Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજકોટ માર્કેટયાર્ડ સોમવારથી ચાલુ કરવા માટે કાલે વેપારીઓ સાથે મીટીંગઃ ચોથા દિવસે પણ યાર્ડ બંધ રહ્યું

મચ્છરોના ઉપદ્રવ સમાન આજી ડેમ-૨ ખાતે સુરતથી આવેલ આધુનિક મશીનરી દ્વારા ગાંડી વેલ દૂર કરવાનું કાર્ય શરૂ

રાજકોટ, તા.  ૨૧:.  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં આજે સતત ચોથા દિવસે યાર્ડના વેપારીઓએ  બંધ પાળ્યો હતો. વેપારીઓએ પોલીસ કેસ પાછો ખેંચવાની માંગણી કરી બંધનું એલાન યથાવત રાખ્યું છે. બીજી બાજુ આવતીકાલે વેપારીઓ સાથે યાર્ડના પદાધિકારીઓની મીટીંગ યોજાનાર છે અને આ મીટીંગમાં સોમવારથી યાર્ડ ચાલુ થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને ગત સોમવારે હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ દ્વારા રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે ચોથા દિવસે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહેતા વિવિધ જણસીઓની હરરાજી અટકી પડી હતી. યાર્ડ બંધ રહેતા   દૈનિક કરોડોનું નુકશાન થઇ રહયું છે અને ખેડુતોની હાલત પણ કફોડી બની ગઇ છે.

દરમિયાન રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આજે ચોથા દિવસે યાર્ડ બંધ છે અને સોમવારથી યાર્ડ ચાલુ કરવા માટે યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો તથા મજુરો સાથે આવતીકાલે મીટીંગ યોજાનાર છે. આ મીટીંગમાં સોમવારથી યાર્ડ ચાલુ કરવા અંગે ચર્ચા-વિચારણા કરાશે. જો વેપારીઓ યાર્ડ ચાલુ કરવામાં સહકાર ન આપે તો વૈકલ્પીક વ્યવસ્થા અંગે પણ વિચારણા કરાશે.

બીજી બાજુ મચ્છરોના ઉપદ્રવ સમાન આજી-૨ ડેમ ખાતે સુરતથી આવેલ આધુનિક મશીનરી દ્વારા ગાંડી વેલ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાય છે. તેમજ યાર્ડમાં દરરોજ મચ્છરો દૂર કરવા ફોંગીંગ મશીનો ઉપલબ્ધ કરાયા છે.

(12:42 pm IST)