Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પારડીના મિતેશ જાદવની સાઈડ કાપવા બાબતે ૫ શખ્સોએ હત્યા કરી'તીઃ ૩ પોલીસના સકંજામાં

હત્યાનો ભોગ બનનાર મિતેશ જેતપુરના હીસ્ટ્રીશીટરના મર્ડરમાં તાજેતરમાં જ છૂટયો હતો. જેલર વિરૂદ્ધના ષડયંત્રમાં પણ આરોપી હતો. હત્યા કરનાર દિપક ગોવિંદ પરમાર, દિલીપ મનજી પરમાર તથા અમિત પરમારને પોલીસે દબોચી લીધા

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મિતેશનો મૃતદેહ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામમાં દલિત યુવાનની હત્યા સાઈડ કાપવા જેવી નજીવી બાબતે થયાનુ અને આ હત્યામાં સામેલ ૩ શખ્સોને પોલીસે દબોચી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ નજીક પડવલા રોડ પર મિતેશ નાગરભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ને પાંચેક શખ્સોએ બેલાના ઘા ઝીંકી માથું છુંદી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા. બનાવની જાણ થતા શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તેમજ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન. રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મિતેશ જાદવ જેતપુરના હીસ્ટ્રીશીટર અંકિત પરમારની હત્યાના ગુન્હામાં તાજેતરમાં જ નિર્દોષ છૂટયો હતો. તેમજ ગોંડલના જેલર વિરૂદ્ધ ષડયંત્ર રચાયાના પ્રકરણમાં પણ તે આરોપી હતો. તેમજ જેલમાં ખૂનના ગુન્હામાં હતો ત્યારે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા બાદ પકડાઈ ગયો હતો.

મૃતક મિતેશ જાદવને આરોપી દિપક ઉર્ફે દીપો ગોવિંદ પરમાર સાથે વાહનની સાઈડ કાપવા બાબતે ગઈકાલે બોલાચાલી થઈ હતી અને તેનો ખાર રાખી દિપક તેના સાગ્રીતો દિલીપ ઉર્ફે સંજય મનજી પરમાર, અમિત ઉર્ફે સનો મનજી પરમાર, કૈલાશ દિનેશ પરમાર તથા કિશોર લાખા પરમાર રે. પારડી સાથે ગેરકાયદેસર મંડળી રચી પડવલા રોડ પર મિતેશને આંતરી બેલાથી માથુ છુંદી હત્યા કરી નાસી છૂટયા હતા. પાંચ આરોપીઓ પૈકી પોલીસે ત્રણ આરોપી દિપક ઉર્ફે દીપો, દિલીપ ઉર્ફે સંજય તથા અમિત ઉર્ફે સનોને દબોચી લઈ પૂછતાછ હાથ ધરી છે.

બનાવ અંગે મૃતકના મોટા ભાઈ ગૌતમ જાદવે શાપર-વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી ઉકત ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે કૈલાશ પરમાર તથા કિશોર પરમારની શોધખોળ હાથ ધરાઈ છે. વધુ તપાસ શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.(

(11:54 am IST)