Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સૂફીના માધ્યમથી આધ્યાત્મિકતાનો ઉઘાડ થાયઃ માં પ્રેમ નઝીલા

મૂળ ઇરાનના-અમેરિકા સ્થાયી થયેલા ઓશો સન્યાસિની 'અકિલા'ની મુલાકાતે : માં પ્રેમ નઝીલાનું સાંજે સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સ્વાગત સૂફી સેશનનું આયોજન મોરબી, જામનગર, જેતપુરમાં કાર્યક્રમો ઘડાશે.

માં પ્રેમ નઝીલા સાથે સ્વામી સત્ય પ્રકાશજી, સ્વામી ધ્યાન અશોકજી, સ્વામી યોગ ઘનશ્યામજી સ્વામી, દિવ્યમ્, સ્વામી આનંદ પારસજી, માં ધર્મ નિવેદિતાજી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ :.. સૂફીના માધ્યમથી આધ્યાત્મિકતાનો ઉઘાડ થાય... આ શબ્દો માં પ્રેમ નઝીલાજીના છે. મૂળ ઇરાનના અને અમેરિકા સ્થાયી થયેલા નઝીલાજી સૂફી નૃત્યના નિષ્ણાત છે. તેઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં.

 તેઓએ જણાવ્યુ હતું કે, નૃત્યથી શારીરિક વ્યાયામ થઈ જાય છે, મન હળવુ થાય છે અને આધ્યાત્મિકતાની અનુભૂતિ પણ શકય બને છે.

માં નઝીલા ઓશોને કયારેય મળી શકયા નથી, પણ તેઓ કહે છે કે, ઓશો મારાથી જરા પણ દૂર નથી. દરેક ક્ષણે તેની અનુભૂતિ મને થાય છે. બુદ્ધિ-મગજને દૂર રાખીને દિલથી પ્રયાસ કરવામા આવે તો સાચા ગુરૂ પ્રાપ્ત થાય છે. હું ઓશોની ગુરૂ-શિષ્ય પરંપરાથી આકર્ષાઇ છું. ઓશોએ વિશ્વની દરેક પરંપરા-ધર્મનો અર્ક આપ્યો છે અને ધર્મોથી દૂર રહીને ધ્યાનનો માર્ગ આપ્યો છે, જે શ્રેષ્ઠ છે. મનનો કચરો કાઢવા માટે ઓશોએ આપેલું સક્રિય ધ્યાન ઉત્તમ છે આપણે પ્રકૃતિની સાથે રહીને જીવીએ તો ધ્યાનની જરૂર રહેતી નથી. હાલની જીવનશૈલી પ્રકૃતિથી દૂરની બની છે તેથી આ સ્થિતિમાં પ્રસન્ના-તનાવમુકત રહેવા ધ્યાન-નૃત્ય પ્રયોગો અનિવાર્ય છે.

સૂફી નૃત્ય અંગે તેઓ કહે છે કે આ નૃત્ય પદ્ધતિમાં કોઇ સ્ટેપ્સ નિયમો નથી તેથી માણસ હળવાશથી -અનુકુળતા પ્રમાણે નૃત્યમય થઇ શકાય છે. આ પ્રયોગમાં પૂર્ણતાથી ઇન્વોલ્વ થવાથી દિવ્ય અનુભૂતિ શકય બને છે.

સૂફિ માસ્ટર માં પ્રેમ નઝિલાએ જર્મનીમાં અભ્યાસ કરી કેલીફોર્નિયાથી (યુએસએ) સાયકોલોજીની ડીગ્રી મેળવી છે. તેણી ૧૯૯૭માં ઓશો સન્યાસીની બન્યા. નાનપણથી સુફિઝમ પ્રત્યે લગાવ હતો. તુર્કિમાં આવેલ કોનીયામાં અનેક સુફિ ગ્રુપો તેમણે કર્યા છે. તેવી જ રીતે પુના આશ્રમમાં સુફિ ગ્રુપ પણ તેઓએ કરાવ્યુ છે.

ઉપરાંત ૨૦૧૧માં પણ માં પ્રેમ નઝિલાએ વિશ્વમાં સુફિના સૌથી મોટા તીર્થધામ સમા તુર્કિ ખાતે સુફિ સંત જ લાલુદીન રૂમીની સમાધી ઉપર ધ્યાન પ્રયોગ કરાવ્યા હતા.

મા પ્રેમ નઝીલાજીનું આજે સાંજે છ વાગ્યે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન કેન્દ્ર ખાતે ભવ્ય સ્વાગત થશે. રવિવારે સૂફી વિષયક વિશેષ સેશન નઝીલાજીના સાનિધ્યમાં આયોજીત થયું છે. રવિવારે બપોરે ૩ થી ૬ અને રાત્રે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન સેશન યોજાશે આ માટે સત્યપ્રકાશજીનો સંપર્ક (મો. ૯૪ર૭ર પ૪ર૭૬) થઇ શકે છે.

મા પ્રેમ નઝીલા મોરબી ખાતે ઓશો સંસ્થાની મુલાકાત લઇને રાજકોટ આવ્યા હતાં. ડો. દેવાણી સ્વામી ધ્યાન અશોકજી પણ સાથે રહ્યા હતાં.

મા પ્રેમ નઝીલાજીના કાર્યક્રમો મોરબી, જામનગર જેતપુરમાં આયોજીત થઇ રહ્યા છે.

(4:07 pm IST)