો બહુ પછી આવે, પહેલા માણસે ઈમરજન્સી ફંડની જોગવાઈ રાખવી જોઈએ. પરિવારની સુરક્ષા માટે લાઈફ ઈન્સ્યોરન્સ (ટર્મ ઈન્સ્યોરન્સ) તેમજ સ્વાસ્થ્ય ખર્ચ માટે મેડીકલઈમ લઈ રાખવા જરૂરી છે જો કોઈ લોનનો બોજ હોય તો સૌપ્રથમ લોન ચુકવી કરજમુકત થઈ જવુ જોઈએ. એમાંથી મુકત થયા પછી જ સાચા અસરકારક રોકાણના ફાયદા થશે.

રક્ષા કામદાર,

ફાઈનાન્સીયલ એડવાયઝર, મો.+૯૧ ૯૮૨૫૪ ૯૩૯૩૮

(4:05 pm IST)