Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રિક્ષામાં મુસાફરોને બેસાડી ધમકાવીને કે નજર ચુકવી ખિસ્સા કાપતાં ત્રણ ઝડપાયાઃ ૧૨ ગુનાની કબુલાત

એસઓજીના આર. વાય. રાવલની ટીમે માલધારી સોસાયટીના સુનિલ ઉર્ફ ગડો, સુરેશ ડાભી અને કિશન વાજાને પકડ્યા કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા અને ફિરોઝ રાઠોડની બાતમી

રાજકોટ તા. ૨૧: મુસાફરોને રિક્ષામાં બેસાડી બળજબરીથી પૈસા પડાવી લેતી ત્રિપુટીને એસઓજીએ પકડી લીધી છે. આ ત્રણેય શખ્સોએ આવા કુલ ૧૧ ગુના આચર્યાનું કબુલ્યું છે. તેની પાસેથી રોકડ, રિક્ષા મળી રૂ. ૩૫૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ત્રણેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

એસઓજીના પી.આઇ. આર.વાય. રાવલની સુચના હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીમના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડને બાતમી મળી હતી કે પેડક રોડ પર પાણીના ટાંકા પાસે રિક્ષા નં. જીજે૩એયુ-૨૩૯૦માં બેઠેલા શખ્સો મુસાફરોને લૂંટી લેવાના ધંધા કરે છે. આ બાતમી પરથી ત્રણ શખ્સોને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં પોતાના નામ સુનિલ ઉર્ફ ગડો હરિભાઇ ડાભી (ઉ.૧૯-રહે. માલધારી સોસાયટી-૪, આરટીઓ પાછળ), સુરેશ હરિભાઇ ડાભી (ઉ.૨૮-રહે. માલધારી-૪) તથા કિશન મગનભાઇ વાંજા (ઉ.૨૦-રહે. માસુમ વિદ્યાલય પાસે ફૂટપાથ પર) જણાવ્યા હતાં. આ ત્રણેયની વિસ્તૃત તપાસ થતાં ત્રણેયે કબુલાત આપી હતી કે ગત ૧૫મીએ બપોરના ત્રણેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએથી એક યુવાનને રિક્ષામાં બેસાડી ધમકાવીને રૂ. ૯ હજાર પડાવી લીધાનું કબુલ્યું હતું.

આ મામલે તપાસ થતાં ભોગ બનનાર યુવાન મળી આવ્યો હતો. મુળ મધ્યપ્રદેશના અજયગઢના તુલાપુરા ગામના વતની અને હાલ નવાગામ છપ્પનીયા રહી કલરકામ કરતાં મુસ્લિમ યુવાન સુલ્તાન બેટાઇ ખાન (ઉ.૧૮) ૧૫મીએ નવાગામ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેથી મોરબી રોડ જવા માટે રિક્ષામાં બેઠો હતો. જેમાં અગાઉથી બીજા મુસાફરો બેઠા હોઇ તેને પહેલા આગળ બેસાડાયો હતો. પછી 'આગળ પોલીસ ચેકીંગ છે' તેમ કહી પાછળ બેસાડાયો હતો. એ દરમિયાન તેને અધવચ્ચે જ ઉતરી જવા કહેવાયું હતું. તેણે ઉતરવાની ના પાડતાં ધોધપાટ કરી ધમકી દઇ નવ હજાર પડાવી લીધા હતાં. આ ગુનો પકડાયેલા સુનિલ, સુરેશ અને કિશને આચર્યો હોવાનું ખુલ્યું હતું.

આગવી પુછતાછ થતાં ત્રણેયે બીજા ૧૧ ગુના કબુલ્યા હતાં. જેમાં ગ્રીનલેન્ડ ચોકડીથી ડી માર્ટ સુધીના રસ્તા પર એક મુસાફરના ૨૦,૦૦૦, મોરબી રોડ જકાત નાકા પાસેથી ૧૦૦૦, દસ દિવસ પહેલા હોસ્પિટલ ચોકથી જામનગર રોડ વચ્ચેના રોડ પરથી ૪ હજાર, બાર દિવસ પહેલા સાત હનુમાન પાસેથી રૂ. ૩૬૦૦, ગવરીદડથી મોરબી રોડ વચ્ચે રૂ. ૨ હજાર, વીસ દિવસ પહેલા સંત કબીર રોડ પરથી રૂ. ૪૦૦૦, હોસ્પિટલ ચોકીથી ભગવતીપરા વચ્ચે રૂ. ૧૮૦૦, ચુનારાવાડ ચોકથી આજીડેમ ચોકડી વચ્ચે રૂ. ૧૬૦૦ તથા રૂ. ૧૦૬૦ કાઢી લીધા હતાં. આ પૈકી એકેય બનાવમાં ભોગ બનનારે ફરિયાદ કરી નથી.

આ ત્રણેય ગઠીયા એકલ દોકલ મુસાફરને રિક્ષામાં ભાડેથી બેસાડતાં અને બાદમાં પાછળ બેઠેલા બે શખ્સો ધાકધમકીથી કે પછી મુસાફરને ખબર ન પડે એ રીતે તેના ખિસ્સા કાપી રોકડ ચોરી લઇ મુસાફરને જ્યાં જવું હોઇ ત્યાં પહોંચાડવાના બદલે પોતાને બીજી તરફ જવું છે તેમ કહી મુસાફરને અધવચ્ચે ઉતારીને ભાગી જતાં હતાં. જે રોકડ મળતી તેનાથી ત્રણેય મોજશોખ કરતાં હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. આર.વાય. રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. મનરૂપગીરી, કોન્સ. વિજેન્દ્રસિંહ, જીતુભા ઝાલા અને ફિરોઝભાઇએ આ કામગીરી કરી હતી. ત્રણેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(2:59 pm IST)